________________
૧૦૫
૧૦૬
શંખેશ્વરમાં થાય છે તેવી ભીડ અહીં કદી થતી નથી. જ્યાં પ્રભુનો જનમ નથી થયો ત્યાં જન્મ કલ્યાણકના અટ્ટમ કરવા હજારો લોકો પહોંચી જાય છે, અહીં જન્મકલ્યાણક ભૂમિ પર સો-દોઢસો અમ માંડ થાય છે. શંખેશ્વરદાદાની દર પૂનમે યાત્રી કરનારા, મોટી આંગી લખાવનારા ને ઉછામણી લેનારા અહીં પાર્થપ્રભુની જનમભૂમિ પર વરસે એકવાર પણ નથી દેખાતા. ભારતમાં અસંખ્ય ભક્તો છે પાર્શ્વપ્રભુના, તે સૌ શંખેશ્વર જવા માત્રથી કૃત્કૃત્યતા અનુભવી લે છે. પાર્શ્વપ્રભુની, કલ્યાણકભૂમિ પર આવવાની એમને ફુરસદ નથી. શંખેશ્વર દાદાની ઉપાસના કરે તેનો વિરોધ નથી. માનસિકતાનો સવાલ છે. પ્રભુએ જે ભૂમિ પર જીવન વીતાવ્યું તે ભૂમિની પવિત્રતાનો સ્પર્શ પામવાની કોઈને પડી નથી. પ્રભુએ જયાં સર્પન બોધ આપ્યો ત્યાં આ રીતે અંતરનાં ઝેર ઉલેચવાનું યાદ જ નથી આવતું. શ્રી શુભવીરજીની સર્વાધિક પ્રસિદ્ધ શ્રી પાર્શ્વ પંચકલ્યાણક પૂજાના અક્ષરે અક્ષર જયાં સાકાર થયા તે તીરથ માં આવીને નાની એવી સ્નાત્રપૂજા ભણાવવાનુંય સૂઝતું નથી. અહીંની હવા પાર્થપ્રભુના શ્વાસથી સુરભિત બનતી. પ્રભુની આસપાસ અદેશ્ય રૂપે દેવો રહેતા. પ્રભુનો શબ્દ કોઈ ઉવેખી ના શકતું. પ્રભુનું આદેય નામકર્મ માણસ માત્રને પ્રભાવિત કરતું. અહીં બેસીને એ અતીતને સંભારવામાંય અનંત સુકૃતની કમાણી થાય. આવવું છે કોને ? શંખેશ્વરજી જનારા યાત્રિકો અને અહીં આવનારા યાત્રિકોની સંખ્યાનો ફરક ખાસ્સો એવો છે. હવે ભક્તોનેય ભગવાન દૂર લાગે છે. ભગવાન નજીક હોય તો જઈએ, એવું ભક્ત પણ વિચારી શકે છે. કયા ભગવાનનો ચમત્કાર મોટો છે તેવી તારવણી ભક્તો કરતા થઈ ગયા. શું કાળ આવ્યો છે ?
મુસ્લિમોનાં આક્રમણ વખતે આખું કાશી ભાંગી ગયું હતું. આજે કાશીવિશ્વનાથનાં મંદિરે શિખર અને ગુંબજ સાચા સોનાથી પૂરેપૂરા મઢેલા છે. વિવિધ તીર્થકલ્પમાં જ તો લખ્યું છે કે ‘એ મંદિરમાં જિન પ્રભુની ચોવીશીનો પાષાણનિર્મિત પટ આજેય પૂજાય છે.’ એ પટ આજે ત્યાં છે કે નહીં તે ખબર નથી. ખબર એટલી છે કે પાર્શ્વપ્રભુની જનમભૂમિ પર પાર્શ્વપ્રભુના ભક્તો સૌથી ઓછા આવે છે. પાર્શ્વપ્રભુના નવાં નવાં તીર્થો બનતાં જાય છે. સારી વાત છે. પાર્શ્વપ્રભુનાં મૂળભૂત તીર્થસ્થાને આવનારા કેટલા ? આ સવાલ ડંખતો જ રહે છે.
પ્રભુની છાયામાં આવ્યા પછી આનંદ અને અહોભાવની સંવેદના થવી જોઈતી હતી. તેને બદલે આક્રોશ જલી ઊઠ્યો છે. ઉનાળો શરૂ થઈ ગયો છે તેથી પિત્ત થઈ આવ્યું હશે. સાંજ સુધી ઘૂંધવાટ રહ્યો. સૂરજ ઝાંખો પડ્યો ત્યારે નજદીકમાં ક્યાંકથી કોયલ બોલી. અનાયાસ શ્રીઉદયરત્નજી મહારાજાના શબ્દો યાદ આવ્યા : કોયલ ટહુકી રહી મધુ બનમેં. બધો ઉભરો શમી ગયો. પાર્થપ્રભુની જનમભૂમિ પર દેવતાઓ જ ઘણા આવતા હોય પછી માનવો ઓછા આવે તેથી શું ફરક પડે છે? અને માનવો વધુ આવે તોય એમનું ગજું કેટલું ?
ચૈત્ર સુદ દશમ : બનારસ મણિકર્ણિકા ઘાટનું એ દેશ્ય હતું. જિંદગીમાં પહેલીવાર એવી આગ જોઈ હતી. લાકડાં વ્યવસ્થિત ગોઠવ્યાં હતાં. એની પર એક શરીર સૂતું હતું. એ ઉઠવાનું નહોતું. આગ એને લપેટમાં લઈ રહી હતી. ઘૂંટણ નીચેનો પગ લાલ ઓઢણીથી ઢંકાયેલો હતો. એ પગ આગની રાહ જોતો હતો. ઉપરના શરીરની આગનો ધુમાડો પગ ઉપરથી ધીમે ધીમે સરકતો હોય તેમ ઉડતો હતો. મહાયોગીના તટસ્થ ભાવ સાથે પગ સ્થિર હતો. આવી રહેલી અગનની એને તમા નહોતી. એને રાખ થઈને ઉડી ભાગવાની ઉતાવળ હતી. પહેલાં લાલ કાપડ બળવાનું હતું. પછી ચામડીનો વારો હતો. ત્યારબાદ માંસ ને લોહીને ઝાળ લાગવાની હતી. આખરે હાડકાં બચવાનાં હતાં. લાકડાં ખતમ થઈ જવાનાં હતાં. રાખમાંથી હાડકાનો ઉદ્ધાર થવાનો હતો. રાખે ઉડી જવાની હતી. ન ઉડે તો પરાણે ઉડાવી દેવાશે તે નક્કી હતું રાખ માટે. એ નહીં બને તો તેની ઉપર જ નવા લાકડાં ગોઠવાશે. એની પર નવું શરીર, નવું કે જૂનું ? જૂનું કે નકામું ? સવાલો ફંટાઈ રહ્યા હતા. આ શરીર આજે નવું નથી રહ્યું. એક દિવસ એ પૂરેપૂરું જૂનું થઈ જશે, નકામું બની જશે. એનેય પછી આવાં લાકડાનાં આસન પર સૂવા મળશે. આખું શરીર આગની રાહ જોશે એ સમયે. આગ ચંપાશે પછી પગ કે હાથ આગની રાહ જોશે. એવો વખત પણ આવશે જયારે ભીડાયેલી આંખો આગમાં ડૂબી ગઈ હશે. શોખથી કેળવાયેલું શરીર આગને પ્રસાદની જેમ માથે ચડાવશે. લાકડાની ભસ્મ બચશે તેમાં શરીરના અવશેષો ખોવાઈ ગયા હશે. એ પહેલા શરીરની ભીનાશ, સ્નિગ્ધતા વરાળ થઈને હવામાં ભળી ચૂક્યા હશે. છેલ્લી ઘડીઓમાં શરીર ઢગલાબંધ લાકડાને બાળી જશે. એનો સ્વભાવ તો