________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
પરમકૃપાળુદેવ બોધ દેતા હતા. તે માણસ ચૌદ પ્રશ્નો પૂછવા ધારીને ઉતારો કરીને લાવ્યા હતા. તે પ્રશ્નોનો ઉતારો તેઓની પાઘડીમાં ખોસેલો હતો. તે વખતે તે ઘણીએ પ્રશ્નો પૂછ્યા નહોતા અને પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા તેમાં તેઓના ચૌદ પ્રશ્નોનો ખુલાસો કર્યો હતો જેથી તેઓના મનનું સારી રીતે સમાધાન થયું હતું. તેથી તે માણસ ઊભો થઈને પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડી બોલ્યો કે આપ પ્રભુ છો વગેરે ઘણી જ સ્તવના કરી હતી. ત્યારબાદ તેઓ બેઠા હતા, પણ તેઓના મનમાં એમ આવ્યું કે આ પુરુષ ગૃહસ્થાવાસમાં છે માટે નમસ્કાર કેમ થાય? એવું એના મનમાં આવતાં પરમકૃપાળુદેવે તેઓને કહ્યું કે તમારા નમસ્કાર અમારે જોઈતા નથી, તેમ તેનો કાંઈપણ પૈસો ઊપજતો નથી, તેમ અમારે કાંઈ પુજાવુંમનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોધ કર્યો હતો. તે પરથી તે માણસને એવો દૃઢ વિચાર થયો કે આ પુરુષ મહાત્મા પુરુષ છે એ નિઃસંશય છે, કારણકે મારા મનમાં ઊગેલા વિચારો પણ જણાવી દીધા, તેમજ પ્રશ્નો પૂછવાની વાત પણ મારા મનમાં જ હતી તેનું પણ સમાઘાન કર્યું; તે પરથી એવો દૃઢ વિશ્વાસ થયો કે આ પુરુષ અવધિજ્ઞાની પુરુષ છે એમ લાગ્યું હતું. આ મોતીભાઈએ શ્રી આત્મસિદ્ધિ છપાવવા રૂા. ૩૦૦/અર્પણ કર્યા હતા.’’ શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૦૮)
સંયમથી પતિત ઠેકાણે આવે પણ શ્રદ્ધાથી પતિત ઠેકાણે ન આવે
‘ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની તિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.” (વ.પૃ.૬૭૪)
સાચા સદ્ગુરુ
પ્રત્યે શ્રદ્ધા એ જ સમકિત
“દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ઘર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી. (વ.પૃ.૬૮૬)
૭૪