________________
विहारस्य रम्या कथा
વિહાર કરતાં કરતાં જે નજરે ચઢયું તેને ચાળી-ગાળી ગાંઠે બાંધ્યું. અને રસિક વાચકો સમક્ષ વહેંચી દીધું, આ સાધુજનનાં કાર્યનાં અહીં પાને પાને દર્શન થાય છે.
કાવ્યની ઝલકે છે. તો ઇતિહાસની વહીનાં પાનાની ગડી ઉકેલીને તેનું નવાં વિશદ પરિપેક્ષ્યમાં નરવું દર્શન છે. તો આ ભૂગોળની પરિસીમાને ખૂંદીને તેના ઝીલાયેલા ઉરબોલના પડઘા પણ છે.
સાધુજીવનમાં વિહાર, આનંદ લૂંટવાની મોસમ ગણાય છે. એ દિવસોમાં પ્રકૃતિ સાથેનું તાદામ્ય સાધતું મિલન ક્ષણે ક્ષણે રચાતું હોય છે. તેમાંથી નિતાંત નરવાં આનંદ પીયૂષને ખોબે ખોબે ગટક ગટક પીવાનું થતું હોય છે.
ખુલ્લા મન-મગજ અને આંખ-કાનથી વિહાર થાય ત્યારે પ્રકૃતિ એ મહાન શિક્ષક છે, અને પશુ-પક્ષી, ઝાડ-પાન-ફળ અને ફૂલ અરે ! પથ્થર સુધ્ધાં તેનાં પુસ્તકો છે, પ્રકરણો છે, બસ, તેને ભણ્યા જ કરો ભણ્યા જ કરો. ક્યારેય કંટાળો ન આવે, થાક ન લાગે. પ્રત્યુત સહજ શુદ્ધ ચૈતન્યનો સંચાર થયાં જ કરે થયાં જ કરે. અનેરો લાહો કહેવાય.
આવાં પુસ્તકની આ બીજી આવૃત્તિ થવા જાય છે. તે આનંદદાયક અને રોમાંચક સમાચાર ગણાય. જૈનો આવાં વાચન તરફ વળે તે બહુ જરૂરી છે. તેનાથી માનસિક શુષ્કતાને સ્થાને રસિકતાનું સ્થાપન થશે.
ઘણા મુનિવરો વિહાર કરે છે, પણ થોડા જ સાધુ આવા દૂરના પ્રદેશમાં ખુલ્લી આંખે ખુલ્લાં મને વિહાર કરે છે. એ પ્રદેશમાં ગુજરાત-સૌરાષ્ટ્રના વિહારની સરખામણીમાં અગવડતાતકલીફ કષ્ટ તો પડે જ, પણ અહીં મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજીમ. તથા મુનિવર શ્રી પ્રશમરતિવિજયજીએ જે રીતે વિહાર કર્યા છે તેમાં તે તે પ્રદેશમાં વિચરીને ત્યાંના ઐતિહાસિક ભૂમિના જૂનાં પડળોને વર્તમાનકાળની નજરે જોવાનો સૂઝબૂઝ સાથેનો પ્રયત્ન કર્યો છે અને તેમાંથી જે સાંપડ્યું તેને માત્ર મગજની ગાંઠ ન બાંધતાં છૂટે હાથે જગતના ચોકમાં તેની લહાણી કરી છે.
સામાન્યજન એ કલ્યાણકભૂમિની સ્પર્શના માટે તીર્થયાત્રાની રૂએ પહેલાં કરતાં સંખ્યાની દષ્ટિએ પુષ્કળ સંખ્યામાં જાય છે. પણ ભાગ્યે જ ત્યાંની ભૂમિમાંથી ઊઠતા બોલને સાંભળે છે, હોંકારો દે છે. એ અવાજ ત્યાંથી ઊઠે છે અને ત્યાં જ પડઘા પાડીને શમી જાય છે. જયારે અહીં એ બધા શબ્દો ઝીલાયા છે. સાર્થક થયા છે. અને આપણા સુધી પહોંચ્યા છે.
આમ તો ઘણાં પ્રકરણ મને વાંચવા અને વંચાવવા જેવા લાગ્યાં છે. ભલામણ
કરવાનું મન થયું અને એ દૃષ્ટિએ જોવા માંડ્યો તો એક પણ પ્રકરણ છોડવા જેવું ન લાગ્યું.
વાચનની અસરને સ્થાયી બનાવવાનો એક કીમિયો છે, જયારે વાંચવાનું શરૂ થાય ત્યારે હાથમાં એક લાલ પેન રાખવી, જે વાક્યખંડ ફરી ફરી વાંચવા જોગ લાગે તેના ઉપર નિશાની કરવી. જે શબ્દ ન સમજાય ત્યાં ઝીણું ટપકું કરવું. કાં તો શબ્દકોષમાં કાં તો કોઈ જાણકારને પૂછવું. ઉદા. જેમકે પૃ. ૧૦ ઉપર અર્થાવગ્રહ-ઈહ-અપાય-ધારણા વગેરે શબ્દો છે. તેના અર્થ જાણવા જ પડે. - સાધુજીવનમાં સાવ અજાણ્યા પ્રદેશના વિહારમાં ઘણી અગવડ પડે. એવું કહેવાય છે કે, સાધુને વિહારમાં બાવીસ પરીષહ સહન કરવાના આવે. અહીં એ બધું પણ જાણવા મળે છે. વાચકના વિવિધ રસ પોષાય તેવું સુપાચ્ય રમ્ય લખાણ મળ્યું છે, તો બરાબર માણવું છે. દા.ત. અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શનનું વર્ણન આપણી સામે ચિત્ર સ્વરૂપે ઉપસી આવે છે. પૃ. ૧૪૮ ઉપર શરૂ થતું એ વર્ણન આપણને ખેંચી રાખે છે, એ શબ્દો જીવંત બની આપણને અહીંથી એ પ્રદેશમાં મૂકી દે છે.
પ્રભુનાં પરમ સ્વરૂપના સાક્ષાત્કારના મનભાવન ચિત્રો અહીં પુષ્કળ મળે છે. માત્ર કળા કે ભક્તિની નજરે જ આ સ્થાન નિહાળવામાં નથી આવ્યું પણ ઐતિહાસિક ખ્યાન પણ આપ્યું છે. તેથી વાચક સુપેરે માહિતગાર બને છે. પૃ. ૧૦૩થી જે બનારસનું વર્ણન શરૂ થાય છે તે પણ મનોહર છે. શબ્દભંડોળ એટલો બધો હાથ વગો કે કલમવગો છે કે તેમને વર્ણન કરતી વખતે શબ્દોની ખેંચ નથી વર્તાતી. સડસડાટ કલમ ચાલતી રહે છે. ચિત્રો રચાતા રહે છે. વાચક તેમાં આગળને આગળ વધતો રહે છે.
આમ તો એવું કહેવાય છે, વિહારની કથા જ રમ્ય હોય છે, વિહાર નહીં, પણ અહીં જે આપણે પામીએ છીએ તે વિહાર પણ આવો રમ્ય-૨ મણીય હોઈ શકે છે, તે પામીએ છીએ માટે મને મથાળું જ આવું કરવાનું મન થઈ આવ્યું કે ‘વિહારસ્ય રમ્ય કથા’
૨૦૨ પાનાં સુધી પથરાયેલી વિહાર વાર્તા રોમાંચક છે. દરેક વિહાર કરનાર સાધુસાધ્વીજી પાસે વિહારના નેત્રદીપક અનુભવોનો ભંડાર હશે જ, શું અનુભવ્યું, શું સુખદ, શું દુઃખદ જોયું, જાણ્યું, માડ્યું. જો તેઓ પાસે આવી વર્ણનશક્તિ હોય તો એનો એન સાયકલોપીડિયા જ મળે..
મને તો આ પાનામાંથી પસાર થતાં ખૂબ મઝા આવી છે. તેમના અક્ષરની આંગળી પકડીને ફરાય તેટલું ફર્યો, જોવાય તેટલું જોયું, જણાય જેટલું જાણું અને માર્યું, તેમ બધા પણ આને સારી રીતે મન ધરાય તેટલું વાંચો, જાણો, માણો. શ્રીપુરુષાદાનીય
એજ પાર્શ્વનાથવસતિ,
શ્રીનેમિ-અમૃત-દેવહેમચન્દ્રસૂરિ દેવકીનંદન
શિષ્ય નારણપુરા વિસ્તાર, અમ.-૧૩
પ્રધુમ્નસૂરિ માગસર પૂનમ વિ. સં. ૨૦૬૦