________________
કાને પડે તો શું કરવું ? આંખ હોય તો મીચી દઇએ, પણ કાન થોડા મીચાય ? કાનને થોડી પાંપણો છે ?
વેદવ્યાસ કહે છે : નિંદા કરશો તો નહિ જ, સાંભળશો પણ નહિ, નિંદા કરવામાં પાપ છે તેમ સાંભળવામાં પણ પાપ છે. આપણને થશે : પણ કોઇ બોલતું હોય તો આપણે શું કરી શકીએ ? એના શબ્દો તો આપણા કાને પડવાના જ ને ? શું કાનમાં આંગળી ઘાલવી ? વેદવ્યાસ કહે છે : હા...! તમે એવા સ્થાનમાં પહોંચી ગયા હો, જ્યાં તમને નિંદા સાંભળવી પડે તેમ હોય ત્યાં તમે કાનમાં આંગળા નાખી દો.
આપણે વિચારીશું : બધાની વચ્ચે કાનમાં આંગળા ઘાલવા ? કેટલું ખરાબ લાગે ? આના કરતાં બીજો કોઇ ઉપાય નથી ? વેદવ્યાસ કહે છે : તમે કાન બંધ કરી શકો તેમ ન હો તો એ સ્થાનથી રવાના થઇ જાવ, ચાલતી પકડો.
न वाच्यः परिवादोऽयं न श्रोतव्यः कथंचन । कर्णावथ पिधातव्यौ प्रस्थेयं चाऽन्यतो भवेत् ॥
‘કોઇની નિંદા કરવી નહિ, સાંભળવી પણ નહિ. કોઇ કરતું હોય તો કાન બંધ કરી દેવા અથવા ત્યાંથી રવાના થઇ જવું.' વેદવ્યાસ (મહાભારત, શાંતિપર્વ, ૧૩૨/૧૨)
બીજા માણસની જે વાત આપણને ન ગમતી હોય તે ‘નથી ગમતી’ એમ કહેવામાં શું વાંધો છે ? શું એમાં પણ નિંદાનો દોષ લાગે ? વિચિત્ર જગત છે ! વિચિત્ર લોકો છે ! વિચિત્ર વર્તન છે. બધાનું બધું જ ગમે તે જરૂરી નથી. પણ એ બધું જાહેર કરવાનો અર્થ શો ? જે વસ્તુ આપણને ન ગમતી હોય તે વસ્તુ કમ સે કમ આપણામાંથી દૂર કરી નાખવી જોઇએ. આપણને બીજાની વાંકાઇ ન ગમતી હોય તો કમ સે કમ આપણામાંથી તો વાંકાઇ કાઢી જ નાખવી જોઇએ. દલપતરામની પેલી કવિતા (અન્યનું તો એક વાંકું આપના અઢાર
ઉપદેશધારા * ૯૬
છે)માં આવતો પેલો ઊંટ યાદ છે ને ? એ ઊંટને બધે જ વાંકાઇ દેખાઇ. હાથીની સૂંઢ, પોપટની ચાંચ, કૂતરાની પૂંછડી, વાઘના નખ, બગલાની ડોક, ગાયના શિંગડાં વગેરે વાંકા છે, એમ કહેતા ઊંટને શિયાળે કહ્યું : અરે ઊંટભાઇ ! બીજાનું તે એક જ અંગ વાંકું છે, પણ આપના તો અઢારેય અંગ વાંકા છે, એનું શું ?
જ્યારે જ્યારે આપણને બીજાના દોષો દેખાય ત્યારે દલપતરામના આ ઊંટને યાદ કરવા જેવો છે. જ્યારે આપણે બીજા તરફ એક આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણા તરફ ઝૂકેલી હોય છે, એ ભૂલવા જેવું નથી. બીજામાં જે દોષ છે, તેનાથી ત્રણ ગણા દોષ આપણામાં રહેલા છે, એમ ઝૂકેલી ત્રણ આંગળીઓ જણાવે છે.
કોઇ દોષ જો આપણને નથી ગમતો તો નિંદા કરવાથી શો ફાયદો ? આપણી નિંદાથી પેલી વ્યક્તિ કાંઇ દોષ-મુક્ત બની જવાની નથી. આપણને જે જે દોષ ન ગમતા હોય તે તે દોષ આપણા જીવનમાંથી કાઢી નાખવા જોઇએ. એમ કરતાં આપણને કોઇ અટકાવી શકે તેમ નથી. એ માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. જરા વિચારીએ : જે દોષની આપણે નિંદા કરતા હોઇએ, એ જ દોષ આપણામાં હોય તો કેવા લાગીએ ? દલપતરામના પેલા ઊંટ જેવા ન લાગીએ ? શા માટે એ ઊંટ જેવા હાંસીપાત્ર બનવું ? જુઓ, વેદવ્યાસની વાણી :
परेषां यदसूयेत, न तत् कुर्यात् स्वयं नरः ।
यो ह्यसूयस्तथायुक्तः सोऽवहासं निगच्छति ।।
‘જે વસ્તુની માણસ નિંદા કરે, તે જાતે નહિ કરવી જોઇએ. બીજાની તો નિંદા કરે, પણ પોતે તે દોષોથી ભરેલો જ હોય, એ માણસ ઉપહાસ-પાત્ર બને છે.'
- વેદવ્યાસ (મહાભારત, શાંતિપર્વ, ૨૯૦/૨૪) ઉપદેશધારા * ૯૭