________________
આત્મા, પરમાત્મા, ચેતન શબ્દના અર્થનો બોધ થવો, તે અર્થ અન્યને સમજાવવો, તે એક વાત છે, જ્યારે શબ્દ-બોધ સાથે ભાવથી જાગરણ થવું, ભીતરમાં સંવેદન થવું, અંતરમાં અનુભવ થવો, શબ્દની સ્પર્શના થવી, તે જુદી વાત છે. “માટે ચેતન જ્ઞાન અજુવાળીએ...” - આ પંક્તિમાં જ્ઞાનને પ્રકાશિત કરવા ચેતનને હાકલ કરી છે.
જગતના સર્વ આસ્તિક દર્શનકારોએ, ધર્માત્માઓએ, મહાત્માઓએ, પંડિતોએ, વિદ્વાનોએ, જ્ઞાનની ગરિમા ગાઇ છે. એમાં કોઇ બે મત નથી. વળી કહ્યું છે કે,
“ન હિ જ્ઞાનેન સદેશઃ પવિત્રમિહ વિદ્યતે ।’’
- જ્ઞાનનો મહિમા અપૂર્વ છે; તો આ જ્ઞાન શબ્દ દ્વારા કયું જ્ઞાન ઇષ્ટ છે ?
જ્ઞાનના અનેક પ્રકારો છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાન, અનુભવ જ્ઞાન આવા અનેક પ્રકારો જ્ઞાનના છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ ચેતનને જ્ઞાન અજવાળવા માટે જે ઉપદેશ
આપે છે, તે કયું જ્ઞાન છે ?
- થોકડા બંધ પુસ્તકો વાંચી જવાથી તેમાંથી મેળવેલ વિપુલ માહિતી તે ? કે અમુક ગ્રંથો કે શાસ્ત્રો કંઠસ્થ કરી લેવાં તે ? શું તે જ્ઞાન ઇષ્ટ છે? કોઇપણ વિષયો પર કલાકો સુધી ભાષણો કરવાની શક્તિ કે વિદ્વતાપૂર્ણ નિબંધ લખવાની કે વિશાળ સાહિત્ય સર્જન કરવાની વિશિષ્ટ કળા હસ્તગત થઇ જવી તે જ્ઞાન છે ?
- આત્માને ઉદ્દેશીને થયેલા જે જ્ઞાનની અહીં વાત છે તે કોઇ સમાજ, વિજ્ઞાન, ખગોળ, ભૂગોળ વગેરે વિષયના જ્ઞાનની ન જ હોઇ જ શકે; પણ તે ધર્મશાસ્ત્રોના જ્ઞાનની જ હોય.
તો પછી, જેણે ઘણા ધર્મ ગ્રંથો, અધ્યાત્મના પુસ્તકો વાંચ્યા હોય, ભણ્યા હોય તે મોટા જ્ઞાની અને ઓછા વાંચ્યા હોય, ભણ્યા હોય તે અલ્પજ્ઞાની, તેવી મર્યાદા બાંધી શકાય ખરી ?
સહજ સમાધિ ૦ ૩૬
શબ્દ - જ્ઞાન કે શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું બહોળું હોય, વિશાળ હોય, પણ ભીતરમાં કોરું હોય, વેરાન હોય તો તેવા જ્ઞાનની કોડીની કિંમત નથી. ભીતરમાં, અંતરમાં, ભાવ જાગરણ થાય, અનુભવની આંખ ખુલી જાય. ‘હું કોણ ?’, ‘મારું શું ?’ તેની યથાર્થ શ્રદ્ધા અને સમજણ સાથે પ્રતીતિ થાય, સ્વ-પરની ભેદરેખા બરાબર ઓળખાઇ જાય તે જ્ઞાન જ લાભદાયી છે.
સદ્ગુરુના સમાગમે સહજ રીતે પૂર્ણ શુદ્ધતાનું આવું જ્ઞાન જ્યારે થાય, ત્યારે આત્મ-સ્વભાવ ખીલી ઊઠે, ભેદષ્ટિ દૂર થાય, અંદરનું ઓળખાય, એમાં રહેવા આત્મા તલસે, એ સહજાનંદનો, ચિદાનંદનો આનંદ લૂંટવા, લૂંટાવા માગે. સ્વ-પર શ્રેય સાધક બને.
બાકી કોરા લૂખા શાસ્ત્રજ્ઞાનથી આત્માને શો ફાયદો ? જૈન શાસ્ત્રોમાં ‘નવપૂર્વી’ને પણ અજ્ઞાની તરીકે ઓળખાવ્યા છે. અ-ભવિ જીવ બુદ્ધિના બળથી નવપૂર્વ સુધીનું વિરાટ જ્ઞાન મેળવી શકે છે, પણ તેને સમ્યગ્-દર્શન અર્થાત્ આત્મ-સાક્ષાત્કાર થતો નથી, તેનું કારણ એ જ છે કે, તે આત્મા અને પરમાત્માને બુદ્ધિથી જાણી શકે છે. પણ હૃદયથી તેની શ્રદ્ધા કરીને, તેનો સ્વીકાર કરીને, તેની ઉપાસના કરી શકતો નથી.
જેને તત્ત્વ શ્રદ્ધા, આત્માની સમજ, સાચી સમજ અને જડ ચેતનનું ભેદજ્ઞાન સ્પર્ધું ન હોય, જેનો દેહાધ્યાસ (દેહમાં આત્મબુદ્ધિ) દૂર થયો ન હોય, તે કદાચ શાસ્ત્રજ્ઞાની બની શકે પણ આત્મજ્ઞાની ન જ બની શકે.
આત્મા-પરમાત્માની ઓળખ આપતાં શાસ્ત્રો જાણી લેવા માત્રથી આત્મજ્ઞાન થતું નથી. અહીં જ્ઞાનનો અર્થ માહિતી નહિ પણ અનુભૂતિ છે. કોરું શાસ્ત્રજ્ઞાન કે શબ્દજ્ઞાન નહિ પણ જાત અનુભવ છે. આવો જાત અનુભવ કરનાર, આત્મજ્ઞાનના અનુભવકુંડમાં ઝીલી રહે છે. કહેવાયું છે કે,
સહજ સમાધિ ૦ ૩૭