________________
પ્રકાશકીય નિવેદન...
તત્ત્વાર્થાધિગમસૂત્ર ગ્રંથનું પઠન-પાઠન જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં ચિરકાળથી ચાલ્યું આવે છે. પરમ પૂજ્ય પંન્યાસ શ્રી આનંદસાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કર્પૂરવિજયજી મહારાજ સાહેબોએ પ્રેસ કોપી આદિ તપાસી આપેલા તત્ત્વાર્થાધિગમસૂત્રનું પ્રથમ પ્રકાશન વિક્રમ સંવત-૧૯૭૨માં અને બીજું પ્રકાશન વિક્રમ સંવત-૧૯૮૦માં આ સંસ્થાએ કરેલ છે. ત્યારબાદ સંસ્થાના ભૂતપૂર્વ મેનેજર સ્વર્ગસ્થ પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે વિસ્તૃત વિવેચનમાં લખી તૈયા૨ કરી આપેલા તત્ત્વાર્થાધિગમસૂત્રનું પ્રકાશન બે ભાગમાં વિક્રમ સંવત-૨૦૧૬માં આ સંસ્થાએ કરેલ છે. તે સિવાય અન્ય સંસ્થાઓ દ્વારા અનેક મહારાજ સાહેબોએ અને અનેક પંડિતોએ આ ગ્રંથનાં નાના-મોટા અનેક પુસ્તકો બહાર પાડેલ છે. પરંતુ મધ્યમ ક્ષયોપશમવાળા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તેમજવિદ્યાર્થીઓ વગેરે સમજી શકે તેવા સરલ અને મધ્યમ વિવેચનવાળા પુસ્તકની અત્યંત આવશ્યકતા લાગવાથી અમોએ સ્વર્ગસ્થ પરમ પૂજ્ય આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય આ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પરમ પૂજ્ય આ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી (તે વખતે ગણી) મહારાજ સાહેબના શિષ્યરત્ન વિર્ય પરમ પૂજ્ય આ. શ્રી રાજશેખરસૂરીશ્વરજી (તે વખતે મુનિ) મહારાજ સાહેબને તત્ત્વાર્થાધિગમ સૂત્રનું વિવેચન લખી આપવા વિનંતી કરેલ અને અમારી વિનંતીનો સ્વીકાર કરી તેઓશ્રીએ અથાગ પ્રયત્ન દ્વારા તે પ્રમાણે સુંદર વિવેચન તૈયાર કરી આપેલ . એને સંસ્થાના અધ્યાપક પુખરાજજી અમીચંદજીએ ઝીણવટપૂર્વક અક્ષરશઃ તપાસેલ છે. આ પુસ્તકનું પ્રકાશન કરવાનો લાભ આ સંસ્થાને મળ્યો છે. આ પુસ્તકની આ પાંચમી આવૃત્તિનું પ્રકાશન કરતાં સંસ્થા ગૌરવનો અનુભવ કરે છે. પુસ્તકના લેખક વિદ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબે સમગ્ર પુસ્તકનો વિષય વધુ શુદ્ધ, સરળ અને સ્પષ્ટ કરી આપીને સ્વાધ્યાય પ્રેમીઓ ઉપર ઘણો ઉપકાર કર્યો છે. આ માટે લેખક આચાર્યશ્રી પ્રત્યે અમો કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
લિ. પ્રકાશક : ડૉ. મફતલાલ જે. શાહ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ સ્ટેશન રોડ, મહેસાણા-૩૮૪ ૦૦૧. (ગુજરાત)