________________
‘સંયમસ્થાનક’ થાય છે અને તે સહુથી જઘન્ય પ્રથમ સંયમસ્થાનક કહેવાય છે. ત્યાર પછી ષગુણ-હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ અસંખ્યગુણા સંયમસ્થાનકો થાય છે ત્યારે સર્વોત્કૃષ્ટ સંયમસ્થાનક બને છે. તેનું વિસ્તૃત સ્વરૂપ ‘વ્યવહારભાષ્ય’ આદિ ગ્રંથોથી સમજી લેવું.
દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યગુણની અનંતતા પણ આ પ્રમાણે જ સમજવી. જેમ કે, વીર્યગુણ જ્ઞાનાદિ સર્વ ગુણોને જાણવાની પ્રવૃત્તિમાં પ્રેરણા આપે છે, ચારિત્રગુણ સ્થિરતાને સહાય કરે છે.
આ રીતે, અનંત ગુણો પરસ્પર અનંત દાન કરે છે, તે દાન ગુણની અનંતતા સમજવી અને પરસ્પર એકબીજાથી જે સહાય પ્રાપ્ત થાય છે તે લાભગુણની અનંતતા છે. એક વાર ભોગવાય તેને ભોગ કહેવાય છે. પરમાત્મા અનંતા પર્યાયોનો ભોગ કરતા હોવાથી તે ભોગગુણની અનંતતા છે અને જ્ઞાનાદિ ગુણનો વારંવાર ઉપભોગ કરતા હોવાથી તે ઉપભોગ ગુણની અનંતતા છે. અવ્યાબાધ સુખ (આનંદ)ની અનંતતા, નિર્મળતા અને પૂર્ણતાનું સ્વરૂપ ઇંદ્રિયગોચર નથી. પ્રભુના જેવો શુદ્ધ આત્મા જ તેનો જ્ઞાતા અને ભોક્તા બની શકે છે.
અરિહંત પરમાત્માની આજ્ઞા-ઇશ્વરતા પણ અનંત છે. જગતના સર્વ પદાર્થોની પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે થાય છે. પ્રભુનું કેવલજ્ઞાન પણ એ જ રીતે ચાર પ્રકારે પ્રવર્તે છે, એ જ પ્રભુની મહાન રાજનીતિ છે. વિશ્વનો કોઇ પણ પદાર્થ તેનું ઉલ્લંઘન કરી શકતો નથી.
આવી અનુપમ અનંત અપાર સંપત્તિની પ્રાપ્તિ પરમ કરુણાનિધાન પરમેશ્વરનાં નામસ્મરણ અને (દ્રવ્ય-ભાવ) પૂજન દ્વારા થઇ શકે છે; તેથી શુદ્ધ આશયપૂર્વક નિરાશંસભાવે પ્રભુનું સ્મરણ અને પૂજન કરવું જોઇએ. દ્રવ્યપૂજા પણ ભાવપૂજાને ઉત્પન્ન કરનાર હોવાથી આદરણીય છે. પ્રભુના વિરહમાં પ્રભુપ્રતિમાનું પૂજન કરવાનું શાસ્ત્રીય વિધાન છે, કારણ કે જિનપ્રતિમાને શાસ્ત્રોમાં જિન સમાન માની છે. જિનાગમોમાં પ્રભુવંદનનું, પ્રતિમાપૂજનનું કે મહાવ્રત સંયમપાલનનું જે હિત, સુખ અને મોક્ષરૂપ ફળ બતાવ્યું છે, તે એકસરખું છે, માટે દ્રવ્યપૂજા પણ પરમતત્ત્વની ઉપાસના * ૬૨
શુદ્ધતાપૂર્વક અવશ્ય કરવી જોઇએ, જેથી આત્મામાં સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થાય.
દ્રવ્યપૂજામાં થતી સ્થાવરની હિંસા એ ભાવહિંસા નથી કારણ કે આત્મગુણની વૃદ્ધિરૂપ ભાવદયાનું તે કારણ છે અને ભાવદયા એ મોક્ષનું કારણ છે. જિનાગમોમાં દ્રવ્યહિંસાને ભાવહિંસાનું કારણ માન્યું છે તે વિષય-કષાયના અર્થે થતી હિંસા છે. પરંતુ પ્રભુગુણનું બહુમાન કરનાર વ્યક્તિને પુષ્પપૂજા વખતે થતી સ્વરૂપહિંસા એ ભાવહિંસાનું કારણ ન હોવાથી અનુબંધહિંસા નથી. માટે આત્માર્થીઓએ પ્રભુપૂજા ભાવોલ્લાસપૂર્વક કરવી જોઇએ.
આત્મસાધનાનું પ્રથમ સોપાન પ્રભુપૂજા છે. તેનાથી ત્રણે યોગની સ્થિરતા થાય છે. ત્યાર પછી અનુક્રમે સ્તોત્રપૂજા, જાપ, ધ્યાન અને લય અવસ્થા પ્રાપ્ત થાય છે અને તેના સતત અભ્યાસથી અનુક્રમે આત્મતત્ત્વનો અનુભવ અર્થાત્ સાક્ષાત્કાર થાય છે.
બચવું કેમ ?
મરણથી બચવા જોષ જોવડાવે તો બચાય ?
રોગ મુક્તિ માટે જોષ જોવડાવે તો બચાય ?
ધન પ્રાપ્તિ માટે જોષ જોવડાવે તો ધન પ્રાપ્તિ થાય ?
સંતાન તૃપ્તિ માટે જોષ જોવડાવે તો સંતાન પ્રાપ્તિ થાય ? એ સર્વ પૂર્વ પ્રારબ્ધ પર આધારિત છે. છતાં શા માટે જીવ જોષ જોવડાવે છે ? એ સર્વ પ્રકારોમાં નિરાધારતા છે. એક ધર્મનો આધાર જ જીવને રક્ષિત કરે છે.
પરમતત્ત્વની ઉપાસના * ૬૩