________________
લોભનું આધુનિક નામ છે : મહત્ત્વાકાંક્ષા, મહત્ત્વાકાંક્ષા એટલે મોટાઇ મેળવવાનો લોભ. લોભ માત્ર ધનનો જ હોય એવું નથી. સત્તાનો, કીર્તિનો, ખાવાનો વગેરે અનેક વસ્તુઓનો લોભ હોઇ શકે છે. દરેકને કોઇને કોઇ મહત્ત્વાકાંક્ષા હોય જ છે. (મહત્ત્વાકાંક્ષા એકંદરે ખરાબ નથી) ખરેખર તો દરેકમાં મહત્ત્વાકાંક્ષા હોવી જ જોઇએ, પણ એ એવી ન હોવી જોઇએ જેથી બીજાને નુકશાન થાય. મોક્ષની આકાંક્ષા પણ મહત્ત્વાકાંક્ષા જ છે ને ? મોક્ષથી વધુ મોટાઇ બીજે ક્યાં છે ? પણ મુક્તિની આકાંક્ષા તો જ સફળ બને જ્યારે મોટાઈ મેળવવાની ઇચ્છા જ નષ્ટ થઇ જાય. સાંસારિક મહત્ત્વાકાંક્ષામાં બીજાને નાના બનાવીને મોટા થવાની વાત છે. જ્યારે આધ્યાત્મિક મહત્ત્વાકાંક્ષામાં સ્વમાં છૂપાયેલું સ્વત્વ પ્રગટાવવાની વાત છે. આધ્યાત્મિક મહત્ત્વાકાંક્ષાને સ્વના વિકાસમાં રસ હોય છે, બીજાના રકાસમાં નહિ. આત્મ-વિકાસ માટે સહાયક આવી મહત્ત્વાકાંક્ષા તો દરેકમાં હોવી જ જોઇએ. બાકી સાંસારિક મહત્ત્વાકાંક્ષા કોની પૂરી થઇ છે ? મહત્ત્વાકાંક્ષા છે આકાશ જેટલી ને પુણ્ય છે રાઇ જેવડું ! રાઇ જેવડા પુણ્યથી આકાશ જેવડી મહત્ત્વાકાંક્ષા કેવી રીતે પૂરી થાય ? સુભૂમ જેવો ચક્રવર્તી પણ પોતાની છેલ્લી મહત્ત્વાકાંક્ષા (ઘાતકીદ્વીપના છ ખંડ જીતવાની) પૂરી કરી શક્યો નથી ત્યાં બીજાનું શું ગજું ? ૧૦૦માંથી ૯૯ લોકો પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી શકતા નથી. હવે વિચારો. મહત્ત્વાકાંક્ષા પૂરી નહિ થાય તો શું થશે ? માણસ ગુસ્સે થશે. માની લો કે પુણ્યનો સહયોગ મળ્યો અને મહત્ત્વાકાંક્ષા પૂરી થઇ તો શું થશે ? કામ વધશે. કામ એટલે કામનાઓ, ઇચ્છાઓ. એ વધ્યા જ કરશે. જ્યારે મહત્ત્વાકાંક્ષાની નિષ્ફળતામાં ગુસ્સો વધશે. પછી તો સફળતા અને નિષ્ફળતાના ચક્કરમાં માણસ એવો ફસાઇ જાય છે કે મોહ, માયા, માન, અક્કડતા વગેરે બધા જ દોષોથી ઘેરાઇ
ઉપદેશધારા * ૪૪
જાય છે. અરે ક્યારેક મૃત્યુ પણ થઈ જાય છે. આજ વાત મહાભારતકાર આ રીતે સમજાવે છે :
लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रवर्तते । लोभान्मोहश्च माया च मानः स्तम्भः परासुता ॥ ‘લોભથી (લોભ એટલે મહત્ત્વાકાંક્ષા, મહત્ત્વાકાંક્ષાનું જૂનું નામ લોભ છે) ક્રોધ ઉત્પન્ન થાય. લોભથી કામના વધે. લોભથી મોહ, માયા, માન, અક્કડતા અને મરણ પણ આવે.'
- મહાભારત (શાંતિપર્વ, ૧૮/૪) ક્રોધની જેમ લોભ (મહત્ત્વાકાંક્ષા વાંચો)નો પણ એક ભયંકર આવેશ હોય છે. ક્રોધનો આવેશ તો હજુયે દેખાય, પણ લોભનો આવેશ દેખાતો નથી. ક્રોધનો આવેશ સમાજમાં આદરણીય બનતો નથી. પણ લોભનો આવેશ સમાજમાં આદરણીય બને છે. લોભના આવેશવાળો ક્યારેક ઉદ્યોગપતિ તરીકે કે ક્યારેક સત્તાધીશ તરીકે જગતમાં નામના મેળવી લે છે. એટલે માણસને ભાગ્યે જ ખ્યાલ આવે કે આ આવેશ વર્જનીય ગણાયો છે.
ક્રોધ આદિના અંધાપાથી પણ લોભનો અંધાપો ખતરનાક ગણાયો છે. ક્રોધને પાછળ આંખ હોય છે. ભયને આગળ આંખ હોય છે. (એટલે કે માણસ ક્રોધ કર્યા પછી પસ્તાવો કરે છે જ્યારે ભય તો પહેલેથી જ ડરાવે છે) જ્યારે લોભને તો આંખ જ હોતી નથી. આગળ કે પાછળ ક્યારેય પસ્તાવો થતો નથી.
પોતાની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા માણસ શું નથી કરતો ? મહત્ત્વાકાંક્ષી શત્રુને તો મારે પણ મિત્રનેય ન છોડે. સગા ભાઇ કે સગા બાપનેય ન છોડે. કોણિકે શ્રેણિકને જેલમાં પૂર્યો હતો. ઔરંગઝેબે ભાઇને રહેંસી નાખીને બાપ શાહજહાંને કેદમાં પૂર્યો હતો. કુમારપાળને ઝેર આપીને મારનાર સગો ભત્રીજો અજયપાળ હતો. સત્તા-લોભની આ ઘટનાઓ તો ઇતિહાસ પ્રસિદ્ધ છે, પણ
ઉપદેશધારા * ૪૫