________________
૮૧
સંબંધ હોવો જોઈએ. પાણીની વાવ બંધાવનારા શ્રેષ્ઠીએ એ જ વાવમાં દેડકા તરીકે જન્મ લીધો. પ્રભુવીરના કોઈ દર્શનાર્થીની વાત સાંભળી બોધ પામ્યો. પ્રભુનાં દર્શને નીકળ્યો. ઘોડાના પગતળે ચંપાયો. એ વિશિષ્ટ કથા અહીં યાદ નથી કરાતી. મણિયાર મઠ નામ છે એટલું જ.
અહીં આગળ એક મેદાનમાં રાજા શ્રેણિકનો કારાવાસ હતો તેવું કહેવાય છે. રાજા શ્રેણિકનું મૃત્યુ થયું ત્યારપછી રાજગૃહીની દશા બેઠી.
મહાસુદ તેરસ ઃ રાજિંગર
ચોથો પહાડ બંધ છે. ત્રીસ વરસથી કોઈ યાત્રાળુ ત્યાં જતું નથી. લૂંટારાનો ભય છે. ત્યાંના પ્રતિમાજી પણ નીચે લાવી દીધા છે. ઉપર પગલાં છે.
અમે તેનાં દર્શને નીકળ્યા. અમારી સાથે પેઢીના સાત-આઠ માણસો સલામતી માટે આવ્યા હતા. સુવર્ણગિરિનું આરોહણ સૌથી વધુ સૌન્દર્યમય છે. અહીંથી વૈભારગિરનો તુમુલ ફેલાવો દેખાય છે. નીચે વિસ્તરેલાં વેણુવનમાં ઘાસનાં પૂર ઉમટ્યાં હતાં. દૂર નીલગાયો ચરતી હતી. આંખોમાં સમાઈ ન શકે તેવું વિરાટ દર્શન થતું હતું. સોનંગર અને વૈભારિગિરની વચ્ચે આઘે સુધી જંગલ ચાલ્યું જતું હતું. આગળ આસમાન ઝૂકી પડ્યું હતું. જંગલ અને આસમાનનો ચિરસ્થાયી મેળાપ જોઈને બંને પહાડ સ્તબ્ધ બન્યા હતા. સૂરજનો તડકો સોનેરી છંટકાવ કરતો હતો. શિખરના સાક્ષીભાવ જેવા અકળ સૂરો ઊઠતા હતા. ઊડતા પંખીઓનો કલરવ મંત્રગાન સમો લાગતો હતો. નિરવ શાંતિનો અનંત અનુભવ થતો હતો.
હવામાં છેલ્લી ઠંડીનો સ્પર્શ હતો. ચઢાણ થોડુંક જ હતું. ઉપર પહોંચ્યા પછી સિક્યુરીટી ગાર્ડને પૂછ્યું : ચોર કહાં સે આતે હૈં. એણે પાછળની દિશા બતાવી. પહાડ પરનું જંગલ પાંખું હતું. એમ છતાં જોખમી પણ હતું. દર્શન કર્યાં. માત્ર પગલાં હતાં. બીજા બે મંદિર હતા દિગંબરોનાં. આપણા શ્વેતાંબર મંદિરનો પૂજારી જ તેની પૂજા કરે છે. અવરજવર ઓછી હોવાને લીધે અહીં પરમ આહ્લાદનો અનુભવ થાય છે. આપણે ભીડના માણસો છીએ. ભીડ ન હોય તો મૂંઝાઈ જઈએ. ભીડ વિના રહેવાતું જ નથી. અહીં કોઈ ભીડ નહોતી. ભીડનું માનસિક વાતાવરણ નિરાંત વિનાનું હોય છે. ઉતાવળ અને પડાપડી.
૮૨
અહીં આરામ હતો. કોઈ બાધા નહોતી. આગળ નીકળવાની ઉત્તેજના નહોતી. પાછળ રહી જવાની ચિંતા નહોતી. પ્રભુને મળવાનું હતું. ભેટવાનું હતું. એકલા બેસીને વાતો કરવાની હતી. અજ્ઞાત સંદેશા ઝીલવા હતા.
પાંચમા પહાડની યાત્રા સૌથી વધુ યાદગાર. સાધનાની સર્વશ્રેષ્ઠ ભૂમિ.
મહા સુદ ચૌદશ : નાલંદા રાજગૃહીની ધર્મશાળામાં ભવ્ય જિનાલય છે. મૂળનાયક ભગવાનની મૂર્તિ બે છે. એક મોટા પ્રતિમાજી છે, નવા છે. તેની આગળ નાના પ્રતિમાજી છે. પ્રાચીન છે. બંનેય શ્રીમુનિસુવ્રત દાદા છે. બહાર રંગમંડપમાં પ્રતિમાજીઓ છે. તેમાં જમણા હાથે ગોખલામાં શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ અનોખી છટા ધરાવે છે. શ્યામ વાન, નાજુક બાંધો. ઉન્નત જટા. વિલક્ષણ સ્મિત. આવી જ પ્રતિમાઓ નાલંદામાં છે તેમ પૂજારીએ કહ્યું ત્યારથી નાલંદા પહોંચવાની ઉત્સુકતા બંધાઈ હતી. આજે નાલંદા તરફ નીકળ્યા. ભગવાનનો રોનકદાર બગીચો, પંચપહાડીની નિસર્ગ છાયા, કલ્યાણકની પાવન ધરા પાછળ રહી ગયાં. સાથોસાથ રાજા શ્રેણિકની દિગન્તગામી કીર્તિ, એનો અઘોર કારાવાસ, રાણી ચેલણાનો લાંબો કેશકલાપ નીચોવીને સુરા પીવાના દિવસો, કુણિકના હાથે વાગતા ચાબૂકના ઘા, લોખંડનો દંડ લઈને આવતા દીકરાને જોઈ રાજાએ કરેલી આત્મહત્યા, કુણિકનો ભયાનક વિલાપ, આ બધું ઝીલનારું આભામંડળ પણ પાછળ રહ્યું. મંત્રીશ્વર અભયકુમારની—અભવ્યતૂરમાનાં 1 મા સહ્યામના— (મારી સાથે મૈત્રી ઇચ્છે તે અભવ્ય કે દૂરભવ્ય ન હોય) એ ખુમારી અને દરેક પ્રસંગે રંગ જમાવતી પ્રતિભા, પ્રભુવીરની સમવસરણપર્ષદાઓ, ગુરુગૌતમની નવપદદેશના, સેચનક હાથીનાં તોફાન, મહારાણીનો એકદંડિયો મહેલ અને અપરંપાર ઘટનાઓ જોનારું ભૂમંડલ પણ છૂટી ગયું.
મહા સુદ પૂનમ : નાલંદા
શ્રી કુંડલપુર તીર્થ. ગુરુ ગૌતમની જન્મભૂમિ. બોધ માટેની ભૂમિકા ઘડનારો અહંકાર પલ્લવિત થયો, આ ભૂમિ પર. અહીંથી યજ્ઞ કરવા પાંચસો શિષ્ય લઈને નીકળ્યા હતા. મહસેન વનમાં દેવવિમાન જોયા, પોતાની યજ્ઞવિધિનો ચમત્કાર સમજી રાજી થયા. પણ દેવવિમાન આગળ ચાલી ગયા