________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
તે સાંભળીને રજ્જાએ પૂછ્યું કે “હે ભગવન્! જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત લઉં, તો મારું શરીર સારું થાય કે નહીં?’” કેવળીએ કહ્યું કે “જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સારું થાય.' રજ્જા બોલી કે “તમેજ આપો. તમારા જેવો બીજો કોણ મહાત્મા છે?”’ કેવળીએ કહ્યું કે “તું બાહ્ય રોગની શાંતિ માટે ઇચ્છા કરે છે, પણ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે, તે શી રીતે જશે ? તોપણ હું તો તને પ્રાયશ્ચિત્ત આપું. પરંતુ તેવું કોઈ પ્રાયશ્ચિત્ત નથી કે જેથી તારી શુદ્ધિ થાય. કેમકે તેં પૂર્વે સર્વ સાધ્વીઓને કહ્યું છે કે ‘પ્રાસુક જળ પીવાથી મારું શરીર બગડ્યું.' આવું મહાપાપી વાક્ય બોલીને તેં સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડ્યો છે, તેવા વચનથી તેં મોટું પાપ ઉપાર્જન કર્યું છે, તેથી તારે કુષ્ટ, ભગંદર, જલોદર, વાયુ, ગુલ્મ, શ્વાસનિરોધ, અર્શ, ગંડમાલ વિગેરે અનેક વ્યાધિવાળા દેહવડે અનંતા ભવોમાં દીર્ઘકાળ સુધી દારિદ્ર, દુઃખ, દુર્ભાગ્ય, અપયશ, સંતાપ અને ઉદ્વેગનું ભાજન થવાનું છે.’’
આ પ્રમાણે કેવળીનું વચન સાંભળીને બીજી સર્વે સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ તજી દીધું. માટે હે ગૌતમ! જેઓ ભાષાસમિતિવડે શુદ્ધ એવું વાક્ય બોલે છે તે કેવળજ્ઞાન પામે છે, અને જે ભાષામિતિ જાળવ્યા સિવાય જેમ તેમ બોલી જાય છે તે આચારથી ભ્રષ્ટ થયેલી રજ્જા આર્યાની જેમ કુગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખસમૂહને પામે છે.’’ -ઉ.પ્ર.ભા.ભાગ-૪ (પૃ.૪૧૧)
વિના વિચારે બોલવાનું ફળ ભયંકર પણ આવે
માતા પુત્રનું દૃષ્ટાંત – માતા બહારથી આવી ત્યારે પુત્ર રોષમાં કહ્યું કે તું ક્યાં ગઈ હતી ? કોઈએ ફાંસીએ ચઢાવી હતી? તે આટલી મોડી આવે છે. મને ભૂખ લાગી છે તેનું ભાન નથી. ત્યારે માતાએ પણ ગુસ્સામાં આવી કહ્યું કે તારા હાથ કપાઈ ગયા હતા? આ ઉપર જ સિકામાં પડયું હતું, તે લઈને ખાઈ શકતો નથી. આવું બોલવાથી તે છોકરાને આગલા ભવમાં ફાંસીએ ચઢવું પડ્યું અને માતાના હાથ કપાયા. માટે કદી પણ આવા દ્વેષના વચન બોલવા નહીં કે જેથી વેર વધે. અથવા કોઈને ગધેડો કહેવાથી ગધેડાનો અવતાર આપણને લેવો પડે. અથવા બીજાને આપણા પ્રત્યે રાગ થાય, મોહ થાય, પ્રેમ આવે કે પ્રીતિ વધે એવા વચન બોલવાથી પણ ભવ વધે છે. એની સાથે જન્મ લઈ સંસારના દુઃખો ભોગવવા પડે છે.
‘વચન નયન યમ નાહીં' નયન એટલે આંખ પણ બાહ્ય વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ કરાવી જીવને ઘણા કર્મ બંધાવે છે.
‘નહીં ઉદાસ અનભક્તથી'.....
અનભક્ત એટલે જે ભગવાનના ભક્ત નથી, માત્ર સંસારમાં જ રાચી માચીને રહેલા છે તે પ્રત્યે મને ઉદાસભાવ એટલે ઉપેક્ષાભાવ થયો નહીં કે એ મને કુસંગનું કારણ છે. એમ જાણી મેં તેનો ત્યાગ પણ કર્યો નહીં.
૨૧૦