________________
બધા દેવો મનોભક્ષી હોય. મનમાં જેની ઈચ્છા કરે તે પ્રાપ્ત થઈ જાય. આપણે મનોભક્ષી નથી. આપણો આહાર ત્રણ પ્રકારનો છે.(૧)ઓજાહાર (૨)લોમાહાર અને (૩)કવલાહાર.
નવકારશીથી ઉપવાસ સુધીના આપણા બધા પચ્ચક્ખાણો કવલાહારની અપેક્ષાએ છે. કવલાહારના ત્યાગ સમયે પણ લોમાહાર ચાલુ હોવા છતાં પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. કોળીયા મોઢામાં મૂકીને ખાઈએ તે કવલાહાર કહેવાય. કૂરગડુ, ૫૦૦ તાપસો વગેરેને કવળ (કોળીઓ) પણ કેવળજ્ઞાન માટે થયો હતો; આપણે કવલાહાર કરવો પડે ત્યારે આસક્તિ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ.
શિયાળામાં પાણી ઘણું ઓછું વાપરીએ તો પણ ઘણીવાર પેશાબ કરવા જવું પડે છે કારણકે છિદ્રો વાટે વાતાવરણમાંથી ભેજ વગેરે લેવાનું સતત ચાલું છે. તે લોમાહાર છે. લોમ=રૂંવાડા, છિદ્રો. તેના વડે લેવાતો આહાર તે લોમાહાર. આ લોમાહારનો ત્યાગ કરવો અશક્ય છે, માટે તેનું પચ્ચક્ખાણ નથી.
પરમાત્મા આપણને ધર્મ તરીકે તે જ જણાવે, જેનું પાલન કરવું શક્ય હોય. પાલન ન કરી શકાય તેવું કરવાનું પરમાત્મા કદી ન જણાવે.
જીવ ઉત્પન્ન થાય ત્યારે સૌ પ્રથમ માતા-પિતાના લોહી-વીર્યના મિશ્રણનો આહાર કરે છે, તે ઓજાહાર છે. તે તો માત્ર ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય. ત્યારપછી તો લોમાહાર અને કવલાહાર હોય.
દેવો ભલે મનોભક્ષી હોય, પણ આપણને અને પંચે. તિર્યંચોને-આ ત્રણે પ્રકારના આહાર હોય છે. મનુષ્યો અને પંચે. તિર્યંચો રત્નપ્રભા નામની પ્રથમ નરક-પૃથ્વીની ઉપરની સપાટી ઉપર રહે છે.
૧,૮૦,૦૦૦ યોજન જાડી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ૧ રાજ લાંબાપહોળા ગોળાકાર વિસ્તારની બરોબર મધ્યમાં એક લાખ યોજન ઊંચો મેરુપર્વત આવેલો છે. તેની ફરતે ચારે બાજુ જંબુદ્વીપ આવેલો છે. દ્વીપ એટલે બેટ, ટાપુ, આઈલેન્ડ. જેની ચારે બાજુ પાણી હોય તેવા જમીનના ભાગને દ્વીપ કહેવાય છે. જંબુદ્વીપની ચારે બાજુ લવણસમુદ્ર છે. તેને ફરતો ચારે બાજુ ધાતકીખંડ છે. પછી કાલોદધિ સમુદ્ર છે. પછી પુષ્કરવર દ્વીપ છે. પછી પુષ્કરવર સમુદ્ર છે. આ રીતે વારાફરતી એક બીજાને વીંટળાયેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે. તેમાંના જંબુદ્વીપ, ધાતકીખંડ અને અડધો પુષ્કરાવર્તદ્વીપ મળીને અઢીદ્વીપમાં મનુષ્યો રહે છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુકકડમ્.
તત્વઝરણું
૨૬૯