________________
આવા અનેક સવાલોના યુક્તિસંગત જવાબો આપીને કેશીગણધારે આત્મા, દેવલોક, નરક વગેરેની સિદ્ધિ કરી બતાડી. પણ વરસોથી સ્વીકારેલી. અને મનમાં ઘર કરી ગયેલી માન્યતા કેવી રીતે છૂટે? વારંવાર પોતે જેનો પ્રચાર-પ્રસાર કર્યો હોય તે છોડવું સહેલું થોડું છે ?
કેશી ગણધારે કહ્યું, “કૂવો બાપનો હોય એથી તેમાં ડૂબી ન મરાય. સાચી વાત, લાભની વાત જાણવા મળે તો ખોટી વાત છોડી દેવામાં ડહાપણ છે. - ચાર માણસો ધન કમાવા નીકળ્યા. પહેલા રાફડામાં લોખંડ નીકળ્યું. બધાએ ભારો બનાવીને ઉંચકયો. આગળ બીજા રાફડામાં તાંબુ મળ્યું. લોખંડ મૂકીને તાંબાનો ભારો લીધો, પણ એક જણે લોખંડનો ભારો ન છોડ્યો. આટલું ઉચકીને લાવવાની મહેનત થોડી નકામી જવા દેવાય? આગળ ચાંદીની ખાણ આવી. બધાએ તાંબુ મૂકી ચાંદી લીધી, પણ પેલાએ લોખંડ ન છોડ્યું. પછી સોનાની ખાણ આવી. બધાએ ચાંદી છોડીને સોન લીધું પણ પેલાએ લોખંડ ન છોડ્યું. સૌ સાત પેઢી સુખી થયા પણ, પેલો લોખંડ રાખનારો તેવો સુખી ન થયો.
પ્રદેશી ! બોલ, તારે શું કરવું છે? લોખંડના ભારા ઉંચકનારા જેવું બનવું છે? આ સાંભળીને પ્રદેશી રાજાએ આત્માને સ્વીકાર્યો. પોતાની ખોટી માન્યતા છોડીને ધર્મી બન્યો. છેલે મૃત્યુ પામી સૂર્યાભદેવ બનીને પ્રભુની ભક્તિ કરવા આવ્યો. | ડાલો માણસ તે જ કહેવાય કે, જે પરિસ્થિતિ પલટાય તેમ પોતાના વિચારો પણ પલટે. જે પરિસ્થિતિ બદલાવા છતાં ય પોતાના વિચારો ન બદલે, તે કાં તો મૂર્ખ હોય અથવા તો જીદ્દી કે અભિમાની હોય. આજે રવિવાર છે. કોઇ પૂછે, આજે કયો વાર છે? તો રવિવાર કહો. પછી કાલે કોઇ પૂછે કે, “આજે કયો વાર? તો સોમવાર જ કહેવો પડે. જે રવિવાર જ કહે, પોતાનું પકડાઇ ગયેલું છોડે જ નહિ તો ચાલે?
પરમાત્મા મહાવીરદેવે કહ્યું છે કે, “હમણાં મરે તો સાતમી નરકે જાય, ક્ષણ પછી પૂછયું તો સાતમી નરક ન કહી, પણ સર્વાર્થસિદ્ધવિમાન કહ્યું કારણકે પ્રસનચંદ્ર રાજર્ષિની આત્મિકસ્થિતિ પલટાઇ ગઇ હતી. - જીવનનો વિકાસ તેનો જ થાય કે જે જેમ જેમ નવું નવું જાણતો જાય તેમ તેમ પોતાનામાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓને છોડતો જાય. નવી નવી આત્મવિકાસની વાતો સ્વીકારતો જાય. જો તેવા ખુલા દીલના ન બનતાં કદાગ્રહી બનીશું તો સાચો આત્મવિકાસ કદી સાધી નહીં શકીએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. તત્વઝરણું