________________
પૂ. દાદાગુરુ શ્રી કનકસૂરિજી મ.ની નિશ્રામાં આધોઇ (કચ્છવાગડ) ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન આદિના જોગ થયા. આ જોગમાં તબિયત ખૂબ જ બગડી. ટી.બી.ની ભયંકર બિમારીમાં પૂજ્યશ્રી કેટલાય દિવસો સુધી રહ્યા. (આ અગાઢ જોગમાંથી જો નીકળી જવાય તો તે ફરીથી થઇ શકે નહિ. માટે પૂ. કનકસૂરિજીએ દીર્ધદષ્ટિ વાપરીને આવી ગંભીર સ્થિતિમાં પણ યોગોવહનમાં જ રહેવા દીધેલા.) આ વખતે આઠ દિવસમાં પલાંસવાના વૈદ્ય શ્રી સોમચંદભાઇના છાસના ઉપચારથી પૂજયશ્રીનું સ્વાથ્ય સુધર્યું.
આ માંદગી વખતે પૂજયશ્રી મૃત્યુની નજીક પહોંચી ગયા હતા. ચાતુર્માસમાં દશેરાથી વણવીર છેડા તરફથી ઉપધાન તપ શરૂ થયેલા.
આ ચાતુર્માસમાં સાધ્વીજીઓનાં પણ ઉત્તરાધ્યયન-આચારાંગના યોગોદ્વહન થયેલાં. પૂજયશ્રીએ આ ચાતુર્માસ દરમ્યાન દાદાગુરુ પૂ. કનકસૂરિજી (પૂજયશ્રીએ પૂ. કનકસૂરિજીની નિશ્રામાં દીક્ષા પછી માત્ર બે જ ચાતુર્માસ કર્યા છે; માંડવી તથા આધોઇમાં) પાસે અનુયોગદ્વાર, યોગદૃષ્ટિ સમુચ્ચય આદિ યોગગ્રંથો તથા જયોતિષ આદિનું અધ્યયન કર્યું. વિ.સં. ૨૦૧૭-૧૮, ઇ.સ. ૧૯૬૧-૬૨, જામનગરમાં બે ચાતુર્માસ રહીને ઉપાધ્યાય શ્રી વ્રજલાલજી પાસે રત્નાકરાવતારિકા, પડ્રદર્શન સમુચ્ચય, સ્યાદ્વાદમંજરી આદિ ન્યાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો.
એક વખત ચાર ડિગ્રી તાવ આવી ગયેલો, છતાં પૂજ્યશ્રીએ પાઠ નિયમિતપણે ચાલુ રાખેલો. શ્રમણ-સંસ્કૃત-પાઠશાળા વિષે પૂજ્યશ્રીએ તે વખતે લખેલો અભિપ્રાયનો પત્ર આજે પણ ત્યાં વિદ્યમાન છે.
પૂજયશ્રીએ સાધન ગ્રંથોમાં અભિધાન ચિન્તામણિ નામમાલાના ૮૦૦ શ્લોકો, હૈમલઘુપ્રક્રિયા, ધાતુપાઠ, સાવચૂરિક પ્રમાણ નયતત્ત્વાલોકાલંકાર વગેરે કંઠસ્થ કર્યું હતું.
પ્રથમ ચાતુર્માસ દિગ્વિજય પ્લોટમાં થયેલું. ત્યાંના આગેવાન શ્રાવક, ચાંદી બજરના રાજા, કોંગ્રેસી નેતા, ઉદાર હૃદયી પ્રેમચંદ વીજપારની વિનંતીથી વ્યાખ્યાનમાં અધ્યાત્મસાર તથા કુમારપાળ ચરિત્રનું
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. + ૧૨૬
વાંચન કરેલું. પ્રતિદિન શ્રોતા તરીકે પ્રેમચંદભાઇ હાજર રહેતા. એમને પૂજ્યશ્રીનાં પ્રવચનો ખૂબ જ ગમી ગયેલાં.
અહીં પંડિતજી વ્રજલાલ દરરોજ ભણાવવા આવતા. ચાતુર્માસ પછી લગભગ રોષકાળ શાંતિભવનમાં ગાળ્યો.
વચ્ચે જૂનાગઢ તરફ જવાનું થયેલું ત્યારે માંગરોળનો એક પ્રસંગ યાદગાર (!) બની ગયો.
માંગરોળ પાસેના કોઇ ગામમાં પૂજ્યશ્રી વગેરે પાંચેય મુનિઓ ૩૨ કિ.મી.નો લાંબો વિહાર કરીને પહોંચેલા. માણસ તો સાથે હોય નહિ ને પૂર્વ સૂચનાનો તો સવાલ જ પેદા નથી થતો. થાક્યા-પાક્યા સૌ ત્યાં પહોંચ્યા, પણ ત્યાં ન એકેય જૈનનું ઘર કે ન ઊતરવાની કોઇ સુવિધા ! ખૂબ મહેનત પછી પૂ. મુનિશ્રી કમળવિજયજીએ ઊતરવા માટે દુકાન શોધી કાઢી. ગોચરી માટે પણ તેઓ જ નીકળી પડ્યા. ઘણું ફર્યા છતાં પાંચ જણ વચ્ચે માત્ર એક રોટલો અને એક તપણી છાસ મળી. સૌએ એટલાથી પ્રસન્નતાપૂર્વક ચલાવી લીધું. પૂજયશ્રી ઘણી વખત આ પ્રસંગને યાદ કરતા અને મુશ્કેલી સહવામાં કેવી મજા હોય છે ? સંયમ જીવનમાં કેવું સત્ત્વ ખીલે છે ? વગેરે બતાવતા.
બીજું ચાતુર્માસ પાઠશાળામાં કરેલું. અહીં વૈરાગ્યકલ્પલતા તથા ઉત્તરાધ્યયન પર પ્રવચન રહ્યાં. રાત્રે તત્ત્વજ્ઞાન ક્લાસ અહીંથી શરૂ થયા. નવતત્ત્વથી માંડી ત્રીજા કર્મગ્રંથ સુધીના પદાર્થો રાત્રિતત્ત્વજ્ઞાનમાં ચાલ્યાં હતાં. વિદ્યાર્થી છેલ્લે સુધી ટકી રહ્યા.
અમૃતલાલ કાળીદાસ પણ આ ક્લાસમાં આવતા.
પૂજય કનકસૂરિજીની આજ્ઞા આવવાથી ચાતુર્માસ પુરું થતાં કચ્છ તરફ વિહાર થયો.
વિ.સં. ૨૦૧૯, ઇ.સ. ૧૯૬૩, વૈશાખ મહિને ભચાઉ (કચ્છ) મુકામે પૂ. દાદા ગુરુદેવ શ્રી વિજયકનકસૂરિજીના ચરણોમાં ઉપસ્થિત થયા.
બાપજી મ.સા.ના સમુદાયના પૂ.પં. ભદ્રંકરવિજયજી (પાછળથી આચાર્ય) પણ પૂ. કનકસૂરિજી સાથે ભચાઉ ચાતુર્માસ કરવા પધારેલા.
કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૨૭