________________
૩૯
સારા હોય તેને ટકી રહેવાનો સંઘર્ષ કરવો પડે. બૂરા લોકોને સંઘર્ષ વેઠવાના નથી હોતા, મજા હોય છે. ભગાવનનાં નામે એ સમાજને નીચોવતા. ધર્મનાં નામે પૈસા ભેગા કરતા. પૈસા છોડવામાં ધર્મ છે તેમ કહેવાને બદલે પૈસા આપવામાં ધર્મ છે તેમ કહેવામાં નકરો સ્વાર્થ ગંધાતો. પૈસા છોડવાનું કહે તો પોતાની પાસે ભેગી થયેલી ફાટફાટ સંપત્તિનો જવાબ આપવો પડે. પૈસા આપવાનું કહે તો ચિત્ર બદલાય. આપવાનું તો જ બને જો લેનાર હોય. આપવામાં લાભ છે તેવા સૂરોમાં પછી, રાખવામાં ગેરલાભ છે તે ભૂલી જવાય. તમતમારે આપતા જાઓ, તમે આપો છો તે ધર્મ છે, અમને પાત્ર માનો છો તે મહાધર્મ છે, પાત્રને શક્તિ ગોપવ્યા વિના દેવાથી ખૂબ ખૂબ લાભ થાય છે. જનમારો સાર્થક થાય છે, એમની દિવ્ય દેશનાઓ ચાલતી રહેતી. ત્યાગધર્મ અને વિરતિધર્મ ભૂંસાતો ગયો.
એકવાર ખોટો ચીલો પડે છે પછી તેના પડઘા યુગયુગાંતર સુધી સંભળાયા કરે છે. શ્રી શાંતિનાથ પ્રભુનું તીર્થ સ્થપાયું ત્યાર સુધી દરેક તીર્થંકરોના સમયની વચ્ચે આ દાનધર્મીઓ માથું ઊંચકતા. બ્રાહ્મણો જ મુખ્ય રહેતા. ભગવાનનાં નામે ભરપૂર અર્થવાદ પોષાતો. મિથ્યાધર્મને ગતિ મળતી. આ નોંધ ત્રિષષ્ટિમાં છે.
શ્રીકાકંદ તીર્થની યાત્રાએ આવ્યા. પાછા નીકળ્યા. દિવસોના દિવસો સુધી મનમાં ઘૂમરાશે અહીંની યાદ. તીર્થથી દૂર રહ્યા તેની વેદના ખૂંચશે. મંદિરજી પર વીજળી પડી તેના ડામ હૈયેથી નહીં રૂઝાય. તો દરેક તીર્થો સાથે બંધાતો ઝૂરાપો : ફરી ક્યારે આવીશું ?
શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ
પોષ સુદ પાંચમ : લછવાડ
પહાડીના ખોળે રેતાળ નદી છે. તેના બેય કિનારે કલ્યાણક મંદિર. આ કિનારે ચ્યવન કલ્યાણકનું મંદિર છે. પ્રભુનું અંતિમ અવતરણ થયું, તેનું સ્મારક. મા દેવાનંદાનું સાદું અને પવિત્ર ઘર જ્યાં હતું ત્યાં આજે પ્રભુનાં પગલાં છે. પ્રભુ તો મા ત્રિશલાનાં ઘેર સીધાવી ગયા, પણ મા દેવાનંદાની સૂમસામ આંખોથી ધોવાયેલું ધરાતલ અકબંધ રહ્યું. પ્રભુને લીધે ચૌદ સપનાં આવ્યાં હતાં ને પ્રભુનાં જવા સાથે જ સપનાનું અપહરણ થયું. તેનાય સંકેત મળ્યા'તા, સપનામાં જ. પ્રભુની પધરામણી થઈ તેનું પ્રથમ શક્રસ્તવ ઇન્દ્રમહારાજાએ આ ભૂમિની સમક્ષ ઝૂકીને ઉચ્ચાર્યું હતું. તો અનંત કાળ પછીનાં આશ્ચર્યની ઘટના એક પછી એક એમ બે ઘટી. આ ભૂમિ પર તીર્થંકરનો જીવ બ્રાહ્મણનાં અધમ કુળમાં અવતાર
પામ્યો. જે ગર્ભમાં તીર્થંકર પધાર્યા. તે ગર્ભસ્થળેથી જનમ લેવાને બદલે બીજાં
ગર્ભસ્થળમાં પ્રભુ પધાર્યા અને પછીથી ત્યાં જ જનમ થયો. આ નાનકડું મંદિર બે આશ્ચર્યનું સ્થાન છે. એક માત્ર પ્રવેશદ્વાર. અંદાજે દસથી બાર હાથની લંબાઈ, પહોળાઈ. ઊંચાઈ થોડી વધુ હશે. શિખર કે સામરણ કરતા જુદા જ આકારનો ઘુમ્મટ. પૂજારીનો સમાન, પૂજાની સામગ્રી અને થાળીવાટકી, ખૂણાઓ રોકીને ફેલાયું હતું બધું. પ્રભુવીરનાં પ્રથમ કલ્યાણકની ભૂમિને ભવ્યતા નથી મળી. મંદિર સાવ નાનું લાગે છે. અહીંથી નદી પારનું દીક્ષાકલ્યાણકમંદિર દેખાય છે તેય અદલ આવું જ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર અને દક્ષિણભારત જેવા પ્રદેશોમાં કલ્યાણકો નથી થયા ત્યાં ગગનચુંબી જિનાલયો છે. આ કલ્યાણક ક્ષેત્રમાં આવું જિનગૃહ ? અરે, કેટલાય ઘરદેરાસરો આનાથી સુંદર હોય છે.