________________
૧૯૭
રાજિગિર વૈભવભરી નગરી હતી એમાં તો કોઈ શંકા નથી. ઇતિહાસ ગ્રંથોમાં ઠેર ઠેર એનાં વર્ણન મળે છે. વિ. સં. ૧૯૯૩માં શ્રી ગોકળચંદ અમરસી નામના સદ્ગૃહસ્થે પોતાની તીર્થયાત્રાની ડાયરી લખી હતી. સાધુ તો ચલતા ભલા દ્વારા પ્રભાવિત થયેલા એમના ધર્મનિષ્ઠ વારસદારે એ ડાયરી મને વાંચવા આપી. રાજિગિરના મહાન સામ્રાજ્ય અંગે સરકારનો અભિગમ એ જમાનામાં કેવો હતો ? ડાયરીમાં લખ્યું છે : “સરકારને શંકા થઈ. સાચી વાત ક્યાંથી સમજાય ? વરસો પહેલાં ખોદકામ કરેલું. વાતમાં વિશ્વાસ બેઠો. શ્રેણિક રાજાના ગઢના, કિલ્લાના તથા દુર્ગના પાયા પાતાળમાં નીકળ્યા. શાલિભદ્રનું શયનસ્થાન, ભોજનસ્થાન, ઊંચા પથ્થરની અનેક સીડીઓ આડીઅવળી નીકળી. ધન્નાનો મહેલ, નહાવાનો હોજ, શાલિભદ્રની સ્ત્રીઓ વાસી અલંકાર ફેંકી દેતી તે કૂવો, બાવન હાથ ખોદાવીને થોડી માટી ભરાવી. પછી તો સરકારે ફરતા લોહાના કાંટાવાળા તાર ગોઠવીને છાપું ચોડી દીધું કે—જૂના દેખાવો જોવાની છૂટ છે પણ કાંઈ આઘુંપાછું કરશો તો સજા થશે.’ એ વખતે તો અંગ્રેજોનું રાજ હતું. આજે ભારત સરકારનું રાજ છે, ચોડી દીધેલું છાપું જ આઘુંપાછું થઈ ગયું છે. આજે શિસ્તબદ્ધ રીતે દરેક સ્થાનો સાચવવામાં આવે છે. માહિતીના બોર્ડ મૂકવામાં આવ્યા છે. સરકારી સાચવણી સારી ભલે લાગતી હોય. તીર્થનો મોભો તો એ
ચૂકે જ છે.
રાજગિરિ પર વિક્રમની નવમી શતાબ્દીમાં કનોજના આમરાજાએ ચડાઈ કરી હતી. બારવરસના ઘેરા પછી પણ રાજિગિરે ન હાર્યું. આમરાજાના પૌત્ર ભોજરાજે પછી રાજિગિરિને હરાવ્યું. એને એવો ગુસ્સો ચડેલો કે આખા રાજગિરિને બાળીને ભસ્મસાત્ કરી નાંખ્યું. એમ તો રાજા ખારવેલે પણ રાજગૃહી જીતી લીધું હતું. રાજગૃહીની તાકાત તો ચારની તૂટી ચૂકી છે. આજે તીર્થ અને પર્યટનસ્થળ તરીકે રાજિગિરનું નામ છે.
પછી અયોધ્યા વિશે વાંચ્યું. મનનો એક સંશય સ્પષ્ટ થઈ ગયો. સંશય થાય ત્યારે આપણને મનમાં એમ થતું હોય છે કે સંશય ખરેખર સાચો તો હશે ને ? સંશય સાચો હોવાની ખાતરી થઈ જાય પછી તો ઉકેલ આરામથી મેળવી શકાય. અયોધ્યામાં શ્રી અજિતનાથ ભગવાનનું ભવ્ય જિનાલય. તેમાં બે શ્યામમૂર્તિ અલગ તરી આવતી હતી. અંગ પર દાગીના કોતરેલા. પ્રતિમાનું
૧૯૮
શિલ્પ સવસ્ત્ર હતું. પરિકરમાં તો પ્રભુની મુદ્રાવાળી મૂર્તિ જ ન મળે. બુદ્ધની ભૂમિસ્પર્શવાળી મૂર્તિ તુરંત ઓળખાઈ. લાગ્યું કે આ બે મૂર્તિ બુદ્ધની છે ને વીતરાગમૂર્તિ તરીકે પૂજાવા માંડી છે. છતાં આ સંશય વિશે ખાતરી નહોતી થતી. સર્વસંગ્રહમાં તો ચોખ્ખું ચણક લખ્યું છે કે બે બૌદ્ધપ્રતિમા જિનમૂર્તિ તરીકે પૂજાય છે.’ સંશયની દિશા સાચી પડી તેનો આનંદ તો જેણે ન્યાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો હોય તેને જ સમજાય.
આવું જ પટનામાં છે. પટનાનાં પુરાણાં જિનાલયમાં પહેલા માળે બે મૂર્તિઓ છે. ભવ્ય પ્રતિમાજી. ત્યાંના ટ્રસ્ટીઓ સાથે ઘણો વિમર્શ થયો હતો. આખરે એ બે મૂર્તિ બુદ્ધની છે, તે નિર્ણયની દિશા પકડાઈ હતી. સર્વસંગ્રહમાં શબ્દો વાંચ્યા ઃ શ્યામ પાષાણની સાતફણાવાળી મૂર્તિ જે પાર્શ્વનાથની પ્રતિમા તરીકે ઓળખાય છે, તેના પર બૌદ્ધકલાનો સ્પષ્ટ પ્રભાવ જોવાય છે. આ મૂર્તિમાં શરીર પર પડેલું વસ્ત્ર હાથને ઢાંકી રહ્યું છે, જિનેશ્વરની આવી સવસ મૂર્તિ બીજે ચાંય જોવામાં આવતી નથી. તેમ જ મૂર્તિશાસ્ત્રમાં તેનું કોઈ વર્ણન મળતું નથી. એટલે આ મૂર્તિ જિનમૂર્તિ હોવા વિશે શંકા થાય જ. પરંતુ જૈનોના લાક્ષણિક ચિહ્ન રૂપે પ્રતિમાની નીચેના ભાગમાં ત્રિફણાયુક્ત ધરણેન્દ્ર અને પદ્માવતીની મૂર્તિઓ અંકિત છે. ગુપ્તોના અંતિમ સમયમાં આ મૂર્તિ બની હોય એવી એની રચના પદ્ધતિ લાગે છે. મૂર્તિ ઉપર ‘યે ધર્મા હેતુ પ્રભવા.’ વાળો શ્લોક કોતરેલો છે. એટલે આ મૂર્તિમાં જૈન અને બૌદ્ધ લક્ષણોનો મેળ સાધવાનો શિલ્પીએ પ્રયત્ન કર્યો હોય તેમ જણાય છે. આ મૂર્તિને એના સ્વરૂપમાં અદ્વિતીય કહી શકાય.’
બીજી મૂર્તિ વિશેનો અભિપ્રાય સ્પષ્ટ છે : ‘આ મૂર્તિ જૈન હોવા વિશે શંકા રહે છે.’ આપણે મૂર્તિની આવી ભેળસેળ વિશે કલ્પના પણ કરી નથી. અહીં ગજબનો ભેળસેળ થઈ ગયો છે. આવી મૂર્તિની પૂજા થાય નહીં ? તેની ચર્ચા ઘણા સ્તરે થઈ શકે. આ મૂર્તિઓ હજાર વરસ જૂની છે તે નક્કી.
મૂર્તિની ત્રીજી ગરબડ પટનાનાં મ્યુઝિયમમાં થયેલી છે. ત્યાં અમે લોકો ખાસ જૈન મૂર્તિઓનાં દર્શનાર્થે ગયા હતા. એક ભવ્ય મૂર્તિની નીચે બુદ્ધમૂર્તિની પટ્ટી લગાવી હતી. હકીકતમાં એ જૈન શ્વેતાંબર મૂર્તિ હતી. સંચાલકને જાણ પણ કરી. ભૂલ કાઢી તેનો ગર્વ અને સંશોધન કર્યું હોવાનું અભિમાન આવવું સહજ હતું. સર્વસંગ્રહ વાંચ્યા પછી ગર્વ ને અભિમાન ઓગળી ગયાં. એમાં તો વરસો