________________
૩૧
કર્યા. જીયાગંજ ભૂલી જવાય છે, અજીમગંજમાં.
અનન્ય સ્થાપત્યવાળાં જીનાલયો. ભવ્યતા અને પરિવેશયોજનાનો કોઈ જવાબ નહીં. મૂળગભારાની ખાસિયત દરેક જિનાલયમાં છે. ગંગાનાં પાણી પ્રવાહમાંય ઊંચા ઉછળી, નીચે બેસે છે તેમ અજીમગંજની ચૈત્યપરિપાટીમાં ભાવસંમિશ્રણ થતું રહ્યું. શ્રી ચિંતામણિનાં દેરાસરમાં નવગ્રહનાં નવરત્નોની મૂર્તિઓ હતી. એનો ગભારો જ અલગ હતો. એક રાતે એ બધી મૂર્તિઓ ચોરાઈ ગઈ. ન ઉખડી તે કાપી, તોડીને ચોરો ખેંચી ગયા. આજે છૂટીછવાઈ સ્ફટિક મૂર્તિ જોવા મળે છે. આ દેરાસરની વિશાળ જગ્યા, ચોરસ સ્તંભોનાં મધ્યાંતરનાં ભીંતતોરણો, આરસની સુંવાળી ફરસ બધો જ થાક ઉતારી દે. દર્શન કરતાં કરતાં છેક શ્રી સંભવનાથ પ્રભુનાં જિનાલયે પહોંચ્યાં. પ્રભુની દશ હાથ જેવડી પ્રચંડ પ્રતિમા આહ્લાદની અનુભૂતિમાં ડૂબાડતી રહી.
બપોરે ને રાતે વ્યાખ્યાનમાં વધુ રોકાવાની વિનંતી. ના સાંભળીને દુ:ખનો અહેસાસ અને વિહારની અનુકૂળતાની અગ્રિમતા. અહીંના શ્રાવકજનોની આ પહેચાન છે. અહીં મહાજન પટ્ટી તરીકે ઓળખાતો વિસ્તાર એક જમાનામાં રાષ્ટ્રપતિભવનના મહામાર્ગ જેવો વટદાર હતો. અહીં જૈન ધનકુબેરોની કોઠીઓ હતી. બાબુઓ તરીકે એ મોભો પામતા. એક બાબુ જ્યારે અજીમગંજ આવતા ત્યારે એમને એકવીસ તોપની સલામી મળતી. બીજા એક
બાબુએ અહીંનું સૌથી મોટું જિનાલય બંધાવ્યું હતું. તે અહીં આવતી જૈનોની ટ્રેઈનોને પોતાના ઘેર જમાડતા. બસનો તો કોઈ હિસાબ ન રહેતો. વિશાળકાય થાંભલા, બ્રિટીશ બાંધણી અને પાર વિનાના ઓરડાઓ તે અહીંની કોઠીની વિશેષતા. આ મહાજનપટ્ટીની કોરે વહેતી ગંગામાં કોઈ માછલી પકડી ન શકતું. આ રસ્તેથી મામૂલી માણસોને જવા ન મળતું. શ્રીમંતો જલસાથી આવતા, એશથી ઘોડાગાડીમાં ફરતા, પાલખીઓમાં બેસતા અને જાગીરદાર તરીકે આખાં ગામને પોતાના હાથ નીચે રાખતા. જમીનદારીના યુગમાં એમનું ખૂબ વર્ચસ્વ રહ્યું.
પલાશીનાં ઐતિહાસિક યુદ્ધમાં મીરજાફરને પૈસાથી ખરીદનાર સર લોઈડે પોતાની ડાયરીમાં લખેલું કે ‘અજીમગંજ જેવો શ્રીમંત વિસ્તાર એશિયા
૩૨.
ખંડમાં બીજા કોઈ નથી.’ બાબુઓ અંગ્રેજોને મોંમાંગી સખાવતો આપતા. પૈસો પાણીની જેમ નહીં પણ માટીની જેમ વપરાતો. એમની ડાયરીનાં દરેક પાને બેહિસાબ શબ્દ લખાયેલો રહેતો હશે. અપરિસીમ ઐશ્વર્યના હકદાર હતા એ સૌ. એમણે જિનાલયો બાંધ્યાં. વિશાળ ઉદ્યાનો સર્યા. મહામોટા તળાવો તૈયાર
કરાવ્યાં. પોતાનું ધાર્યું પાર પાડવા તે બધું જ કરી શકતા. શ્રી સંભવનાથદાદાનું દેરાસર બંધાતું હતું ત્યારે ભગવાનની પ્રચંડકાય મૂર્તિ લાવવા એમણે એકલે હાથે ખર્ચો કરી રેલવેના પાટા નંખાવ્યા હતા. ગામોગામ પૈસા નીકની જેમ વહેતા.
તેમનાં મોઢે ના સાંભળનારું ત્યારે કોઈ ન નીકળતું. એમને માન ખૂબ મળતું.
ખાનદાની એમની ભાષામાં મહોરતી. શબ્દો અને સ્વરભારની મીઠાશ એમની પાસે અજબની. ચહેરા પર ભાવ ઉપસાવીને જ વાત કરે. સરળતા અને નમ્રતા એમની વાતચીતમાં ફૂલની જેમ ફોરે. દરેક બાબુ એક અનોખું વિશ્વ બનાવતો. એની સૃષ્ટિમાં સમાવેશ પામનારા નોકરનોય ઉદ્ધાર થઈ જતો.
જમીનદારી નાબૂદ થઈ, ત્યારપછી આ બાબુલોકો જનસમાજથી વિખૂટા પડવા માંડ્યા. કોઠીઓ સૂની પડી. અવરજવર ઘટી. કારભાર બંધ થયા. વ્યવસ્થાનો પથારો સંકેલાયો. આવકના સ્રોત પર ઘા પડ્યા. ઓળખાણો નકામી
બની. પછી બન્યું એવું કે માન રહ્યું પણ મોભો ન રહ્યો. બાબુ લોકો આ પડતી
ના જોઈ શક્યા. ધીમેધીમે તેઓ અજીમગંજ છોડવા માંડ્યા. કોઠીઓ ખાલી થઈ અને જિનાલયને સંભાળવા મધ્યવર્ગી લોકો બાકી રહ્યા. આજે કોઠીઓ બધી ભૂતિયાઘર જેવી દેખાય છે. છાપરા પર છેડે સૂકાયેલા ઘાસ, બેરંગ ભીંતો, તૂટેલી બારીઓ અને જૂનાપુરાણા દરવાજા પર થીંગડા જેવા નવા નકુચા સાથે તાળાં. આપણી મોટી ધર્મશાળામાં અજૈન સમાજના લોકોની દુકાનો થઈ ગઈ છે. આખું બજાર ચાલે છે એ ધર્મશાળા ઉપર.
અજીમગંજનું આહ્લાદક વાતાવરણ પ્રેરણામય છે. અહીં રહેનાર થાકી ન શકે. અહીં ધર્મશાળામાં સાધુસાધ્વીભગવંતોની નોંધપોથી રાખવામાં આવી છે. તેમાં લખ્યું : અજીમગંજ આના મુશ્કિલ હૈ ઔર અજીમગંજસે જાના તો જ્યાદા મુશ્કિલ હૈ.
***