________________
રસ્તામાં નવા સંડાશમાં બેસીને લાડવો ખાવાનું કોઇ કહે તો તમે સ્વીકારો? તે રીતે દેવલોકમાં ગયેલા તમારા દાદીમા સંડાશ જેવા ગંધાતા માનવલોકમાં શી રીતે આવે ? છતાં રાગથી આવવાનું મન કરે અને હું હમણાં નાટક જોઇ ને જાઉ છું એવું વિચારે તો તે નાટક જોવામાં હજારો વર્ષો વીતી જાય. અહીંની પેઢીઓ પલટાઇ જાય. તેથી તેને કહેવા શી રીતે આવે ?
પ્રદેશી ઃ મારા બાપા ભયાનક પાપી હતા. નરકમાં ગયા હશે ને? તેઓ મને કહેવા કેમ ન આવ્યા કે બેટા ! પાપ ન કર, નહિ તો તારે પણ મારી જેમ નરકમાં દુઃખો ભોગવવા આવવું પડશે !
કેશી ગણધાર : તારી પત્ની સૂર્યકાન્તાની છેડતી કરનારને તારી સામે હાજર કરાય તો હું શું કરે ?
પ્રદેશીઃ હું છોડું જ નહિ. જેલમાં પૂરું, ફાંસીની સજા કરું.
કેશી : તે વખતે તે તારા પગમાં પડીને કહે કે, “મારા ઘરે જઇને મારી પત્ની-દીકરાઓને મળીને આવું, તો તું તેને જવા દે ?
પ્રદેશી : ના, જરાય નહિ.
કેશી : બસ, તે જ રીતે તારા બાપાને અહીં આવવાનું મન હોય તો ય ત્યાંના પરમાધામી દેવો તેમને અહીં આવવા દેતાં નથી.
પ્રદેશી : મેં ફાંસીની સજાવાળા એક જીવતા ચોરના બે ટૂકડા કરાવ્યા. કયાંય આત્મા ન મળ્યો. બે ના ચાર ટૂકડા કર્યા, ચારના આઠ, આઠના સોળ, આ રીતે નાના રાઇ રાઇ જેટલા ટૂકડાઓ કર્યા, પણ કયાંય મને તેનો આત્મા ના દેખાયો, માટે હું આત્માને શી રીતે માનું ?”
કેશી ગણધાર : તું તો પેલા કઠીયારા જેવો લાગે છે ! જંગલમાં લાકડા કાપવા જનારા કઠીયારાઓએ એક કઠીયારાને કહ્યું કે, “તારે રસોઇ બનાવીને તૈયાર રાખવી. જો આ દીવો ઓલવાઇ જાય તો લાકડામાંથી અગ્નિ પેટાવીને પણ રસોઇ કરવી.'' જયારે બધા જમવા પહોંચ્યા ત્યારે રસોઇ તૈયાર નહોતી. કારણ પૂછતાં તેણે કહ્યું, ‘અગ્નિ ન હતો. લાકડામાં પણ ન હતો. મેં લાકડાના બે ટૂકડા કર્યા. બેના ચાર, આઠ, સોળ, અરે રાઇ-રાઇ જેટલા ટૂકડા કર્યા તો ચ ન દેખાયો. હું અગ્નિ વિના કેવી રીતે રસોઇ કરું? ત્યારે બધાએ કહ્યું “અગ્નિ તો લાકડામાં છે જ. તે દેખાય નહિ. બે લાકડા ઘસવાની પ્રક્રિયા કરીએ તો મળે.' એમ કહીને પ્રગટ કર્યો. પ્રદેશી ! તું આવો કઠીયારો ન બન. શરીરમાં આત્મા છે જ. તે દેખાય નહિ પણ સાધના કરવાથી પ્રગટ થાય. જેમ દૂધમાં ઘી છે, તેમ શરીરમાં આત્મા છે, એમ સ્વીકારવું જોઇએ.
તત્વઝરણું