________________
sabada\2nd proof
૬૫
મૃત્યુ અને મહોત્સવ
મૃત્યુ જીવનનું અંતિમ અને નિરપવાદ સત્ય છે. મૃત્યુ એક જ ક્ષણમાં સંસારને વેરવિખેર કરી શકે છે. મૃત્યુ છે માટે જ ધર્મ જરૂરી છે.
મૃત્યુથી માણસ ગભરાય છે. કારણ કે મૃત્યુના સમયે નરી એકલતા હોય છે. તમારું શરીર પણ તમને દગો દે છે. મૃત્યુને ટાળી શકાતું નથી. પણ તેના ભયને જરૂર ટાળી શકાય. મૃત્યુનો સ્વીકાર મૃત્યુને મહોત્સવ બનાવવાનું પ્રથમ ચરણ છે. ભયને કારણે માણસ મૃત્યુનો વિચાર કરતો નથી. મૃત્યુનો વિચાર કરવાથી મૃત્યુનો ભય ટળે છે. મૃત્યુના વિચારમાં ત્રણ બાબતો આવે છે.
(૧) મૃત્યુને બગાડનાર તત્ત્વો (૨) મૃત્યુ સમયની ભાવદશા
૩) મૃત્યુ પછીની દુનિયાનો વિચાર
પાંચ તત્ત્વો મૃત્યુને બગાડી શકે છે. એક, વ્યસ્તતા. જીવનની જરૂરિયાતો અને સામાજિક અપેક્ષાઓ પૂર્ણ કરવામાં જ આપણો મોટા ભાગનો સમય વીતી જાય છે. રોજ મૃત્યુની તૈયારી માટે ૧૦ મિનિટ ફાળવો.
બે, સંસારની આસક્તિ. મૃત્યુ સંસારના તમામ સંબંધોથી છૂટા પાડે છે. સંબંધો સાથે જોડાયેલી આસક્તિ વિરહનું દુ:ખ જન્માવે છે. આ દુ:ખ મૃત્યુ બગાડે છે.
ત્રણ, અસંતોષ. અલ્લાઉદીન ખીમજી મર્યો ત્યારે પોતાની તમામ મિલકત સામે આસું સારતો મર્યો. તેને જીવનમાં સુખ નહીં ભોગવી શકવાનો વસવસો હતો. જીવનમાં સંતોષ નહીં હોય તો મરણ સમયે સ્વસ્થતા નહીં રહે. મનમાં સમાધાન નહીં હોય તો મરણ સમયે સમાધિ નહીં રહે.
શરીરમાં સહનશીલતા નહીં હોય મરણ સમયે સમતા નહીં રહે.
મૃત્યુને બગાડનાર ચોથું તત્વ છે–ભય. મૃત્યુ દુશ્મન નહીં પણ પરમસખા છે. જીંદગી દગો દઈ દે છે ત્યારે આપણને પડખે લે છે કેવળ મોત. એ મોત બદસૂરત કેવી રીતે હોઈ શકે ? મૃત્યુને પરમસખા માની લો તો મૃત્યુ પીડાદાયક નહીં લાગે.
મૃત્યુને બગાડનારું પાંચમું તત્ત્વ છે–શરીરના રોગો. રોગોની વેદના મનને વિચલિત કરે છે.
કેવી રીતે મરવું ગમે ? આ વાતનો વિચાર પણ મૃત્યુને મહોત્સવ બનાવી શકે છે. આપણને જો પસંદગી આપવામાં આવે તો કેવું મૃત્યુ પસંદ કરું ? એ વિશેની સ્પષ્ટ કલ્પના મગજમાં સ્થિર કરવી. મરવાનું
ક્યાં છે ? તેની ખબર નથી, પણ મને હૉસ્પિટલમાં મરવું ગમે કે રોડ પર ? ઘરમાં કે તીર્થભૂમિ પર ? એ વાત સ્પષ્ટ થઈ જાય તો મૃત્યુનો ભય ઘણો ઓછો થઈ જાય. મરતી વખતે શરીરમાં ઉત્તેજના ન હોય, મનમાં વાસનાઓ ન હોય. ભગવાન સામે હોય. તેમના ચરણોમાં માથું હોય મનમાં પ્રભુનું ધ્યાન હોય. હોઠો પર પ્રભુનું નામ હોય. આંખો સામે ભગવાનની તસવીર હોય અને પ્રભુના શબ્દો કાનમાં પડતાં હોય, એ રીતે આંખ મીંચાય તો મરણ મહોત્સવ બને.
મૃત્યુની સાથે બીજા બે ભય સંકળાયેલા છે. એક, એકલતાનો ભય અને બે, મરણ પછીની દુનિયાનો ભય, સાવ એકલતાનો અનુભવ નવો છે અને મૃત્યુ પછીની દુનિયાની આપણને જાણ હોતી નથી, તેથી ભય જન્મે છે. મર્યા પછીનાં જીવન વિષે આપણી પસંદગી સ્પષ્ટ હોય તો બીજો ભય ઓછો કરી શકાય. આપણું પરલોકનું એડ્રેસ આપણે આલોકમાં જ નક્કી કરી લેવું ઘટે. આ સરનામું નક્કી કર્યા પછી ત્યાં સુધી પહોંચવા માટે જીવનનું આયોજન કરી લેવું. મૃત્યુનો ભય નીકળી જાય તો એ સ્વયં મહોત્સવ છે.
- ૩૮ -