________________
પૂજયશ્રીએ કહ્યું : ભંડારનાં પુસ્તકોનો માત્ર સંગ્રહ કરવા માટે જ સંગ્રહ નથી કરતો, કોઇને ઉપયોગમાં આવે, માટે સંગ્રહ કરાય છે. પં. મુક્તિવિજયજીએ પણ ભાવિ પ્રજાને કામ લાગે માટે જ સંગ્રહ કર્યો છે. જરૂર વખતે પણ સંગૃહીત પુસ્તકો કામ નહિ લાગે તો આખરે ઊધઇને ખાવા કામ લાગશે.
પૂજયશ્રીની આવી સમજાવટથી આખરે પુસ્તકો આપ્યાં.
મહા સુદ-૭-૮-૯, રાધનપુર, અહીં એક બેન (મયૂરીબેન સેવંતીલાલ)ની મહા સુદ-૯ ના દીક્ષા થઇ. નામ પડ્યું : સા. મોક્ષરત્નાશ્રીજી.
અહીં પૂ.આ.શ્રી વિજયવિક્રમસૂરિજી, પૂ.આ.શ્રી જયંતસૂરિજી (પૂજયશ્રીએ ગૃહસ્થપણામાં આ મહાત્મા પાસેથી નિયમો ગ્રહણ કર્યા હતા) આદિને જૈનશાળામાં વંદનાર્થે પૂજ્યશ્રી પધાર્યા હતા.
દીક્ષા પ્રસંગે પૂ. રાજયશવિજયજીએ (હાલ આચાર્ય) ટૂંકું પ્રવચન આપ્યું હતું.
મહા સુદ-૧૨-૧૩-૧૪, શંખેશ્વર, પૂજ્યશ્રીએ ત્રણ દિવસ પ્રભુની ખૂબ જ ભક્તિ કરી. પૂજયશ્રીને શંખેશ્વર પર પરમ આસ્થા હતી. કચ્છમાં જતાં કે આવતાં શંખેશ્વર તો હોય જ. તે વખતે મોટા ભાગે મણિયારના ઉપાશ્રયમાં ઊતરવાનું થતું. પછીથી જીવતલાલ પ્રતાપશી હોલમાં ઊતરવાનું થતું.
મહા વદ-૪-પ-૬, લીંચ, અહીં મહા વદ-૫ ના કેવળીબેન (સા.નવરત્નાશ્રીજી) ઊર્મિલાબેન (સા. નયદર્શનાશ્રીજી)ની દીક્ષા તથા સાંતલપુરમાં દીક્ષિત થયેલાઓની વડી દીક્ષા થઇ.
મહા વદ-૭, મહેસાણા, અહીં ૧૦૧ વર્ષના પૂ.આ.શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી વિ. ઓં કારસૂરિજી તથા પૂ. મુનિ શ્રી યશોવિજયજી આદિ મળ્યા. - પૂ. ઓંકારસૂરિજીના આગ્રહથી માંડલી-વંદન આદિ વ્યવહાર શરૂ થયો. (એ પહેલાં બંધ હતો.),
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૪૬
પૂ.આ. શ્રી ભદ્રસૂરીશ્વરજી (પૂ. દાદાશ્રી જીતવિ. દ્વારા દીક્ષિત થયેલા હતા.) આંખે દેખતા નહોતા. એ બધાને પોતાની જૂની વાત કરતાં કહેતા : “સંસારીપણામાં મારું નામ ભોગીલાલ. હું બધાથી નાનો” વગેરે.
ત્યાર પછી પણ આ આચાર્યશ્રી બે વર્ષ સુધી જીવિત રહ્યા હતા.
મહા વદ-૧૦-૧૧, પાનસર તીર્થ, મહા વદ-૧૧ ના અહીં ત્રણ વડી દીક્ષાઓ થઇ.
ફા.સુદ પ્ર.-૧, અમદાવાદ (શાંતિનગર), અહીં પૂ.આ. શ્રી વિજયમુક્તિચન્દ્રસૂરીશ્વરજી આદિ મળ્યા.ખૂબ જ ભક્તિ કરી. સાંજે બધા મુનિઓને હિતશિક્ષા આપતાં પૂ. મુક્તિચન્દ્રસૂરિજીએ પૂ. નેમિસૂરિજી વગેરે સાધુઓને ભણાવવા કેવી મહેનત કરતા ? વગેરે જણાવ્યું. પૂ. સાગરજી મહારાજનું પ્રવચન કેટલું અર્થગંભીર રહેતું વગેરે જણાવીને સાધુઓને ખૂબ જ ભણાવવા જોઇએ, એમ કહેતાં વચ્ચે ટોણો મારતાં કહ્યું : પણ, તમારે વધારે ભણાવવાની શી જરૂર છે ? આખરે તો વાગડ જ સંભાળવાનું છે ને ? (એમનો કહેવાનો મતલબ એવો હતો કે વાગડ જ સંભાળવાનું છે, માટે ભણવાની શી જરૂર ? એમ માનીને ભણવામાં ઇતિશ્રી માની લેવી જોઇએ નહિ.).
ત્યારે પૂ. સુધાંશુવિજયજીના ભગવતીના જોગ ચાલતા હતા. તેમની ગોચરી વધી એટલે અમારા સૌની ભક્તિ કરી. પછી સાંજે પૂ.આ.વિ. મુક્તિચન્દ્રસૂરિજીએ કહેલું કે “પ્રાપૂર્ણક મુનિઓ આવે ત્યારે તેમને પ્રાયોગ્ય ગોચરી ‘વધવી જોઇએ.” અમે સૌ એમની ભક્તિનો પ્રકાર સમજી ગયા.
ફા.સુદ-૧-૨-૩, અમદાવાદ (વિદ્યાશાળા), અહીં પૂજ્યશ્રીએ આસપાસના લગભગ બધા ચૈત્યોને જુહાર્યા. પૂજ્યશ્રી જિનભક્તિના ખૂબ રસિયા હતા. તેમાંય અમદાવાદ આવવાનું થાય ત્યારે જગવલ્લભ, મૂળિયા અને મહાવીર સ્વામી - આ ત્રણ ચૈત્યોમાં જાય જ.
અહીં આગમપ્રજ્ઞ પૂ. માનતુંગસૂરિજી, પગથિયાના ઉપાશ્રયે પૂ. ભક્તિસૂરિજી (પૂ. ક્ષમાભદ્રસૂરિજીના) તથા અન્યત્ર પૂ. માનદેવસૂરિજી, પૂ. મલયચન્દ્રસૂરિજી આદિ મળેલા.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૪૭