________________
૭૫
૭૬
તેમાંથી જવાબ ઊઠતો હતો : એ બધું નથી તેનું કારણ એ છે કે ગણધરો, ભગવાન સમક્ષ પોતાના વિશે, અમે કશું જ નથી, એવું માનતા હતા. અમારી દેશના, મૂર્તિ કે કથાને બદલે ભગવાનની દેશના, મૂર્તિ અને કથા જ વધુ આદરણીય છે. ભગવાન પધાર્યા તો અમારા જીવનમાં સંજીવન ઉમેરાયું. નહીં તો અમે અચેતન જીવનમાં પટકાયા હોત, આવી એ ભગવંતોની નમ્રતા હતી. એમાંથી દ્વાદશાંગી નીપજી. એમાંથી કૈવલ્ય સાંપડ્યું. એમાંથી નિર્વાણ દશા મળી.
નમ્રતાનો મંત્ર કેટલો કષ્ટસાધ્ય છે તેવો પ્રશ્ન જ એમને ના થયો. વાત જયારે આત્મનિરીક્ષણ પર આવી, ત્યારે નીચે ઉતરવામાં સમય થઈ ગયો હતો. નહીં તો જવાબ આપવો ભારે પડી જાત.
મહા સુદ નોમ : રાજગિર વૈભારગિરિનો પહાડ સાત માળની હવેલી કરતા ઊંચો છે. રેશમી પડદામાંથી ચળાઈને આવતી મુલાયમ હવા અહીં નથી. ફૂલની પાંખડીઓ પાથરેલી સેજ અહીં નથી. અહીં આકાશની છત છે, અડાબીડ જંગલની ઘનઘોર છાયા અને ખુલ્લી હવાનું સ્વયંભૂ સર્જન છે. મુખ્ય રસ્તેથી અંદર વળીએ પછી તો તમરાં બોલે તોય પડઘો ઊઠે તેવું એકાંત છે. થોડું ચાલ્યા પછી પગથી બંધ થઈ જાય. ભૂખરી શિલાઓનું ઝૂંડ એકાએક વચ્ચે આવે. હતાશ માતાનાં પગલાં હમણાં જ ભૂંસાયા હોય તેવો સન્નાટો સંભળાય. આસમાનને તાકતી હોય તેવી વિસ્તીર્ણ શિલાઓની આસપાસ નાનીમોટી ભેખડો જેવા પથ્થર સજ્જડ રીતે બાઝેલા છે. એના ખાંચામાંથી ડોકાતા ઝાંખરિયા સૂક્કાભઠ છે. દૂર ક્યાંક નીલ ગાય ચરતી દેખાય. ખીણના ઢોળાવ પર પ્રચંડ શિલા છે. તેની પર મંદિર ઊભું છે. અંદર એક પાષાણમાં કોતરેલી બે ધ્યાનસ્થ શ્રમણ ભગવંતોની મૂર્તિ છે. તેની ઉપર નામ લખ્યાં છે : શ્રી ધન્નાશાલિભદ્ર, આ મંદિર બનવાની કલ્પના નહોતી તે વખતે આ મહાત્માઓએ બળતા અંગારાના ઢગલા જેવી ધગધગતી પથ્થરશય્યા પર સોડ તાણી હતી. અડધી રાતે વીંઝાતા વાયરાના મદમસ્ત સથવારે આડાપડખે સૂવા માટે નહીં, બલ્ક અનશનસાધના કરવા માટે.
મા આવી હતી. દીકરાની માફી માંગવા અને એની સાથે બે-ચાર વાતો કરવા. એને જવાબ મળ્યો નહોતો. એનાં આંસુથી પથ્થરોની છાતી પર સુદ્ધાં
ઓઘરાળા પડ્યા હતા. રાજા શ્રેણિકનું આશ્વાસન કામ લાગ્યું નહોતું. પાછા વળવાની ક્ષણ ભારેખમ હતી. બોલવાના તો શું, રડવાના હોંશ નહોતા. થોડું ચાલીને, મા-એ પાછળ જોયું હતું. કદાચ, બંને હાથ કાન પર ઢાંકીને વેદનાર્ત ચીસ પાડી હતી. હૈયાફાટ રોઈ હતી મા. એ મહામાતાનો મોભો જાળવવા સચરાચર સૃષ્ટિ પળભર માટે થંભી ગઈ હતી.
વૈભારગિરિના એક છેવાડે રહેલા શ્રી ધન્નાશાલિભદ્રજીનાં મંદિરમાં દર્શન કર્યા. ત્યારેય સ્તબ્ધતાનું રાજ હતું. તીર્થયાત્રા તો આત્મા માટે છે. તેમાં ફરિયાદો ન હોય છતાં થોડી ફરિયાદ મનમાં ઊઠી. એક, શ્રી ધન્નાશાલિભદ્રજીની મૂર્તિની મુખમુદ્રા ઘસાઈને અલોપ જેવી થઈ ગઈ છે. બે, અનશનસાધનાનો શિલાખંડ મંદિર તળે દબાઈ ગયો છે. શિખરજીમાં શ્રી પાર્શ્વપ્રભુની અનશન સાધનાનો પર્વતભાગ જેમ સચવાયો છે તેમ આને સાચવવો જોઈતો હતો. ત્રીજી ફરિયાદ જુદી ભૂમિકામાં છે. અહીં મા સુભદ્રાની મૂર્તિ કેમ નથી ?
પાછા ફરતી વખતે મહાપચ્ચખાણ પન્નાના શબ્દો યાદ આવતા હતા : ‘‘ધીરપુરિસન્નત સપુનિવયે પરમેયોર | ધન્ના સિનીયનTયા સાહિતિ અપ્પળો મટું || સૂત્ર દ્રા'' જેનો ઉપદેશ ધીરપુરુષોએ આપ્યો છે, સત્પરષોએ જેને આત્મસાત કર્યો છે અને જે અતિશય કષ્ટસાધ્ય છે તે આત્માનો પરમ અર્થ, ધન્યભાગી આત્માઓ શિલાતલ પર બિરાજીને સાધે છે.
મહા સુદ દશમ : રાજગિર વૈભારગિરિ પર સપ્તપર્ણી ગુફા છે. રોહિણિયો ચોર એનો રાજા હતો. અતલ અંધારાની પછેડી ઓઢીને એની ભીંતો રહસ્યો સાચવી રહી છે. દીક્ષા લેવાનું એ ચોરે નક્કી કર્યું હતું. તે પૂર્વે પ્રભુવીરની સલાહ (હા, સલાહ) લઈને પછી જ આ ચોરસમ્રાટે પોતાનો ગુપ્ત ખજાનો મંત્રીશ્વર અભયકુમારને બતાવ્યો હતો. સપ્તપર્ણી ગુફામાં જ એ ખજાનો હતો. આજે એ ગુફામાં શું છે તેની કશી માહિતી નથી મળતી. સોએક વરસ પહેલાં આ ગુફામાં સિંહ રહેતો હતો. આજે અંદર જવાતું નથી. આગળ જઈએ તો ટોર્ચ-લાઈટ આપમેળે ઓલવાઈ જાય છે. શ્વાસ લેવા જેટલી શુદ્ધ હવા નથી. ઊભા ઢાળમાં પહાડને કોતરીને ગુફા બની છે. એક ગુફામાં ચાલીને સીધા જ જવાય. રેલવેના બોગદાની જેમ એ અંદર