________________
૧૪૪
૧૪૩
પોષ વદ ૧: ભદ્રાવતી રામાયણના જમાનામાં ભરત અને કૈકયી વચ્ચે ઝઘડો થઈ જતો તેને લીધે રાજ્યના હકદાર રામચંદ્રજીને અયોધ્યા પાછી મળતી. આજે ભરત ને કૈકયી સંપી જાય છે. રામચંદ્રજી જીંદગીભર દેશવટો ભોગવે છે. રામચંદ્રજી સાથે લક્ષ્મણ જતા નથી કેમ કે તાવ આવેલો હોય છે. સીતાજીને દસ દિવસથી પગમાં દુ:ખાવો હોય છે એટલે વનવાસની જવાબદારી એકલા રામને ઉપાડવી પડે છે. સીધા માણસોનો જમાનો નથી રહ્યો. બીજાની મહેનત પર પોતાનો પગદંડો જમાવનારાના રાજ ચાલે છે. આ ભદ્રાવતી તીર્થની વાર્તા છે. અહીં આપણું ભવ્ય જિનાલય છે. પ્રતિમાજી ભવ્ય અને ચમત્કારી છે.
પહેલાં અહીં જંગલ હતું. રાતે તો દેરાસરની સામે સિંહ ફરતા. ખોદકામ જયારે થતું ત્યારે પુરાતન અવશેષો નીકળતા. આજ સુધી ઘણું નીકળ્યું છે, અગણિત મૂર્તિઓ પણ. કમનસીબે એ બધું સરકારે અમરાવતી અને નાગપુરનાં મ્યુઝિયમમાં મૂકાવી દીધું છે. આટલે સુધી હજી ઠીક હતું. અહીંથી ૨ કિ.મી. દૂર વીજાસન ટેકરી છે. પ્રવાસનિગમવાળાએ ત્યાં બૌદ્ધગુફા નામનું સ્થળ છે તેમ છાપી દીધું છે. એ બૌદ્ધગુફા નથી. એ જૈન ગુફા છે. ત્યાંની ત્રણ ગુફામાં ત્રણ પ્રચંડ પ્રતિમાજી છે તે બુદ્ધની નહીં પરંતુ જિનભગવાનની છે. ગમે તે કારણોસર એ આંબેડકરવાળા બુદ્ધપંથીઓના કબજામાં જતી રહી છે.
અમે તો ખાસ તપાસ કરવા જ ગયા. સાચું શું છે ? ટેકરી નાની છે. ગુફા વિશાળ છે. હૉલ જેવો જ વિસ્તાર. કોઈ બારી નહીં. અંધારામાં દર્શન બરોબર થાય તે માટે જ મૂર્તિઓ મોટી બનાવી હશે. મૂર્તિ પર જનોઈ કોતરી દેવામાં આવી છે. ભગવાનને સિંદૂર ચોપડી દેવાયો છે. પદ્માસન દેખાય નહીં તે માટે ખોળામાં સિમેન્ટ ભરી દીધો છે. લાંછન ગરક થઈ ગયું છે. ભગવાનના સંપુટમાં ગોળચણાં ને ખડીસાકર પડ્યા રહે છે. છતાં ભગવાનની મૂર્તિ મૂળમાં આપણી છે તે દેખાઈ આવે છે. ગુફા બેહદ ખૂબસૂરત છે. એક સાથે દસ જણા બોલે તો દસેયના પડઘા અલગ અલગ સંભળાય. ધ્યાન કરવા માટે ભીંતોમાં ગોખલા પાડવામાં આવ્યા છે. દસ હાથ દૂરથી બોલાતો શબ્દ, જાણે કાનમાં મંત્ર ફૂંકાતો હોય એટલો નજીક લાગે છે.
આ રમણીય સ્થળે અજોડ તીર્થ બની શક્યું હોત, આજે આપણે બધું ગુમાવી દીધું છે.
પોષ વદ ત્રીજ : વોરા ભદ્રાવતીજીથી પણ વિહાર થઈ ગયો. નાગપુરની ભાવિક જનતાના ઉલ્લાસ ઉમંગના સથવારે છ'રી પાલકસંઘ નીકળેલો. નાગપુરના ચાર સંઘો એકી સાથે હતા. યુવાસંસ્કારરૃપની મહેનત હતી. દાદાને ભેટવા નીકળ્યા તેનો પહેલો દિવસ, રાતને લીધે યાદ રહ્યો. કડકાભેર ઠંડી પડી હતી. હાડકા થીજીને ગંઠાઈ જાય તેવો સૂસવાટો હતો ઠંડીનો. નાગપુરની બહાર, પહેલા મુકામે આખું નાગપુર કપડાના મંડપમાં પોઢ્યું હતું. નાગપુરનું ચોમાસું જામ્યું હતું તે ઘેર બેઠા વખતની વાત હતી. આ ઠંડી ઘરબહાર જામી હતી. ભદ્રાવતી યાત્રાની પહેલી રાત પછી દસમી રાત પણ આવી. તીર્થપ્રવેશ પર નાગપુરના ઘરેઘરના ભક્તો હાજર હતા. પ્રબુદ્ધ શ્રોતાઓ, ઉત્સાહી કાર્યકર્તાઓ અને પ્રેરણા ઝીલનારા આરાધકોનું શહેર નાગપુર આજે દૂર છે. ભદ્રાવતી તીર્થ પણ દૂર છે.
ભક્તો વગર તો ચાલી જાય. ભગવાન વગર કેમ ચાલે ? રોજના સવાર-સાંજ દર્શન કરતા તે યાદ આવે છે. સુંદર મજાનાં ચિત્રો ભૂલાતા નથી. આરતીના ડંકા તો હજી કાનમાં ગુંજે છે. આંખો મીંચાય તો પ્રભુમૂર્તિ સામે આવી રહે છે. પણ મીંચાયેલી આંખે રહેવાતું નથી. હજી ઘણું જીવવાનું છે. આંખો ખુલ્લી રાખીને પ્રભુને સાંભળતા રહેવાનું છે. પ્રભુની યાત્રા બે વખત થઈ. ત્રીજી વખત પ્રભુ બોલાવશે તેવી આશા છે.