________________
પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હો... પ્રગટે ગુણરાશ | ‘દેવચંદ્ર'ની સેવના, આપે મુજ હો... અવિચલ સુખવાસ |
ઋષભ || ૬ ||
આ રીતે શ્રી અરિહંત પરમાત્માનું આલંબન લેવાથી પોતાની અનંતગુણ પર્યાયમય પ્રભુતા પ્રગટે છે. ખરેખર ! દેવોમાં ચંદ્ર સમાન શ્રી અરિહંત પરમાત્માની સેવા-ભક્તિ મને અવિચલ સુખવાસ એટલે મોક્ષપદ આપનાર છે.
‘દેવચંદ્ર’ પદથી સ્તુતિકર્તાએ પોતાનું નામ પણ સૂચવ્યું છે. આગળ પણ એ જ રીતે સમજવું.
પ્રથમ સ્તવનનો સાર :
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવને પરમ પુણ્યોદયે મહાદુર્લભ મનુષ્યભવ મળે છે ત્યારે જ ધર્મની વાસ્તવિક પ્રાપ્તિ થઇ શકે છે.
જન્મ, જરા, મરણ અને આધિવ્યાધિની અસહ્ય યાતનાઓ ભોગવતાં ભોગવતાં આ જીવનો અનંત પુદ્ગલ-પરાવર્તન કાળ પસાર થઇ ગયો. છતાં ધર્મની પ્રાપ્તિ વિના ભવભ્રમણનું દુઃખ ટળ્યું નથી, અને આત્માનું અવિનાશી સુખ મળ્યું નથી.
શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જિનેશ્વરની ભક્તિથી થાય છે અને જિનભક્તિ જિનેશ્વર પ્રત્યેની પ્રીતિથી પ્રગટે છે. માટે સૌ પ્રથમ પરમાત્મા પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરવી જોઇએ .
નિર્વિષ પ્રીતિ-નિઃસ્વાર્થ પ્રેમ એ પરસ્પરના નિખાલસ વ્યવહારથી થાય છે અને તે વ્યવહાર પ્રીતિપાત્ર વ્યક્તિઓનાં મિલન અને લાંબા સમયના સહવાસથી થઇ શકે છે.
પરમાત્મા આપણા આ મર્ત્યલોકથી સાતરાજ દૂર સિદ્ધિગતિમાં બિરાજે છે, અને આ ભક્ત ભરતક્ષેત્રમાં રહે છે... તો પરમાત્મા સાથે મેળાપ થયા વિના પ્રીતિ કેવી રીતે કરી શકાય ? પ્રભુ જે સ્થાનમાં રહ્યા છે, ત્યાં પત્ર કે સંદેશવાહક પહોંચી શકતા નથી, અને જે કોઇ પરમતત્ત્વની ઉપાસના * ૬
મુક્તિપુરીમાં જાય છે, તેઓ પણ ભક્તના સંદેશને કહેતા નથી, કારણ કે ત્યાં જનાર પોતે પ્રભુતામય, અયોગી, વીતરાગ જ હોય છે.
પ્રભુ સાથે પ્રેમ કરવા તલસતો ભક્તાત્મા પોતાની અને પ્રભુની વચ્ચે જે મોટું અંતર પડેલું છે, તેનો વિચાર કરે છે :
દ્રવ્યની અપેક્ષાએ પ્રભુ નિર્મળ જ્ઞાનાદિ સ્વ-ગુણ પર્યાયનાં ભોગીશુદ્ધ દ્રવ્ય છે અને હું પુદ્ગલ ભાવનો ભોગી અશુદ્ધે દ્રવ્ય છું.
ક્ષેત્રની અપેક્ષાએ પ્રભુ લોકના અંતે સિદ્ધશિલા ઉપર સ્વપ્રદેશાવગાહી છે અને હું સંસારક્ષેત્રી, શરીર-અવગાહી છું.
કાળની અપેક્ષાએ પ્રભુ સાદિ અનંત સ્થિતિવાળા છે અને હું અનાદિ કાળથી સંસારમાં જ ભમી રહ્યો છું.
ભાવની અપેક્ષાએ પ્રભુ રાગદ્વેષરહિત છે અને હું રાગી અને દ્વેષી છું. પ્રેમ તો બંને પાત્રો પરસ્પર સમાન, અને બંને પ્રેમ કરવા ઇચ્છતા હોય, તો જ થઇ શકે. પ્રભુ ! આપ તો નીરાગી છો. કોઇ પ્રત્યે પ્રેમ કે દ્વેષ ધરાવતા નથી. તો આપ જેવા વીતરાગ પ્રભુ સાથે મારે પ્રીત કઇ રીતે કરવી ?
પ્રભુપ્રેમ માટે વિલ બનેલા સાધકને આશ્વાસન આપતાં શાસ્ત્રવેત્તા સદ્ગુરુઓ પ્રભુપ્રેમના મહાન રહસ્યને સમજાવતાં કહે છે કે, વીતરાગ સાથેની પ્રીતિ એ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે અને તે સર્વ યોગોનું ઉત્તમ બીજ છે.
રાગી સાથે પ્રીતિ કરવાથી રાગની વૃદ્ધિ થાય છે. અને રાગની વૃદ્ધિ થવાથી ભવની વૃદ્ધિ થાય છે. જ્યારે વીતરાગની પ્રીતિ પ્રશસ્ત છે. પ્રભુની પ્રીતિથી જ વૈરાગ્ય જવલંત બને છે.
આત્માનું સત્ત્વ વિકાસ પામે છે, અને ક્રમશઃ સંસારનો ઉચ્છેદ થાય છે.
આ જીવ અનાદિકાળથી શરીર, સ્વજન, ધન વગેરેના ઇષ્ટ સંયોગો ઉપર ગાઢ પ્રીતિ ધારણ કરતો આવ્યો છે, પણ તે પ્રીતિ વિષ ભરેલી છે. ઇષ્ટ વિષયોની આશા અને આસક્તિ આત્મગુણોની ઘાતક છે. વીતરાગ પરમાત્મા સાથે પણ બાહ્ય સુખની અભિલાષાથી જો પ્રીતિ
પરમતત્ત્વની ઉપાસના * ૭