________________
*GR,
(♥)
ક્રોધ
क्रोध तुम्हारा प्रबल शत्रु है, बसा तुम्हारे घर में; हो सकते हो उसे जीतकर, विजयी तुम जगभर में । આ પંક્તિઓ એટલે પ્રખ્યાત હિંદી સાહિત્યકાર-કવિ રામનરેશ ત્રિપાઠીનો ક્રોધ વિષેનો દૃષ્ટિકોણ. પણ આપણે આ દૃષ્ટિકોણથી કદી જગતને જોયું જ નથી.
ક્રોધને શીખવવા કોઇ વિદ્યાશાળા નથી, છતાં બધાને એ આવડે છે. નાનું બાળક પણ ક્રોધ કરવામાં હોંશિયાર હોય છે. આશ્ચર્ય એ વાતનું છે કે ન શીખવાં છતાંય ક્રોધ કરતાં આવડે છે ને હજાર વાર શીખવા છતાંય ક્ષમા રાખતા આવડતી નથી.
આજે ઘર-ઘરમાં આગ લાગી છે. માણસની અસહિષ્ણુતા વધી ગઇ છે. વાતે-વાતે માણસનો પિત્તો ફાટે છે. દેરાણી-જેઠાણી કે સાસુ-વહુ તો લડે છે, પણ પિતા અને પુત્ર, ભાઇ અને બહેન, પતિ અને પત્ની પણ પરસ્પર લડે છે, આ ક્રોધના કારણે. બીડી, તમાકુ કે ગુટકાની જેમ કેટલાકને ક્રોધની પણ આદત પડી જાય છે.
જે દિવસે ઝઘડો ન થાય તે દિવસ વ્યર્થ લાગે ! ઝઘડા વગરનો દિવસ એને મીઠા વગરના ભોજન જેવો ફીક્કો ફીક્કો લાગે !
જે ક્રોધે નંદનવન જેવા કેટલાયના જીવનને રેગિસ્તાન જેવું બનાવી દીધું છે, જે ક્રોધે કેટલાય દુર્વાસાઓ, પરશુરામો, દુર્યોધનો
ઉપદેશધારા * ૧૦
અને હિટલરો પેદા કરીને વિશ્વને નરક જેવું બનાવી દીધું છે એ ક્રોધ વિષે પ્રાચીન-અર્વાચીન વિદ્વાનોના ઉદ્ગારો દ્વારા, ચાલો... આપણે પણ થોડું સમજીએ.
પ્રાણી માત્રમાં ક્રોધ તો હોવાનો જ. વનસ્પતિ, પશુ, પક્ષી અને માણસ - બધા પર ક્રોધનું એકછત્રી રાજ્ય છે. બાવળના કાંટાઓ, વીછુ કે સાપના ડંખો વગેરે વનસ્પતિ અને પ્રાણીમાં રહેલા ક્રોધના પ્રતીકો છે.
ક્રોધના સંસ્કારો જન્મોજન્મના છે. આથી જ શીખ્યા વિના નાનો બાળક પણ ક્રોધ કરવામાં હોંશિયાર હોય છે. એટલે ક્રોધ તો હોવાનો જ. સવાલ ક્રોધનો નથી, પણ માણસની નિયંત્રણ-શક્તિ અને વિવેક-બુદ્ધિનો છે.
કૂતરાને પણ ક્રોધ આવે અને માણસને પણ આવે, પરંતુ કૂતરો ત્યાં ને ત્યાં વ્યક્ત કરી દે છે, જ્યારે માણસ પાસે નિયંત્રણ-શક્તિ છે, વિવેક-શક્તિ છે. એ કૂતરાની જેમ નહિ વર્તે. આપણી પાસે જેમ જેમ નિયંત્રણ-શક્તિ વધતી જાય તેમ તેમ સમજવું કે આપણે પશુતાથી ઉપર ઉઠી રહ્યા છીએ. અનિયંત્રિત ક્રોધ આપણને માણસમાંથી કૂતરો બનાવી મૂકે છે. કૂતરા જેવા ન બનવું હોય તો ક્રોધની અગ્નિ તરત જ બુઝાવી દો. જો તમે એમ કરી શકો તો તરત જ મહાત્માની કક્ષામાં આવી જાઓ.
જુઓ, રામાયણના કર્તા વાલ્મીકિ, જેને ઇતિહાસકારોએ આદ્યકવિ તરીકે માનેલા છે, તેમણે રામાયણના સુંદરકાંડમાં કહેલું છે : धन्याः खलु महात्मानः ये बुद्धया क्रोधमुत्थितम् । निरुन्धन्ति महात्मानो दीप्तमग्निमिवाम्भसा ॥
- વાલ્મીકિ (રામાયણ, સુંદરકાંડ-૫૫/૩) ‘જેમ માણસ અગ્નિને પાણીથી રોકે છે, બુઝાવે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા ક્રોધને બુદ્ધિથી રોકનાર મહાત્મા ધન્ય છે.’
ઉપદેશધારા * ૧૧