________________
વહેલી સવારનો સમય
શખનાદ થાય. મંદિરનો પહેલો ઘંટનાદ દૂર દૂર સંભળાય. સૂરજ ઉગવાને હજી વેળા હોય. પથારીમાં નીંદર ઘેરાયેલી રહે. તારલા છેલ્લો ચમકારો બતાવતા હોય. વાતાવરણને શીતળતા સાથે દોસ્તી થઈ હોય. સમયનો સોનેરી નહીં પણ રૂપાળો મિજાજ.
વહેલી સવારે તમે ઉઠો તો ઘોંઘાટ નહીં હોય. દોડધામ કરનારી ગાડીઓ ગેરેજમાં પડી હશે. હવા ચોખ્ખી હશે. ઘરમાં જાણે મંદિર જેવી શાંતિ હશે. વહેલી સવારનું ઘર તાજગીભર્યું હોય છે. તમારાં ઘરના એક ખૂણે બેસજો . આંખો બંધ રાખીને પ્રભુનું નામ કે અભીષ્ટમંત્ર યાદ કરજો. વહેલી સવારને બ્રાહ્મ મુહૂર્ત કહે છે. વાતાવરણની જેમ મન પણ શાંત હોય છે. વહેલી સવારે. ઘરનાં કામકાજ શરૂ કરવાને વાર હોય છે. નહાવાધોવા અને પાણી ભરવા માટેની ઉતાવળ નથી હોતી. આ સમયનો સદુપયોગ કરવાનો છે.
મનને પહેલો વિચાર સારો મળે તો આખો દિવસ તેની ધારા જળવાઈ રહે છે. વહેલી સવારનો સૌથી પહેલો વિચાર સરસ હોવો જોઈએ. વિચારોમાં અટવાઈ જવાની તમને આદત છે. જે વિચાર આવે તે મહત્ત્વનો જ લાગતો હોય છે. તમે વિચારોનું મૂળ શોધી શકતા નથી. અઘરું પણ છે. બીજી રીતે કામ કરો. સવારે વિચારવાની શરૂઆત થતી હોય છે. ઊંઘ અને સપના પૂરા કરીને મનમાં તાજગી ભરી લીધી હોય છે. તમે મનને તંદુરસ્ત વિચાર આપો. બને તો મનને વિચારથી દૂર રાખો. વિચારવાથી આત્માને ખલેલ પડે છે. આત્માનો સ્વભાવ નિર્વિચાર રહેવાનો છે. શાંત ચિત્તે મંત્ર સ્મરણ કરો તો ઉત્તમ ? અર્થચિંતન સાથે પ્રતિક્રમણ કરો તો શ્રેષ્ઠ. તમે ધારો છો તેટલા તમે સારા નથી તેમ તમે ધારો છો તેટલા તમે ખરાબ પણ નથી. થોડું નિયંત્રણ ઓછું છે. તે ઊભું કરી. સવારે ચા દૂધ જ લો છો. દાળભાત નથી લેતા તમે. આ જે રીતે નક્કી છે તે જ રીતે સવારે કરવાનો વિચાર નક્કી જ રાખો. સવારે જે નથી વિચારવાનું તે
સ્પષ્ટ્ર રાખો.
વહેલી સવારે ઝઘડો નહીં કરવાનો, નિંદા નહીં કરવાની, ઇર્ષાનો વિચાર નહીં કરવાનો. વહેલી સવારે રડવાનું નહીં અને વધારે પડતું હસવાનું પણ નહીં. વહેલી સવારે ઉદાસ કે નિરાશ નહીં રહેવાનું. વહેલી સવારે પૈસાની ઝાઝી વાતોમાં ઉતરવાનું નહીં. વહેલી સવારે ખોટું બોલવાનું નહીં. ખોટું લગાડવાનું નહીં. વહેલી સવારે અવાજ ઊંચો ન હોવો જોઈએ અને વિચાર નીચો ન હોવો જોઈએ.
વહેલી સવારે મંદિરોમાં પૂજારીજી પૂજાની તૈયારી કરતા હોય ત્યારે તમારે આખા દિવસમાં આવી રહેતા ઘણા સારા વિચારોની પૂર્વતૈયારી કરવાની છે. સારું પ્રવચન આપવા માટે કુદરતી રીતે બોલવું જરૂરી છે તેમ સારો દિવસ વીતાવવા માટે કુદરતી રીતે સારો વિચાર આવે તે જરૂરી છે.
વહેલી સવારે પ્રભુની મુલાકાતનો સમય છે. વહેલી સવારે પૂજાનાં વસ્ત્રો જેવા સ્વચ્છ અને ઉજળા વિચારો જ કરવાના. સવારના સથવારે સુરજ આવે છે ને ચારે કોર અજવાસ ફેલાય છે. સવારના સથવારે તંદુરસ્ત ચિંતન આવે છે અને સંપૂર્ણ દિવસ એની સુવાસે મઘમધે છે. સવારનો સમય કેવળ ચા પીતા પીતાં છાપાં વાંચીને બગાડશો નહીં. સવારના સમયે સુંદર વિચારોની નાની સરખી મુલાકાત લેજો . સુપ્રભાતમ્.