________________
‘ભક્તિના વીસ દોહરા’નું માહાત્મ્ય
જ્યાં ત્યાં ‘હું ને મારું’ થઈ રહ્યું છે.
સત્સંગનો જોગ નથી. હું પામર શું કરી શકું એવો વિવેક નથી. વિવેક એટલે દેહ અને આત્મા જુદા છે એમ વિચાર નથી. છે
એમ કહેવાય છે કે કલિકાળનું વર્ણન ઋષભદેવ ભગવાને કર્યું, તે વખતે ઘણા મનુષ્યો, એવા કાળમાં જન્મવું ન પડે એમ ઘારી સાધુ થઈ ગયા. અને આ જીવ આ કલિકાળને ભોગવે છે છતાં કંઈ લાગતું નથી! મર્યાદા ધર્મ નથી તો હવે ભાવના રાખવાની છે. મર્યાદા એટલે આજ્ઞા. આજ્ઞા આરાધનરૂપ ધર્મ જીવને બચાવી શકે. તે માટે ઝૂરવાનું છે. ગરજ હોય તો થાય, નહીં તો કંઈ ન થાય, રૂઢ થઈ જાય. પછી કંઈ બોલે તોય વિચાર નથી આવતો. જ્ઞાનીપુરુષોએ બઘું મુમુક્ષુઓને માટે કહ્યું છે. એ મુમુક્ષુતા આવે ત્યારે મીઠું લાગે.
“શુદ્ધભાવ મુજમાં નથી.” એ શુદ્ધભાવ કરવા માટે બધું કહ્યું છે. મુમુક્ષુને એમ થાય કે ચાર ગતિનાં દુ:ખથી કેમ છુટાય ? શુદ્ધભાવ વિના છુટાય એવું નથી. હવે એ શુદ્ધભાવ તો મારામાં નથી, તો કેમ છુટાય? એમ વ્યાકુળતા થાય છે. આ કાળનું સ્વરૂપ મહાપુરુષોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે.
પદ્મનંદી મુનિએ લખ્યું છે કે જ્યાં મોટાં સરોવર સુકાઈ જાય, ત્યાં મસ્ત્યાદિ પ્રાણીઓને ત્રાસનો પાર ન હોય તેવો આ કાળ છે. તેમાં વળી મોટી ચાંચવાળા બગલાઓ માછલાંને પકડવા ઘ્યાન ધરી ઊભા હોય છે, તેમ આ કાળમાં કુગુરુઓ બગલા જેવા છે.
તે બિચારા જીવોને ખાઈ જાય છે, લૂંટી જાય છે. હે ભગવાન! મારું શું થશે?
ઘરનું કામકાજ તો કાળ જેવું લાગે. છૂટું છૂટું એમ થતું હોય તેને ઘરમાં રહેવું ભાલા જેવું લાગે. જેમ પક્ષીને પાંજરામાં રહેવું ગમતું નથી, સોનાનું પાંજરું હોય તોય દુઃખરૂપ લાગે છે, તેમ એને ઘરમાં રહેવું પડે તે દુઃખરૂપ લાગે.
જે કામ કરવું છે તેની કાળજી જોઈએ. જે કરવાનું છે તે બધું ભૂલી જાય છે. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તે આખો દિવસ સાંભરે અને પોતાનું સ્વરૂપ ભુલાઈ ગયું છે, તે સાંભરતુંય નથી. એકલો પડે તો ભગવાનનો વિયોગ સાલવો જોઈએ. જો બોલ બોલ કરે તો વિયોગ કેમ સાલે ? જેમ બાઈનો ઘણી મરી જાય ત્યારે બોલવું, જોવું બધું બંધ કરીને ખૂણામાં બેસીને રડે છે, એવું રડવાનું છે.
જેનામાં ભક્તિ નથી તે અભક્ત છે. તેના પ્રત્યે ઉદાસ રહેવું જોઈએ. ઘરનું કામ કરતાં બધું આ ભક્તિનું કામ ભૂલી જાય છે. આ ઘરનું કામ તો મારું છે એમ કાળજી રાખીને કરે છે. આખો ને આખો આત્મા એમાં ચોંટી જાય છે. જે સંયોગ મળ્યો તેમાં ‘હું’ એમ થઈ ગયું. રૂપ હું, પુરુષપણાનો સંયોગ મળ્યો તો પુરુષ હું, ઢોરપણાનો સંયોગ મળ્યો તો ઢોરરૂપ હું છું, એમ થઈ ગયું છે. સ્ત્રીને પુરુષ કહે તો ખોટું લાગે.
૨૫