________________
મારી એક ભલામણ છે તું યાદ રાખજે. મુગ્ધ લોકો ભગવાનને છોડીને, લોભલાલચથી તારી જ પાસે આવ્યા કરે તેવું બનવા દઈશ નહીં. તારી સહાય પામીને તેઓ વીતરાગ ભગવાનના રાગી બનીને સુખના વિરાગી બને તેવી તું કાળજી રાખજે. ૩૬.
સાધુ ભગવંતોની જેમ બાવ્રતો કે ઓછાવ્રતો ધારણ કરનારા શ્રાવકોને પણ નમસ્કાર કરજે. આટલો વિવેક અવશ્ય રાખજે. તું અવિરતિમાં છે માટે દેશિવરતિધરોને પણ તું વન્દન કરે તે ઉચિત છે. વિરતિનો રાગ બાંધીને તું ભાવપૂજા સુધી પહોંચજે. ૩૭.
તારી સમક્ષ વિરતિવિહોણા હોમપાઠો ન થાય તેનું ધ્યાન રાખજે. તારી સમક્ષ ભૌતિક સુખોની માંગણી થયા કરે તેવું બનવા દઈશ મા. તારી માનતાઓ મનાય એવું બધું ન થવું જોઈએ. સંસારની આશંસા પોષે તેવું કાંઈ જ તારી સાથે જોડતો નહીં. ૩૮.
તને સાધુભગવંતોના ધર્મલાભ સદા મળતા રહેશે. તને સાધુભગવંતો મંગલાચરણ પણ સંભળાવતા રહેશે. ભગવાનની પૂજા કરનારા શ્રાવકોને તારી માટે સદ્ભાવ અને આદર રહેશે. ૩૯.
તારું હૃદય સરળ છે. તું તરત સહાય કરે છે. વિવિધ વિપદાઓને તું વારે છે. સંકટોનો તું નાશ કરે છે. આથી તારી તુલના શંકર સાથે થઈ શકે છે. તું તપાગચ્છનું અધિષ્ઠાન કરજે. ૪૦.
કુમકુમ ભેળવેલાં ચન્દનનાં સુગંધી છાંટણા કરીને યક્ષરાજે ગુરુના આશીર્વાદ સ્વીકાર્યા. તેણે છેલ્લી વાત કહી : હું પંચ પરમેષ્ઠીનું અધિષ્ઠાન પામ્યો છું. મારાં બળનાં મૂળમાં પંચ પરમેષ્ઠી છે. મારા મંત્રમાં પંચપરમેષ્ઠી અવશ્ય રહેશે. અને પંચપરમેષ્ઠીને લીધે જ મારાં નામનો મંત્ર સિદ્ધ બની શકશે. ૪૧.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૯
૧૬૫