________________
હે ચેતન ! તેઓ માર્ગદર્શક છે. મોક્ષ માર્ગના દાતાર છે. માટે જ શ્રી નમસ્કાર મહામંત્રમાં નમો અરિહંતાણં' પદ દ્વારા સૌ પ્રથમ નમસ્કાર તેમને કરવામાં આવ્યો છે.
શ્રી અરિહંત પરમાત્મા ભવ અટવીમાં સાર્થવાહ છે. અટવીમાં માર્ગ ભૂલેલાને, સાચો માર્ગ બતાવવો એ મહાન ઉપકાર છે. મિથ્યાત્વ અને અજ્ઞાન અંધકારમાં માર્ગ ભૂલેલા જીવો અનાદિકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં ઘેરાયેલા છે. તેથી તેઓ આત્મ કલ્યાણકારી સન્માર્ગને જાણી શકતા નથી. ઉન્માર્ગે ચાલીને અનેક પાપ કર્મો કરી
દુર્ગતનાં ભયંકર દુઃખોથી પીડિત બને છે. જીવોની આ દુર્દશા જોઇને કરુણાના સાગર પરમાત્મા, જે માર્ગે ચાલીને પોતે શાશ્વત, અનંત, સહજ સુખને પામ્યા, તે માર્ગ બધાને પમાડું એવી ‘સવી જીવ કરૂં શાસન રસી'ની મહાન ભાવનાથી તીર્થંકર પદવી પામે છે અને કેવળજ્ઞાન પામીને ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રતિદિન સમોસરણમાં બેસી તેઓ પુષ્કરાવર્તમેઘની જેમ ધર્મ દેશનાનો ધોધ વહાવે છે. પરમાત્માની ધર્મ દેશનાના શ્રવણથી અનેક આત્માઓ બોધિ પામે છે. દેશિવરતિ અને સર્વવરિત પામી મોક્ષ માર્ગના
મુસાફર બને છે. પૂર્ણતાના પંથે પ્રયાણ કરે છે.
ચેતન ! અરિહંત પરમાત્માની ધર્મ દેશનાનું પાન દેવ-મનુષ્ય તો કરે પણ તિર્યંચો પણ કરે છે અને તેનો પ્રભાવ એવો હોય છે કે એ દેશના દ્વારા ભવ્ય જીવોના મનોગત સંશયો નાશ પામે છે. સમ્યક્ બોધની પ્રાપ્તિ થાય છે. તત્ત્વનો નિર્ણય પામે છે. આ રીતે દેશના દ્વારા અરિહંત પરમાત્મા જગતના જીવોને મોક્ષમાર્ગનું દાન કરી મહાન ઉપકાર કરે છે. માટે જ તેઓ જગતના દીપક છે. જગતના જીવોના ચક્ષુ છે. જીવોને જ્ઞાન ચક્ષુ આપનાર છે. જ્ઞાનચક્ષુ દ્વારા તત્ત્વદૃષ્ટિ ખૂલે છે અને તત્ત્વદૃષ્ટિ દ્વારા શાશ્વત સુખના માર્ગને જાણી, તેની શ્રદ્ધા કરી તેના ઉપર ચાલી જીવો શીઘ્ર મુક્તિપદને પ્રાપ્ત કરે છે.
સહજ સમાધિ • ૭૦
તેથી હે ચેતન ! તું પણ સદા અરિહંત પરમાત્માનું ભાવપૂર્વક શરણ સ્વીકારી લે અને તેમના ચીંધેલા માર્ગે ચાલવાનો નિર્ણય કરી, તેમની ભક્તિમાં એકાકાર બની, હૃદયેશ્વર પ્રભુને પ્રાર્થના કર. अन्यथा शरणं नास्ति, त्वमेव शरमं मम । तस्मात् कारुण्य भावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥
હે જિનેશ્વર પરમાત્મા ! તમારા સિવાય મારે કોઇનું શરણ નથી. મારે તો માત્ર આપનું જ શરણ છે. તેથી હે કરુણાસાગર પ્રભુ ! આ શરણાગતિની રક્ષા કરજો, કરુણા લાવી મને આ ભયંકર
ભવાટવીથી પાર ઉતારજો.
(૨) સિદ્ધશરણ :
શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે, ભોગવે રાજ્ય શિવનગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. || ચેતન | ૬ ||
અર્થ :
આઠે કર્મનો સંપૂર્ણ ક્ષય કરી, મોક્ષનગરના મહાન રાજ્યના ભોક્તા, જ્ઞાન અને આનંદથી પરિપૂર્ણ એવા સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારવું.
•
વિવેચન :
સિદ્ધ પરમાત્માનાં જન્મ-મરણ સર્વથા ક્ષીણ થયાં છે. કર્મરૂપી કલંકથી તેઓ રહિત છે. સર્વ પ્રકારની પીડાઓ, દુઃખોથી મુક્ત છે. સંપૂર્ણ જ્ઞાન અને દર્શન તેઓને પ્રગટ થયાં છે. જગતના કોઇ સુખની ઉપમા ન ઘટે તેવા અનુપમ, નિરુપાધિક સુખને તેઓ પામેલા છે અને જેઓ સર્વથા કૃતકૃત્ય છે, તેવા મુક્ત આત્માઓનું ધ્યાન પરમપદ પમાડનાર છે.
મુક્ત-સિદ્ધ પરમાત્માના ગુણોનો પોતાનામાં અભેદ આરોપ કરવો તે પોતાના આત્માને પણ સિદ્ધ સ્વરૂપ થવાનું સામર્થ્ય બક્ષે છે. સહજ સમાધિ * ૭૧