________________
કે એ ભૂલને તરત ઓળખી પાડે છે. ભૂલની સાથે તેનો વ્યવહાર કડક હોય છે. ભૂલ મેં કરી છે માટે વ્યાજબી છે તેવી નબળાઈ તેનાં મનમાં નથી હોતી. ભૂલ થઈ તો કાંઈ આસમાન નથી તૂટી પડ્યું તેવો ઉપેક્ષાભાવ તે રાખતો નથી. ભૂલને, સ્વસ્થ માણસ ગંભીરતાથી લે છે. નાનામાં નાની ભૂલની નોંધ તે લે છે. ભૂલની, ખામીની હાજરી તેને ખૂંચે છે. આ વાતે એ પોતાની સામે શરમ રાખ્યા વિના માથું ઊંચકી શકે છે.
આપણી આંખો બીજાની ભૂલ જોઈને પહોળી થાય છે. પોતાની ભૂલ થાય ત્યારે આપણે આંખમીંચામણા કરીએ છીએ. આ સ્વસ્થતાની નિશાની નથી. પોતાની ભૂલને સહજતાથી સ્વીકારવી અને તે પછી પોતાની ભૂલ થઈ તો શું કામ થઈ તેનો નાનો સરખો ઇતિહાસ શોધી કાઢવો એ સ્વસ્થ માણસની પહેલી આદત છે.
બીજી આદત કે બીજું લક્ષણ છે પોતાને બદલવાનું. સૂરજ ઉપર ચડે તેમ સૂરજમુખીની દિશા બદલાય છે. દિવસ ઉપર ચડે કે જિંદગીના વરસો ઉપર ચડે તેમ સ્વસ્થ માણસ સ્વભાવની દિશા બદલતો હોય છે. કાચીંડો રંગ બદલે તે જુદી વાત છે. પરિવર્તન સાધવાનું આ લક્ષ્ય છે. નાનપણમાં ધમાલ કરી તે યુવાનીમાં ન ચાલે. યુવાનીના ધખારા ઘડપણમાં ન જામે. સમય મુજબ રહેવું જ પડે. સ્વસ્થ માણસ ધીમે ધીમે પોતાને સુધારતો રહે છે. ગયા વરસે એ ગુસ્સો કરતો હોય તો આ વરસે તેનો ગુસ્સો ઓછો થયેલો હોય છે. ગયા વરસે તે નિરાશ હોય તો આ વરસે તે આશાવાદી બનવાની વાટચાલ પકડે છે. ગયા વરસે તે ધર્મનો એકડો ન જાણતો હોય તો આ વરસે તે ધર્મની એબીસીડી શીખી ગયો હોય છે.
પ્રગતિ અને પરિવર્તનની જોડી જામે છે ત્યારે માણસની સ્વસ્થતા મહોરી ઉઠે છે. ભૂલ ન થાય તેની તકેદારી આવે છે. ભૂલથી દૂર રહેવાની માનસિકતા કેળવાય છે. પહેલાં લક્ષણની આટલી અસર પણ હોય છે જ. સાથોસાથ પોતાને ઘણું સુધરવાનું અને સમજવાનું બાકી છે તે યાદ હોય છે. બીજાથી આગળ નીકળવાની
સ્પર્ધા સ્વસ્થ માણસ ન કરે. એ પોતાનાથી જ આગળ નીકળવાની સ્પર્ધા કરતો જાય.
સ્વસ્થ માણસને સારો માણસ સમજીને ચાલવાનું નથી. સારા બનવા માટે સ્વસ્થ બનવાની જરૂર છે તે યાદ રાખવાનું છે. જે છીએ તે સારા છીએ, જ્યાં છીએ ત્યાં સુખી છીએ, જેવા છીએ તેવા રૂપાળા છીએ આવો મિથ્યાસંતોષ સ્વસ્થ માણસ નથી રાખતો. પોતાને વધારે સારા બનાવવાની એને તલબ હોય છે. એનાં સપનાં મહાન્ નહીં હોય, પણ એની આંખમાં નાનાં નાનાં તો ઘણાં સપનાં હશે. દરેક સપનાને એ ક્રમસર સાકાર કરતો રહે છે. સાકાર થયેલાં એક સપનામાંથી તે બીજા
E
દશ સપનાં શોધી લાવે છે. સપનાની નક્કર પકડદોડ ચાલુ રહે છે. સ્વસ્થ માણસ થાકતો કે કંટાળતો નથી.
જીવનની રાહમાં આવો એકાદ સ્વસ્થ માણસ જોવા મળી જાય તો એની સંગત કરો. એ તમને ખલેલ પાડ્યા વિના ઘણી બધી પ્રેરણા આપી જશે.
સ્વસ્થ માણસોનાં ટોળાં નથી હોતાં. સ્વસ્થ માણસો પોતાની ઓળખનો બિલ્લો લગાડીને ફરતા નથી. એ લોકો પોતાની જિંદગી સાથે પાક્કી દોસ્તી નીભાવતા હોય છે. એમને બીજાની પડી નથી હોતી તેટલી પોતાની પડી હોય છે. સ્વસ્થ માણસનું વૈચારિક આરોગ્ય સદાબહાર હોય છે. સ્વસ્થ શબ્દને આપણે દવાખાના સાથે જોડવાને બદલે દીવાનખાના સાથે જોડવો જોઈએ. આપણા વિચારોમાં અને આપણી રહેણીકરણીમાં સ્વસ્થ માણસનાં લક્ષણો જોવા મળે છે કે નહીં તે તપાસવાનું છે.
આપણી ભૂલની બાબતમાં આપણો અભિગમ શું હોય છે ? આપણી વર્તમાન અવસ્થા અંગે આપણે સભાન અને જાગૃત રહીને શું અને કેટલું વિચારીએ છીએ ? આ બે સવાલના સાચા જવાબ મળી જાય તો સ્વસ્થ માણસ તરીકે આપણો નંબર ઊંચકાઈ જાય તેમ છે.
આજથી દસ વરસ પછીનાં જીવનની કલ્પના કરો. આજની ભૂલ અને અવસ્થાની અસર દસ વરસ પછી કેટલી હદે નડી શકે છે તેની નિર્દભ વિચારણા કરો. જિંદગીનાં વરસો વેડફી દેવાના નથી. એમાંથી કાંક ઉગવું જોઈએ. આપણને સંતોષ મળે અને બીજાને ટાઢક સાંપડે તેવી જાતઘડામણ કરવાની છે.
વિચાર્યા કર્યા વગર સમયને હાંકતા રહીશું તો સમય વહી જ જવાનો છે. નુકશાની આપણને છે. આપણું ઉત્તમ અને ઉમદા જીવનચરિત્ર લખાય એવા મહાન્ બનવાનો મોકો આ જિંદગીમાં મળવાનો નથી. એકાદ બે સારા પ્રસંગોના જોરે જિંદગી ઉપર આવવાની નથી. સતત કામે લાગવું પડશે. બીજા બધાનું ધ્યાન રાખવા છતાં જાતનું, પોતાનું ધ્યાન ન રાખ્યું તો સજા મોટી થશે. વગર કારણે ગુનો કરે તેવા પાગલોની જમાતમાં આપણું નામ ન આવવું જોઈએ. સ્વસ્થ માણસ થયા વિના જીવનની મજા પણ નથી આવવાની. અત્યાર સુધીના વરસોમાં નાહકની નુકશાની કરતા રહ્યા. સાદી અને સરળ રીત છે, સ્વસ્થ બનવાની.
સુખી બનવા માટે અને સફળ થવા માટે આ સ્વસ્થતા જ કામ લાગવાની છે. થોડી મહેનત લઈનેય સ્વસ્થતાની આદત પાડી દો. મોડું કરવામાં મજા નથી, આટલું અમથું સમજો તો સારું છે.
૧૦