________________
કમાઉ હોય ! સંસારના ઘણા બધા પ્રસંગોમાં માણસ આ રીતે ક્ષમા રાખતો હોય છે. એને તમે મજબૂરી કહી શકો, આવશ્યકતા કહી શકો અથવા લાચારી જેવા શબ્દો પણ પ્રયોજી શકો. હાલ સાતવાહન આ લાચારીને આ રીતે વ્યક્ત કરે છે.
જેણ વિણા ણ જીવિજ્જઇ ।
અણુણજ્જઇ સો ક્યાવરાહોવિ
- હાલ સાતવાહન (ગાથા સપ્તશતી, ૨/૬૩) “જેના વિના જીવી ન શકાય તેવાઓને માણસ માફ કરી દેતો હોય છે; એ અપરાધી હોય તો પણ.’
તમે ઘણીવાર જોયું હશે : અધૂરો ઘડો છલકાતો હોય, કદરૂપો માણસ ખૂબ દોડાદોડ કરતો હોય, ખારું પાણી ખૂબ જ ઠંડુ હોય કે કુલટા સ્ત્રી લાંબો ઘૂંઘટ ખેંચતી હોય – આ બધા તુચ્છતાના ઉત્પાત છે. ક્રોધ પણ તુચ્છતા છે. એટલે જ તુચ્છતા હશે ત્યાં ક્રોધ હશે, ઉત્પાત હશે. જ્યારે મહાપુરુષ શાંત હશે. અકબરના સમકાલીન કવિ રહીમ આ વાત આ રીતે સમજાવે છે :
“છિમા બડન કો ચાહિએ, છોટિન કો ઉત્પાત’'
- રહીમ (દોહાવલી ૫૫)
નીતિશાસ્ત્ર કહે છે કે‘યૌવન છતાં વ્રતનું પાલન કરવું, દરિદ્રતા છતાં દાન આપવું, શક્તિ હોવા છતાં ક્ષમા રાખવી - આ ત્રણ ઘણા જ દુર્લભ છે.'
ગાંધીજી લખે છે—
“દંડ દેને કી શક્તિ હોને પર ભી દંડ ન દેના સચ્ચી ક્ષમા હૈ.’’ - ગાંધીજી (સર્વોદય, ૯૮) આપણે માનતા હોઇએ છીએ કે યુદ્ધ કરવું, પર્વતારોહણ કરવું વગેરે કાર્યો સાહસિક કાર્યો ગણાય, પણ ક્ષમા રાખવી ? આપણે
ઉપદેશધારા * ૬
એને સાહસહીન કાર્ય ગણીએ છીએ, પણ કુરાન આ અંગે શું કહે છે, તે જાણવા જેવું છે :
“જે ધીરજ રાખે એને ક્ષમા આપી દે, તે ખરેખર મોટા સાહસમાંનું એક સાહસ છે.”
- કુરાન (૪૨/૪૩) સામાન્ય બુદ્ધિવાળા માણસો એમ માનતા હોય છે કે શત્રુને ક્ષમા આપવી મુશ્કેલ છે, મિત્રને ક્ષમા આપવી આસાન છે. પણ બહુ ઊંડાણથી જોઇશું તો લાગશે : આપણે શત્રુની ભૂલ માટે ક્ષમા આપી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે શત્રુ તો વિરુદ્ધ વર્તન જ કરવાનો. એના વિરુદ્ધ વર્તન અંગે કોઇ આશ્ચર્ય નહિ થાય, પણ કોઇ મિત્ર જ્યારે વિરુદ્ધ આચરણ કરે ત્યારે આપણે આઘાત અને આશ્ચર્યથી સ્તબ્ધ બની જઇએ છીએ. કારણ કે મિત્ર તરફથી આવા વર્તનની અપેક્ષા નથી હોતી. પછી એ પ્રસંગને આપણે કદી ભૂલી શકતા નથી અને માફી પણ આપી શકતા નથી. માટે જ શત્રુને માફી આપવી સહેલી છે, પણ મિત્રને માફી આપવી મુશ્કેલ છે. "It is easier to forgive an enemy than to forgive a friend."
- વિલિયમ બેક (વોટ ગોડ ઇઝ) દયા અને ક્ષમા બંનેમાં કોણ ચડે ? તુલસીદાસની પેલી પ્રસિદ્ધ પંક્તિ ‘દયા ધર્મકા મૂલ હૈ'ની દુહાઈ આપીને કોઇ કહેશે કે દયા જ ચડે. તો કોઇ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કે દસ પ્રકારના યતિ ધર્મમાં ક્ષમાનું સ્થાન પ્રથમ છે, મુનિનું બીજું નામ ‘ક્ષમાશ્રમણ’ પણ ક્ષમાની જ મુખ્યતા કહે છે માટે ક્ષમા જ ચડે એમ કહેશે. આમ જોઇએ તો દયા અને ક્ષમા અલગ-અલગ નથી. બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. દયા વગરની ક્ષમા સંભવી શકે ? કદાચ એવી ક્ષમા રાજકારણમાં કે વ્યાપારમાં સંભવી શકે, પણ ધર્મ આવી ક્ષમાને ક્ષમા
ઉપદેશધારા * ૭