________________
પ્રયત્ન કરી શકાય. આપણે સાધનારૂપી પ્રયત્ન કરીએ છીએ, પણ તે શું પામવા? તે તો નક્કી કરવું જ જોઇએ ને? હવે નક્કી કરીએ કે મારે માત્ર મોક્ષ જ જોઇએ. મોક્ષથી ઓછું મને હવે કાંઇ ન ખપે.
મોક્ષના સુખની આંશિક અનુભૂતિ તો આપણને પણ થાય જ છે ને ? મોક્ષ એટલે આત્માના સર્વગુણો પ્રગટ થયા. સાચું કહો? જ્યારે ક્રોધથી ધમધમતા હોઇએ ત્યારે સુખનો અનુભવ થાય છે કે ક્ષમાશીલ હોઇએ ત્યારે? માસક્ષમણ કરનારો પણ ૨૦-૨૨ મા ઉપવાસે ખાનારા કરતાં ય વધારે પ્રસન્ન નથી દેખાતો? થોડા ઘણા ગુણો આંશિક ખીલે ત્યારે જે આનંદની અનુભૂતિ થાય છે, તે મોક્ષના સુખની આંશિક અનુભૂતિ છે. જ્યારે તમામ ગુણો સંપૂર્ણપણે પ્રગટી જાય ત્યારે મોક્ષના સુખની સંપૂર્ણ અનુભૂતિ થાય. આમ મોક્ષનું સુખ માત્ર કલ્પનાનો વિષય નથી, આંશિકપણે તો આપણી અનુભૂતિનો વિષય પણ બને છે.
નાસ્તિક પણ ગુસ્સાને નથી ઇચ્છતો. એટલે કે તે ગુસ્સાને બદલે ક્ષમાને ઇચ્છે છે. ક્ષમાથી પ્રગટેલા સુખને પણ ઇચ્છે છે. તો જ્યાં બધા ગુણો સંપૂર્ણ પ્રગટવાથી પૂર્ણ સુખ મળે છે, તેવા મોક્ષને કેમ ન ઇચ્છાય?
સંસારમાં ચારે બાજુ જુઓ તો માનવો ઓછા-વત્તા ભૌતિક સુખવાળા જેવા મળે છે. સૌ પોતાની પાસે જે સુખ છે, તેથી વધુ સુખ મેળવવાના પ્રયત્નો કરતાં દેખાય છે. જો ઓછા-વધારે સુખવાળા જીવો છે તો સંપૂર્ણ સુખવાળો જીવ પણ કોઇક હોવો તો જોઇએ જ. સંસારમાં તો સંપૂર્ણ સુખવાળો જીવ કોઇ છે જ નહિ. કારણ કે સંસારનો દરેક જીવ વધુને વધુ સુખ મેળવવા ઇચ્છે જ છે, માટે તે સંપૂર્ણ સુખી તો નથી જ, એમ નક્કી થાય છે. તો સંપૂર્ણ સુખી કોણ? કહેવું જ પડશે કે સંપૂર્ણ સુખી જીવ એટલે મોક્ષનો જીવ. કારણ કે તેને વધારે સુખ મેળવવાની કોઇ ઇચ્છા નથી કે પ્રયત્ન નથી.
જેટલા સુખી છીએ તેના કરતાં વધારે સુખી બનવાની ઇચ્છા આપણને થાય છે તો સંપૂર્ણ સુખી બનવાની ઇચ્છા કેમ ન થાય? હવે કરવી છે તેથી ઇચ્છા? સંપૂર્ણ સુખી બનવાની ઇચ્છા કરવી એટલે મોક્ષની ઇચ્છા કરવી. તો ચાલો... આજથી મોક્ષની ઇચ્છા શરુ કરીએ.
ના. એટલેથી અટકી ન જઇએ. તે મોક્ષ મેળવવાનો સમ્યક પુરુષાર્થ પણ શરુ કરીએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું