________________
૧૨ ૬
૧૫
શ્રી પ્રયાણતીર્થ અને શ્રી કૌશાંબી
વૈશાખી પૂનમ : પ્રયાગ આજે પાલીતાણામાં પૂનમની ભીડ હશે. ગરમી સામે ગરદીનું જોર મોટું હશે. મોટા અવાજે જયઘોષ બોલાશે. ભવ્ય આંગી થશે. દબદબાભેર આરતીમંગળ દીવો થશે. પ્રસાળ અને પૂજાની ભીડથી થાકેલા પૂજારીઓ આરતીના ઘંટનાદ સાંભળી તાજામાજા થઈ જશે. ડોલીવાળાઓએ કમાણી કરી જ હશે. ધર્મશાળાઓ અને ભાથાખાતું ભીડથી ઊભરાયાં હશે. આજે પૂનમ છે. વૈશાખી પૂનમ. શ્રી આદિનાથ દાદાની યાત્રાનો મંગલદિવસ, પાલીતાણાના સામે છેડે પ્રયાગતીર્થ છે. અહીં એક પણ યાત્રિક આવ્યો નથી. ગરમીનું જોર જ આગળ છે. પૂજારી એકલે હાથે પૂજા કરી લેવાનો છે. આંગીની વાત નથી. આરતીમંગળદીવો પૂજારીના હાથમાં છે. પૂજારી કોઈ આવે એની રાહ જોઈને થાક્યો છે. ઘંટનાદ એનો એ જ છે, એકવાર રણકાર થયો પછી શાંતિનો સૂર ચિરંજીવ, મહા મહિને, કૃષ્ણ પક્ષે, એકાદશી તિથિએ શ્રી આદિનાથ પ્રભુએ અહીં ઘાતી કર્મોનો ક્ષય કર્યો હતો. પ્રભુને કેવળજ્ઞાન લાધ્યું હતું, પ્રભુ ભગવાન બન્યા હતા. વર્તમાન અવસર્પિણીનું પ્રથમ સમવસરણ મંડાયું હતું. આ ભૂમિ પરતે સમયે અગણિત માનવો ઉમટ્યા હતા. આજે એક પણ યાત્રિક નથી. દર વરસે હજારો વર્ષીતપ થાય છે. એ તપસ્વીઓ અહીં આવે જ, એવું નક્કી નથી હોતું. (અયોધ્યામાં યાત્રિકો ઓછા આવે છે, અહીં તો સાવ ઓછા.) નવાણું કરનાર સેંકડો યાત્રિકો હોય છે. અહીં કેટલા આવે છે તે પૂછવાનો અર્થ નથી. જવાબ હતાશાજનક આવવાનો છે તે નક્કી છે. દેરાસર સુંદર છે. વ્યવસ્થા ઉત્તમ છે. અરે, આવવા જવાની સગવડ પણ બધી જ છે. આવવું હોય તો જ
અવાય. હા, તો જ અવાય.
અષ્ટાપદની યાત્રા નથી થતી તેનો રંજ છાશવારે વ્યક્ત થતો હોય છે. પ્રયાગ તીર્થની સ્પર્શના નથી કરી તેની વેદના લગભગ કોઈને નથી. ચોવીશ તીર્થકરની પરમપવિત્ર પરંપરાના પ્રથમ પરમપુરુષ શ્રી ઋષભદેવ ભગવાનની કૈવલ્યભૂમિની યાત્રા ન કરી હોય ‘તેનો એળે ગયો અવતાર' એવો ઉપદેશ હવે દરેક ગુરુભગવંતોએ (કડક ભાષામાં) આપવો જોઈશે.
વૈશાખ વદ એકમ : પ્રયાગ ગંગાયમુનાનો સંગ થાય છે ત્યાં એક કિલ્લો છે. તેમાં એક પ્રાચીન વટવૃક્ષ છે. કહેવાય છે કે શ્રી આદિનાથ ભગવાનને કેવળજ્ઞાન ત્યાં થયું હતું. આખો કિલ્લો લશ્કરના તાબામાં હોવાથી એ ભૂમિ પર તીર્થ બને તેવી સંભાવના નથી. આમેય એક દેરાસર છે ત્યાંય કોઈ ન આવતું હોય તો બીજાં દેરાસરની કલ્પના પણ કેવી રીતે થાય ? ગામમાં આપણાં પાંચ-છ ઘરો છે. દિગંબરોનાં ત્રણસોથી વધુ ઘર છે. તેમનાં ચાર મોટા મંદિર અને એટલા જ ઘરદેરાસર છે. એ લોકોની કલ્યાણ કતીર્થો પર પક્કડ રાખવાની નીતિએ અહીં સફળતા મેળવી છે. એમ તો આપણા યાત્રિકો નિયમિત રીતે સારી સંખ્યામાં આવતા રહે તો આપણાં જિનાલયોનો પ્રભાવ અદભુત છે તે ફેલાય જ. સવાલ આવવાનો છે. ભગવાન કોઈને બોલાવવા બેઠા નથી. ભગવાનની ભુવનમોહન મૂરતનાં એક વાર દર્શન કર્યા પછી ફરી વખત આવવાનો સંકલ્પ તો આપોઆપ થવાનો છે. ઈલાહાબાદના દેવાધિદેવનાં આંગણે હજારોની ભીડ થાય તેવું સપનું છે. સાકાર થશે ?
વૈશાખ વદ ત્રીજ : પ્રયાગ દૂરથી જોઈએ તો જ ખ્યાલ આવે. ગંગાનાં પાણી પશ્ચિમ તરફ ધસી જઈને જમનાની મધ્યધારાને ભીસે છે. જમના નદી કિનારાને અડીને પૂર્વ તરફ વહેતી રહી ગંગાનાં પાણીને રીતસર પાછા કાઢે છે. જમનામાં ધસી જતી ગંગા અને ગંગા પર છવાઈ જતી જમનાના બે પ્રવાહ અડોઅડ વહે છે. જમનામાં ગંગા ગઈ તેનો ઉજળો વાન અને ગંગામાં જમના પ્રવેશી તેનો ઘેરો વાન એક સાથે જુદા રહેલા દેખાય છે. ધૂળિયા મેદાનમાં બે રંગની રંગોળી પાથરી હોય તેમ