________________
ધર્મ ક્રવાની મોસમમાં
રાજ સવારે ભગવાનની પૂજા કરીએ છીએ, સત્સંગ કદી ચૂકતા નથી, સાધુજનોની સેવાનો લાભ લીધો છે, ગરીબોની દયા કાયમ કરીએ છીએ, ધર્મ નિયમિત સાધ્યો છે. હવે ધર્મ તો આનંદ આપે, પ્રસન્નતા આપે. તમારો ધર્મ તમને ખૂબ બધી શાંતિ આપવા માગે છે અને આપી શકે છે. તમે ધર્મ કરવા છતાં એક સરેરાશ આદમી રહ્યા છો. ધર્મ દ્વારા તમે બદલાયા નથી. ધર્મ દ્વારા તમે નવેસરથી ઘડાયા નથી. - રોજ ધર્મ કરવાનો છે. એની સાથે એક માનસિક ભૂમિકા પણ ઘડવાની છે. તમે ધર્મ કરશો. એક નાનું લક્ષ હશે મનમાં. તે પાર પાડશો, બીજું લક્ષ બંધાશે તે પાર પાડશો. ધાર્યા મુજબ ધર્મ થાય તો તેનો આનંદ તમને મળશે. આની સમાંતર એક બીજું કામ કરજો. તમે જે ધર્મ કરો છો તે ધર્મ કરવાની શક્તિ તો તમારામાં છે જ. તમે જે ધર્મ નથી કરી રહ્યા તે ધર્મ કરવાની શક્તિ પણ છે તમારામાં. તમે ધ્યાન આપજો, જે ધર્મ નથી થઈ શક્યો તે તરફ. તમે એકાસણું કર્યું હશે તો યાદ કરજો કે ઉપવાસ નથી થયો. તમે ભગવાનની આરતી કરી હશે તો યાદ કરજો કે આજે મેં મહાપૂજાનો લાભ ન લીધો. તમે વ્યાખ્યાન સાંભળ્યું હશે તો યાદ કરજો કે આજે નવી પ્રાર્થના ગોખી નથી. બિલકુલ ધંધાકીય સમીકરણ છે. તમે હજાર રૂપિયાની કમાણી કરો ત્યારે તમને યાદ હોય છે કે મેં દશ હજારની કમાણી નથી કરી. સારો વિદ્યાર્થી ત્રીજો નંબર લાવે ત્યારે એને યાદ હોય છે કે મારો પહેલો નંબર આવ્યો નથી અને પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી પણ યાદ રાખે છે કે મારે સો ટકા મેળવવાના હતા તેને બદલે કેવળ અઠ્ઠાણું ટકા મળ્યા છે.
આ અસંતોષ છે, મનમાં બળાપો નથી. મનમાં ઝુરાપો છે, મનમાં ફરિયાદ નથી, મનમાં વેદના છે, મનમાં એક સપનું છે.
મારે ધર્મ કરવો છે અને હું ધર્મ કરું છું અને મારા દ્વારા ધર્મ થઈ શકે છે. આ ત્રણ વાક્યો એકબીજાથી જુદા છે. ફરી વાંચી લો.
તમે ધર્મ કરવાનું શરૂ કર્યું ત્યારે સાવ થોડો ધર્મ કરતા હતા. આજે તમે ઘણો ધર્મ કરો છો, શરૂઆત કરતાં આજે ધર્મ વધ્યો છે તે બતાવે છે કે તમે ધારો તો ધર્મમાં હજી આગળ વધી શકો છો. તમને એમ લાગતું હોય કે આજે હું ધર્મ કરું છું તેથી વિશેષ ધર્મ કરવાની મારામાં શક્તિ નથી તો એ કેવળ ભ્રમ છે. તમે જો વધુ ધર્મ કરી શકતા ન હોત તો આજે તમે જે ધર્મ કરો છો તે પણ તમે કરી શકતા નહીં. આજે તમે ધર્મ કરો છો તે તમારી ધર્મ કરવાની શક્તિને લીધે. તમારી આ ધર્મ કરવાની શક્તિ વધી શકે છે.
આ નિયમ મજાનો છે. ધર્મ કરવાથી ધર્મ કરવાની શક્તિ વધે છે, ધર્મ કરવાની શક્તિથી તમારો ધર્મ વધે છે. તમે આજે કેવળ ધર્મ કરો છો. તમારી જવાબદારી છે કે તમારી ધર્મની શક્તિ વધે. તમારે ધ્યાન આપવું પડશે. તમે આજે જે ધર્મ કરો છો તેના દ્વારા તમારે તમારા ધર્મમાં નવો ઉમેરો કરવાનો છે. આજે પૂજા કરો છો તો વિશેષ પૂજા કરવાની છે. આજે નિયમ લો છો તો વિશેષ વ્રત બાકી રહે છે. આજે ધર્મનું ભણો છો તો સામે ઘણું બધું ભણવાનું બાકી જ છે. આજે ધર્મમાં પૈસા ખરચો છો તો ધર્મનાં ઘણા ક્ષેત્રોમાં પૈસાનું વાવેતર કરવાનું બાકી રહ્યું છે. તમે જે ધર્મ કરો છો તે દ્વારા તમારે નવા ધર્મનું ઘડતર કરવાનું છે. ધર્મનો સરવાળો. ધર્મનો ગુણાકાર.
તમે જાણો જ છો કે ગમે તેટલો ધર્મ કરો તેમ છતાં ઘણો બધો ધર્મ કરવાનો બાકી જ રહેવાનો છે. ધર્મ તો દરિયો છે. ગમે તેટલું ખૂંદો, એનો પાર નહીં આવે. તમારા જીવનમાં આજે જે ધર્મ છે તે તમારું સૌભાગ્ય છે. આજે તમારા જીવનમાં જે ધર્મ બાકી છે તે અંગે મનમાં અફસોસ જગાડો. આજે જે ધર્મ કર્યો તે ભગવાનની કૃપા. આજે જે ધર્મ કરવાનો રહી ગયો તે મારી આળસ. પોતાની જાતને મીઠો ઠપકો આપો, ધર્મ કરવાની મોસમમાં.
- ૪3