________________
sabada 2nd proof
૩૧
૩૨
પ્રેમ ક્રતા વિશ્વાસ વધુ મહત્વનો છે
જિજ્ઞાસા વિશ્વાસની જનની છે
પ્રસન્નતા પામવા માટે ધર્મને પ્રેમ કરવો જરૂરી છે. ત્રણ રીતે પ્રેમ થઈ શકે છે. લાચારીથી, કર્તવ્યભાવનાથી અને વિશ્વાસથી. વિશ્વાસ પૂર્વકનો ધર્મપ્રેમ જીવનની બહુમૂલ્ય વિરાસત છે. સૂરજને ધિક્કારનાર વ્યક્તિનાં મનમાં પણ બીજે દિવસે સૂરજ ઉગશે એવો વિશ્વાસ અવશ્ય છે. પ્રેમ કરતાંય વિશ્વાસ મહત્ત્વનો છે. વિશ્વાસ સમર્પણ માંગે છે. વિશ્વાસમાં પ્રત્યુપકારની કે પ્રતિભાવની અપેક્ષા નથી હોતી, વિશ્વાસમાં મોટે ભાગે જાગૃતિ હોય છે. સમર્પણની પારાશીશી દ્વારા વિશ્વાસની ટકાવારી માંડી શકાય. લાખ રૂપિયા મળે ત્યારે વધુ રૂપિયા જ્યાં નાખવાનું ગમે છે ત્યાં વિશ્વાસ વધુ છે એમ કહી શકાય.
આપણાં જીવનની તમામ સમસ્યાઓનું મૂળ સંસાર ઉપરનો આંધળો વિશ્વાસ છે. સંસારના પ્રેમ આપણને ખૂબ દુઃખી કર્યા છે. ભૌતિક સુખો પ્રત્યેનો સામાન્ય માનવીનો પ્રેમ નૈસર્ગિક નથી. એ અંધવિશ્વાસને કારણે જન્મેલો છે. કૂતરો, હાડકાને ચાવીને નીકળતું લોહી ચાટીને ખુશ થાય તેમ સામાન્ય માનવી ભ્રમણાથી સરજાતી અવસ્થાને પામી રાજી થાય છે. ધર્મનો વિશ્વાસ સંપાદન કરવા સર્વપ્રથમ સંસારના વિશ્વાસને નબળો પાડવો જરૂરી છે. ધર્મનું આયોજન ભીતરી સંસારને નિર્મળ બનાવવા અને નિર્મૂળ કરવા થયું છે. ધર્મ કરતી વખતે આ લક્ષ્ય હોવું જોઈએ. સૂરજ વિશ્વાસ પેદા કરવા નિરંતર ઉગ્યા કરે છે તેમ ધર્મનો વિશ્વાસ જન્માવવા ભાવનાત્મક નિરંતરતા જોઈએ. આપણા મનમાં ધર્મની જે ઇચ્છાઓ જાગે તેને સો ગણી વધારીને પૂરી કરવાનું રાખીએ તો પ્રેમનું વિશ્વાસમાં રૂપાંતરણ થશે.
જિજ્ઞાસા વિશ્વાસની જનની છે. વિકાસની આધારશિલા છે. વિકાસ એટલે પ્રવૃત્તિનો વિસ્તાર નહીં. વિકાસ એટલે જ્ઞાનનો – કલ્પનાઓનો અને ભાવનાઓનો વિસ્તાર. જિજ્ઞાસા મરી પરવારે ત્યારથી વિકાસ રુંધાઈ જાય છે. વિકાસ એટલે જિજ્ઞાસાની જીવંતતા. જિજ્ઞાસા જીવતી હોય તો પ્રગતિના ઇન્ડેક્સની ફિકર કરવાની જરાય જરૂર નથી. માનવજાત આજે જિજ્ઞાસાનાં બાળમરણથી પીડાઈ રહી છે. સ્કૂલ કે કૉલેજ છોડ્યા પછી નિયમિતપણે વાંચન કરનારાઓની સંખ્યા ખૂબ ઓછી છે. ગુજરાતની વેપારી પ્રજાને એક જ ચોપડી વાંચવાની આદત છે—બેંકની પાસબુક,
નવાં જ્ઞાનની ઉપેક્ષા અને મેળવેલાં જ્ઞાનનો સંતોષ બન્ને જિજ્ઞાસાના દુશ્મન છે. જ્ઞાન મેળવવા સક્રિય ન થવું એ ઉપેક્ષા જ કહેવાય. જ્ઞાનનાં ક્ષેત્રમાં સંતોષ નવા જ્ઞાનની પ્રાપ્તિ થવા દેતો નથી. જિજ્ઞાસા ભલે નાનો ગુણ લાગે પણ તેનું અગત્ય ચાવી જેવું છે. મોટો બંગલો કે તિજોરી ચાવીને લીધે જ સલામત છે. નાની ચાવી મોટી મોટરને સ્ટાર્ટ કરી શકે છે તેમ નાની જિજ્ઞાસા ધર્મના મોટા વિશ્વાસને સક્રિય કરે છે. જિજ્ઞાસા અકબંધ હોય તો નાના નિમિત્તો પણ મોટા પરિણામ જન્માવી શકે છે. અસંતોષ અને આદર જિજ્ઞાસાના સહાયક પરિબળો છે. જિજ્ઞાસા વિશ્વાસને જન્મ આપે છે. વિશ્વાસથી સંકલ્પ જન્મે છે. સંકલ્પથી સાહસ અને સત્વ જન્મે છે. સાહસ અને સત્વ અશક્યને શક્ય બનાવે છે.
- ૩૨ -