________________
‘ગુસ્સો... ક્ષણિક ગાંડપણ છે” એમ ગાંધીજીએ ક્યાંક કહ્યું છે.'
લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ ક્ષણિક ગાંડપણથી બચવું શી રીતે ? ક્યારેય ગુસ્સો ન જ આવે એવું બની શકે ?
જયાં સુધી આપણે છદ્મસ્થ અવસ્થામાં છીએ ત્યાં સુધી ગુસ્સો ન જ આવે એવું તો ન બની શકે. ક્રોધ ઠેઠ નવમા ગુણસ્થાનકે નષ્ટ થાય છે. આ કાળમાં આપણે સાતમાં ગુણસ્થાનકથી આગળ વધી શકીએ તેમ નથી; ગમે તેટલો પ્રયત્ન કરીએ છતાં પણ.
એટલે છદ્મસ્થ અવસ્થામાં ક્રોધ તો આવવાનો જ... પણ હવે આપણે શીખવાનું એ છે કે એનું નિયંત્રણ કઇ રીતે કરવું ? આગ લાગી તો ગઈ જ છે, પણ એને આગળ વધતાં શી રીતે રોકવી ? આગળ વધતી આગ બધું જ બાળતી જાય છે. ક્રોધ પણ મનના વનમાં લાગતી આગ છે. એને જો રોકવામાં ન આવે તો આપણને જ નહિ, બીજાને પણ સળગાવી મૂકે ! આપણું જ નહિ, બીજાનું પણ જીવન ભસ્મીભૂત કરી નાખે.
જયારે ક્રોધ આવે ત્યારે આપણે એક કામ કરી શકીએ તેમ છીએ : મૌન ! ગમે તેટલું મન થાય બોલવાનું, પણ ક્રોધ ધંધવાતો હોય ત્યાં સુધી મારે નથી જ બોલવું, આટલો દઢ સંકલ્પ આપણને ઘણા ઘણા અનર્થોથી બચાવી લેશે.
આપણે એક બોલીશું તો પેલો બે બોલશે ને પછી આપણે ચાર બોલીશું. ઇંટનો જવાબ પત્થરથી, ગાળનો જવાબ ગોળીથી. આ વિષચક્ર ચાલ્યા જ કરશે. કારણ કે આપણે ક્રોધને જ તાકાત માનીએ છીએ ને ? જો કે એ તાકાત નથી, પણ તાકાતનો દુરુપયોગ છે. ખરેખર તો નિર્બળતા જ છે.
ક્રોધાવેશ વખતે બહુ જ બોલવાનું મન થઇ જાય ત્યારે શું કરવું? મૌનના મંદિરમાં ચાલ્યા જવું. ગમે તેટલો ક્રોધ ધમપછાડા કરે, પણ ત્યારે તો ન બોલવું તે ન જ બોલવું. સામો માણસ ભલે
મરજી પડે તેમ બોલે, પણ તમે તો ન જ બોલતા. નહિ બોલશો તો જીતી જશો, બોલશો તો હારી જશો. બોલાયેલા શબ્દના તમે ગુલામ બની જશો... નહિ બોલાયેલા શબ્દોના તમે માલિક રહેશો, લોકોની સહાનુભૂતિના પણ પાત્ર બનશો. યાદ રહે કે લોકો બોલ-બોલ કરનારને નહિ, મૌન ધારણ કરનારનો પક્ષ લે છે. આ તો શાંત છે. અમે નજરોનજર જોયું છે ને ? ઝગડા વખતે આ તો એક અક્ષર પણ ન્હોતો બોલ્યો, બધો જ ગુનો પેલાનો છે. પેલો જ જેમ તેમ બકવાસ કરતો હતો. ખરેખર આ ભાઇએ ગજબની સમતા રાખી.' આવું લોકોના મુખેથી સાંભળવા માંગતા હો તો ઝગડા વખતે મૌન સેવો.
પેલો માણસ ક્યાં સુધી બોલ-બોલ કરશે ? તમારા મૌન સામે એને ઝૂકવું જ પડશે. આગ ક્યાં સુધી બળશે ? લાકડા નાંખશો ત્યાં સુધી જ. લાકડા નાંખવાનું બંધ કરો એટલે આગે શાંત થવું જ પડશે. કુવચનરૂપી લાકડા નાખવાનું બંધ થયું એટલે ગુસ્સાની આગ બૂઝાવાની જ.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : ‘કાંટે કાંટે થાયે વાડ, બોલે બોલે વાધે રાડ.”
કોઇ નવોઢા સ્ત્રી સાસરે આવ્યા પછી વઢકણી થઇ ગઇ ! ઘરમાં બધાની સાથે છાસવારે ને છાસવારે બાઝતી રહેતી ! સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી – બધા જ સાથે. સામે આવ્યો તે મર્યો ! કુટુંબ આખું ત્રાહિમામ્ પોકારી ગયું : આ બલાને આપણે ક્યાંથી લાવ્યા ? કેવી શાણી, શાંત સમજીને આપણે લાવ્યા હતા ને કેવી ઝગડાખોર નીકળી ? ફૂલ સમજીને લાવ્યા હતા તે આજે કાંટો બનીને ભોંકાઇ રહી છે. કોઈનેય સુખેથી જીવવા દેતી નથી. એની જીભમાંથી કાંટા નહિ, કટારી નીકળે છે ! એની જીભ, જીભ નહિ પણ તલવાર છે.
પેલી નવોઢાને પણ ઘણીવાર થતું : સાલું, આ શું થઇ ગયું? પિયરમાં હું કેવી શાંત હતી ? અહીં કેવી ઝગડાખોર બની ગઈ ?
ઉપદેશધારા + ૧૩૬
ઉપદેશધારા + ૧૩૭