________________
સમ્યગ્-દર્શનાદિ મોક્ષ સાથે સંબંધ કરાવનારા હોવાથી તેને ‘યોગ’ પણ કહેવાય છે. સમ્યગ્-દર્શનની પ્રાપ્તિ થવાથી આત્માને સ્વસત્તામાં રહેલા પરમસુખની પ્રતીતિ અને આંશિક અનુભૂતિ થાય છે, તેથી તેને ‘દર્શન સમાધિ' પણ કહે છે, એ જ રીતે ‘જ્ઞાન સમાધિ’ અને ‘ચારિત્ર સમાધિ' પણ જાણવી. ચારિત્ર સમાધિના બે પ્રકાર છે. ‘દેશિવરિત સમાધિ’ અને ‘સર્વવિરતિ સમાધિ',
‘દશવૈકાલિકસૂત્ર’માં સમાધિના ચાર પ્રકાર બતાવ્યા છે – વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ. તેમાં વિનયસમાધિ એ સમ્યગ્-દર્શનરૂપ છે. શ્રુતસમાધિ એ સમ્યગ્ જ્ઞાનરૂપ છે અને તપસમાધિ તથા આચારસમાધિ એ સમ્યગ્ ચારિત્રરૂપ છે.
આ રીતે સમાધિને સિદ્ધ કરવામાં યોગ, અધ્યાત્મ અને શાસ્ત્રની પ્રક્રિયા ભિન્ન ભિન્ન હોવા છતાં વસ્તુતઃ તે ત્રણેની એકતા છે.
‘સમાધિવિચાર’માં શાસ્ત્રપ્રક્રિયા પ્રમાણે સમાધિ અને તેના
સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે.
•
સમાધિનું લક્ષણ :
ક્રોધાદિ કષાયો (રાગ-દ્વેષ)નો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવાથી ક્ષાયિક ભાવસમાધિ, ઉપશમ ભાવસમાધિ અને ક્ષયોપશમ ભાવસમાધિ પ્રગટે છે. સર્વ પ્રકારની સમાધિનો સમાવેશ આ ત્રણ સમાધિમાં થઇ જાય છે.
· ભાવનાયોગ દ્વારા સમાધિ :
ક્રોધ, માન એ દ્વેષરૂપ છે. માયા, લોભ એ રાગરૂપ છે. તીવ્ર રાગ-દ્વેષની વૃત્તિઓને શમાવવા ક્ષમાદિ ધર્મોનું પાલન કરવાપૂર્વક અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત બનાવવો જોઇએ, જેથી ચિત્ત નિર્મલ બનતાં પરમાત્મધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત થઇ શકે.
સહજ સમાધિ • ૧૨૨
(૧) અનિત્ય ભાવના :
આ જગતના તમામ પદાર્થો પર્યાયથી ક્ષણભંગુર છે, અસ્થિર છે. પુદ્ગલ પદાર્થમાત્ર વિનશ્વર છે, તો આ શરીર અવિનશ્વર હોઇ શકે ખરું ? કાચી માટીના ઘડા જેવી આ કાયા ઉપર મમત્વ – પ્રેમ કરવો જરીએ યોગ્ય નથી. ક્ષણે ક્ષણે જેની શક્તિઓ ક્ષીણ થતી જાય છે, પળે પળે જેના રૂપરંગમાં ભરતી ને ઓટ આવ્યા કરે છે, એવા આ શરીરના રંગરાગમાં ને ભોગ - ઉપભોગમાં શું મલકાવા જેવું છે ? આ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં કરતાં તો આ જીવ આવા આવા કરોડો શરીર ધારણ કરી કરીને છોડી આવ્યો છે. જન્મ પછી મરણ અનિવાર્ય છે. ક્ષણે ક્ષણે મૃત્યુસમય નજદીક આવતો જાય છે, ભાવમૃત્યુ થતું જાય છે, પણ મોહાધીન આત્મા તે કશું જ વિચારી શકતો નથી. પોતાના સ્વભાવ મુજબ ઉત્પન્ન થતા તન, ધનાદિ પુદ્ગલ પદાર્થો સમય પૂરો થતાં નાશ પામી જાય છે. વસ્તુતઃ આ જીવ કોઇ પણ પુદ્ગલ પદાર્થોનો કર્તા - ભોક્તા નથી, પણ કર્તા - ભોક્તાનો વ્યવહાર થાય છે. (૨) અશરણ ભાવના :
આ સંસારમાં માતા, પિતા, બંધુ કે સ્નેહી-સ્વજનો કોઇ પણ આ આત્માને જન્મ, મરણ અને જરા - વ્યાધિના ભયંકર દુઃખોમાંથી બચાવી શકતા નથી, કોઇ કોઇનો સાથી બનતો નથી, તેમની સાથેનો સંયોગ તૂટી જતાં વિયોગની કારમી વેદના ભોગવવી પડે છે. પંખીમેળાની જેમ ભેગા થયેલા સ્નેહી - સ્વજનો પોતપોતાનું આયુષ્ય પૂરું થતાં પરલોક ભણી ઉપડી જાય છે.
પિતા-પુત્ર, ભાઇ-બહેન કે પતિ-પત્ની આદિના સઘળા સંબંધો અને વૈભવ-વિલાસના વિપુલ સાધનો બધા જ વિનાશી છે, ઇન્દ્રજાલ જેવા છે. મોહમૂઢ પ્રાણીઓ તેને સુખના સાધન માની તેમાં મમતા કરે છે, આસક્ત બને છે અને એના કારણે એ એવા અઢળક અશુભ કર્મોનું ઉપાર્જન કરે છે, જેથી જન્મ - જન્માંતરમાં ભયંકર દુઃખો
સહજ સમાધિ - ૧૨૩