________________
કૃતીલાલા
(પ્રથમ આવૃત્તિનું)
જ્યારે હું એક તરફ મારી શક્તિનો વિચાર કરું છું, અને બીજી તરફ આ ગ્રંથને જોઉં છું ત્યારે મારી સામે હું આ શી રીતે કરી શક્યો એ પ્રશ્નાર્થ ચિત્ર ખડું થાય છે. પણ મારા વડીલોની કૃપાદૃષ્ટિનું સ્મરણ થતાં જ એ પ્રશ્નાર્થ ચિહ્ન અલોપ થઇ જાય છે. સ્વ. ત્રિશતાધિક મુનિગણના નેતા પરમારાથ્યપાદ પ.પૂ. પરમ ગુરુદેવ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ તથા પરમગીતાર્થ પ.પૂ. પરમ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજની કૃપાદૃષ્ટિ વિના આવું સર્જન મારાથી ન થઇ શકે એમ મારું અંતઃકરણ સાક્ષી પૂરે છે. તથા પ.પૂ. પરાર્થપરાયણ ગણિવર્ય (વર્તમાનમાં આચાર્ય) ગુરુદેવ શ્રી લલિતશેખર વિજય મહારાજે પ્રુફ સંશોધન આદિમાં આપેલા સાધંત સહકારથી હું આ ગ્રંથનું સંપાદન કાર્ય સુખપૂર્વક કરી શક્યો છું. આ સ્થળે આ ત્રણે મારા પૂજ્ય વડીલોને નતમસ્તકે ભાવભરી અંજલિ સમર્પ છું. ક્યારેક કોઇ પદાર્થમાં મહત્ત્વની ગૂંચ ઊભી થતી કે સંશય જાગતો ત્યારે તત્ત્વાર્થ અને તત્ત્વાર્થ વિષયોને લગતા પ્રાચીન-અર્વાચીન, પ્રાકૃતસંસ્કૃત; હિંદી-ગુજરાતી ગ્રંથો મદદ રૂપ બન્યા છે. આથી મૂળે ગ્રંથના પ્રણેતા મહાપુરુષો અને તેના સંપાદકો વગેરે પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાનું મારા માટે અનિવાર્ય બની જાય છે. મહેસાણા સંસ્થાની પાઠશાળાના પ્રધાન પ્રાધ્યાપક પંડિતવર્ય શ્રી પુખરાજજી અમીચંદજીએ તત્ત્વાર્થની વિસ્તૃત નોટ વગેરે આત્મીય ભાવે કાળજીપૂર્વક તપાસ્યા બાદ અનેક પત્રો દ્વારા પ્રશંસાનાં પુષ્પો વેરીને આપેલું પ્રોત્સાહન ચિરસ્મરણીય રહેશે.
- મુનિ રાજશેખરવિજયજી (વર્તમાનમાં આચાર્ય વિજય રાજશેખરસૂરિ)