________________
૧૭૫
પર આવવા દેતાં નથી. પોતાનાં સંતાનોની આ સિદ્ધિથી હરખાયેલાં વૃક્ષો ઝૂલવા માંડે છે.
પાણીનો વહેળો નીકળતો હોય તેની પર વૃક્ષો ઝૂકતાં નથી. જાણે કહે છે : તું તારે નદી બનીને વહેજે. માણસોને પાણી પીવડાવજે. અમે તો આકાશ
લગી પહોંચ્યા. અમને તો હમણાં વાદળાં પાણી દેવા આવશે. તારાં એંઠા પાણી અમે સૂંઘવાનાય નથી.
એક વૃક્ષ એટલું ઊંચું હતું કે બાજુમાં ઊભેલી ટેકરી નીચી લાગતી હતી. બાળવાર્તાનો નાયક તો ટેકરી પરથી વૃક્ષ સુધીનો રોપ-વે બાંધી લે.
ઊંચાઈ પરથી આ જંગલનો ઢોળાવ જોઈએ તો બે રૂપ સ્પષ્ટ થાય. વૃક્ષોની લીલીછમ ટોચની બિછાત પર ઝળકતો તડકો. અને એ વૃક્ષોની નીચેની અંધારખંડ. અસૂર્યપશ્યા ધરતી. એની કથા ભયાનક છે.
(૧૫)
ડોંગરગાંવની સ્કૂલમાં ઉતરવાની ના આવી. રાઈસમિલવાળાએ સારો જવાબ ન આપ્યો. અગ્રવાલનું ઘર હતું તેણે કલાકેક બેસવાની છૂટ આપી.
પહેલા કોઈ સાધ્વીજી આવ્યા હતા. તેમની ગડબડના હિસાબે અમને રહેવાના
વાંધા પડ્યા. કલાકેકમાં ઘરમાલિકને કંઈક ભરોસો બેઠો એટલે પોતાની દુકાન ખોલી, કરિયાણું ખાલી કરાવીને અમને ઉતારો આપ્યો. ઉનાળાની ધીખતી બપોરે એ ત્રણ કલાક અમારી સાથે બેઠો. આ જંગલવિસ્તારની દિલધડક વાતો એ કરતો જ રહ્યો.
જૂના જમાનામાં બહારવટું કરનારા હતા તેમ આજે આ જંગલમાં નક્સલવાદીઓ રહે છે. એમની માંગણી સંતોષાતી નથી. તેથી સરકારી લોકો અને શ્રીમંત માણસોને પરેશાન કરે છે. પોલીસનું કાંઈ ઉપજતું નથી. તેઓ ભારતદેશના વિરોધી નથી. તેમને રાજકારણી લોકો સાથે વાંધો છે. આ લોકો બંદૂકધારી હોવા છતાં રહેણીકરણીમાં અને ખાવાપીવામાં જંગલિયત નથી રાખતા. ઠાઠથી રહે છે. ઘરના માહોલમાં જ જમવાનું. ઝાડ નીચે કે ઉભડક પગે નહીં, ટેબલ ખુરશી પર બેસીને. સારાં કપડાં અને ઊંચું જીવનધોરણ તેમની ખાસિયત. અદ્યતન શસ્ત્ર તેમની વિશેષતા. પોલીસો એમનાથી ડરે. આ ગામની
૧૭૬
સ્કૂલમાં જ ચૂંટણીબૂથ હતું. વોટ આપવાની જગ્યા. ચૂંટણીનો સમય હતો. સાત નક્સલવાદી કબજો જમાવવા આવ્યા. મોટી સંખ્યામાં પોલીસોને જોઈને ભાગ્યા. પીછો કરવાનો વહેવાર સાચવીને પોલીસ અટકી. દૂરભાષકેન્દ્રમાં જઈ મોટી પોલીસચોકી પર એમણે આ સમાચાર આપ્યા. ફોન મૂકાયો ને એક નક્સલવાદી ત્યાંથી પસાર થયો, ભાગ્યો. એ નક્સલવાદી ઔરત હતી. એમનામાં ઔરતોને આ મારફાડ કામો માટે કેળવેલી હોય છે. એ છૂપાછૂપીમાં એકલી રહી ગઈ હતી તે તાકડો સાધીને ભાગી. સ્કૂલના બાળકો તેની પાછળ ધસ્યા. પોલીસને ખબર નહીં. એ બાઈ થોડું દોડીને અટકી, પાછી ફરી. અને પછી એ ફૂલનદેવીએ બાળકો સામે ચકચકિત બંદૂક તાકી. બાલુડા વગર પૂંછડીએ નાઠા. એમણે પોલીસને ખબર દીધા તો પોલીસને ઠંડી જ ચડી ગઈ. ભારતીય પોલીસની નપુંસકતાનો પાઠ ડોંગરગાવમાં ભજવાયો છે. ઘણાં ગામોમાં આવું થાય છે. પહેલાં કરતાં તંગદિલી હવે ઓછી છે.
જ્યાર સુધી યુધિષ્ઠિરો ઢીલી વાતો કરે છે ત્યાર સુધી દુર્યોધનોનો જ ગજ વાગતો રહે છે.
(૧૭)
વિહારમાં દરેક ગામની સીમ પસાર કરવી પડે. ગામના રખેવાળો ત્યાં ઊભા જ હોય. પહોંચીએ કે નીકળીએ એટલે હલ્લો ચાલુ થઈ જાય. મોટી ચોરી કરી હોય તેવો વિરોધ નોંધાવી ભસે. એ હોય કૂતરાઓ. બે પણ હોય ને વીસબાવીસ પણ હોય. ઘણી વાર તો માઈલો સુધી પીછો કરે. એક વાર તો છેક ત્રીજે માળેથી ભસવા માંડેલું. મોટા કૂતરાઓ ભેગા નાના કુરકુરિયાં પણ કાંઉ કાંઉ કરવા માંડે છે. સામાન્ય રીતે દાંડો ખખડાવીએ કે વાંકા વળી પથ્થર ઉઠાવીએ એટલા માત્રથી દૂર થઈ જાય. એકાદવાર એવું બની શકે કે આને લીધે જ એ વધારે ઉશ્કેરાય.
એક અલગ અનુભવ થયો. ગામડેથી જ વિહાર હતો. વહેલી સવારે એ પાછળ આવ્યું. ન ભસે, ના ઘૂરકે, વડીલો ફરમાવતા હોય છે કે ભસતો કૂતરો કરડે નહીં, કરડતો કૂતરો ભસે નહીં. આ વ્યાપ્તિના આધારે અનુમાન કર્યું. આ કૂતરો ભસતો નથી માટે એ કરડશે. અન્વય વ્યાપ્તિનો સવાલ નહોતો. વ્યતિરેક