________________
જિનેશ્વરની વાણી”નું વિવેચન
“સકળ જગત હિતકારિણી, હારિણી મોહ,
તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે;” અર્થ - વળી ભગવાનની વાણી કેવી છે? તો કે સકળ જગતના જીવોનું. હિત કરવાને જે સમર્થ છે અને મોહરૂપી મદિરાના નશાને હરનારી છે, ભવાબ્ધિ, ભવ એટલે સંસાર, અબ્ધિ એટલે સમુદ્ર. સંસારરૂપી સમુદ્રમાં ડૂબકા ખાતા ભવ્ય જીવોને તારનારી છે, મોક્ષચારિણી એટલે જીવોને મોક્ષના માર્ગમાં ચલાવનારી છે અને પ્રમાણી એટલે પ્રમાણભૂત છે અર્થાત્ દ્રષ્ટાંતસહિત વાતને સિદ્ધ કરી બતાવનારી છે. નિત્યનિયમાદિ પાઠ માંથી -
ભાવાર્થ – “સર્વ જીવોના કલ્યાણનું કારણ, મોહને નિર્મૂળ કરવાનું કારણ, ભવસાગર તરવાનું કારણ તથા મોક્ષ પ્રાપ્ત કરાવનારી ભગવાનની અમોઘ વાણી છે.” -નિત્ય પાઠ (પૃ.૧૪) “મોક્ષમાળા વિવેચન'માંથી -
“સકલ જગત હિતકારિણી=ભગવાનની વાણી સર્વ સંસારી જીવોનું હિત કરનારી છે. દયાના ‘ઉપદેશથી એકેન્દ્રિયાદિ બઘા જીવોને સુખનું કારણ થાય એવી છે. હારિણી મોહકતે મોહનો નાશ કરનારી છે. મુખ્ય મોહ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા અથવા દર્શનમોહ, તે ભગવાનની વાણીથી દૂર થાય, વળી કષાય જિતાય તેથી ચારિત્રમોહ દૂર થાય, એ રીતે તારિણી ભવાબ્ધિ= સંસારસાગરથી તારનારી છે. અને મોક્ષચારિણી=મોક્ષના પુરુષાર્થમાં પ્રેરનારી છે. પ્રમાદમાં પડેલો હોય અને વાણી સાંભળે તો પુરુષાર્થમાં મંડી પડે અને અલ્પ કાળમાં મોક્ષ પ્રાપ્ત કરે. એ રીતે મોક્ષમાં લઈ જનારી છે. અંજનચોર આઠ દિવસમાં મોક્ષ પામી ગયા. પ્રમાણી છે=એ જિનેશ્વરની વાણીને મહાપુરુષોએ નિશ્ચય માનવા યોગ્ય, સત્ય અને પ્રમાણભૂત માનેલી છે.” (પૃ.૨૪૨)
ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ,
આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે;” અર્થ :- જે ભગવાનની વાણીથી સાત તત્ત્વ કે પુણ્ય, પાપ આદિ નવ પદાર્થ, છ દ્રવ્ય કે છ પદ આદિ જણાય છે. તેવી અદ્દભુત મહાન ભગવાનની વાણીને જગતના કોઈ પદાર્થ સાથે ઉપમા આપીને સરખાવવાની તમન્ના રાખવી તે વ્યર્થ છે. કારણ કે તે ભગવાનની અનંત ભાવભેદથી ભરેલી વાણીને બીજા સાથે ઉપમા આપવાથી કેવળ પોતાની મતિ એટલે બુદ્ધિનું જ માપ નીકળે, ભગવાનની વાણીનું નહીં, એમ પરમકૃપાળુદેવનું માનવું છે. નિત્યનિયમાદિપાઠ' માંથી - - ભાવાર્થ – “તેના જેવું કલ્યાણનું સાઘન શોઘતાં બીજું મળી શકે તેમ નથી. તેથી તેને કોઈની સાથે સરખાવી શકાય કે ઉપમા અપાય તેમ નથી. તેથી ઉપમા આપવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. ઊતરતી ઉપમા આપે તો ઉપમા આપનારની બુદ્ધિની ખામી ગણાય છે.” -નિ.પાઠ (પૃ.૧૫)