________________
પૂ.પં. મુક્તિવિજયજી પૂ. કનકસૂરિજીનાં પ્રથમ શિષ્ય હતા. સંસ્કૃતના વિદ્વાન હતા. અભિધાન ચિંતામણિ નામમાલા તથા પ્રાકૃત વ્યાકરણ પર તેમની માસ્ટરી હતી. મોટી ઉંમરે પણ આ બંનેનો સ્વાધ્યાય કરતા.
કોઇ પણ ગ્રંથ વાંચતાં તેઓશ્રી તે ગ્રંથની અશુદ્ધિઓ દૂર કરી તેની નોટ બનાવતા, આવી ૧૭ નોટો સાંતલપુરના ભંડારમાં પડી છે. ગ્રંથોના પુનઃ મુદ્રણ પ્રસંગે આ નોટો ઉપયોગી પણ બની છે.
જ્ઞાનભંડાર પર તેમનો પ્રેમ અદ્ભુત હતો. પુસ્તકો મેળવવાં, પૂંઠા ચડાવવાં, લિસ્ટ બનાવવું - એ તેમનું પ્રિય કામ હતું. એમાં તેમની નિપુણતા પણ અદ્ભુત હતી, જે સાંતલપુર વગેરેના જ્ઞાનભંડારોમાં આજે પણ જોવા મળે છે.
પૂજ્યશ્રીએ આ મહાત્મા પાસેથી અભિધાન કોશ, પાંડવચરિત્ર વાંચન વગેરે અભ્યાસ કર્યો.
અષાઢ સુ.૧૪ ના પ્રતિક્રમણ પછી ભૂકંપનો ભયંકર આંચકો આવેલો. પણ લાકડીઆમાં કશું નુકસાન થયું નહોતું. ધમડકા ગામ સાફ થઇ ગયેલું તથા અંજારમાં પણ ત્યારે પુષ્કળ નુકસાન થયેલું.
વિ.સં. ૨૦૧૩, ઇ.સ. ૧૯૫૩, કચ્છ-ભુજપુર ચાતુર્માસાર્થે પધારેલા પૂ.પં. ભદ્રંકરવિજયજી સાથે માંડવીમાં સર્વ પ્રથમ મિલન થયું, જેમણે પૂજયશ્રીને પૂ. હરિભદ્રસૂરિજીના ગ્રંથો વાંચવાની ખાસ ભલામણ કરી. આથી પૂજ્યશ્રીએ સંસ્કૃત પર પ્રભુત્વ મેળવી વિ.સં. ૨૦૧૫માં કેટલાક યોગગ્રંથો પૂ. મુનિશ્રી તત્ત્વાનંદવિ. પાસે વાંચ્યા.
આ વર્ષે પ્રથમ વખત પૂ. આચાર્યશ્રી વિજયકનકસૂરિજી મ.સા.ની નિશ્રામાં માંડવી મુકામે ચાતુર્માસ થયું. પૂ. કનકસૂરિજી પાસે દસવૈકાલિક ટીકા વાંચી.
દરિયાકિનારે રહેલ અજિતનાથ ભગવાનના દેરાસરે પૂજ્યશ્રી ભક્તિ-ધ્યાન-કાયોત્સર્ગ વગેરે કરવા જતા..
ચાતુર્માસ દરમિયાન એક વખત પૂ. કનકસૂરિજી પાસે અન્ય કોઈ ગ્રંથ વાંચવા પૂજયશ્રી ગયા ત્યારે આચાર્યશ્રી બોલ્યા : “હવે ક્યાં સુધી
પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. • ૧૨૪
પરાવલંબી રહેવું છે ? જાતે વાંચતાં શીખો. ન બેસે, અટકી જાવ, ત્યાં મને પૂછી લેજો .’
ત્યારથી પૂ. આચાર્યશ્રીના આશીર્વાદથી પૂજયશ્રી જાતે સંસ્કૃત ગ્રંથો વાંચતાં શીખ્યા.
વિ.સં. ૨૦૧૪, ઇ.સ. ૧૯૫૮, માંડવી ચાતુર્માસ પછી કચ્છની પંચતીર્થી કરી.
પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી અમૂલખભાઇ પાસે વઢવાણ ચાતુર્માસ કર્યું. (ત્યાં રતિલાલ જીવણલાલભાઇ નામના સુશ્રાવક તરફથી શ્રમણ-સંસ્કૃતપાઠશાળા ચાલતી હતી, જેમાં અમૂલખભાઇ અધ્યાપક હતા.) અહીં પંચસંગ્રહ, કર્મસાહિત્ય આદિનું અધ્યયન કર્યું. ઉપાશ્રયની બાજુના પ્રાચીન દેરાસરમાં ધ્યાન વગેરે માટે જતા.
વિ.સં. ૨૦૧૫, ઇ.સ. ૧૯૫૯, વઢવાણ ચાતુર્માસ પછી પૂજયશ્રી આદિ વિરમગામમાં હતા. બીજા દિવસે પૂ. પ્રેમસૂરિજી વગેરે પંચાવન મુનિઓ આવવાના હતા, ત્યારે ગોચરીનો સંપૂર્ણ લાભ કમળવિજયજીએ તથા પાણીનો સંપૂર્ણ લાભ પૂજ્યશ્રીએ લીધેલો.લગભગ ૫૦-૫૫ જેટલા ઘડા પૂજયશ્રી એકલા લાવેલા.
પૂ.આ. શ્રી વિજયકનકસૂરિજી મ.ની આજ્ઞાથી પૂ. પ્રેમસૂરિજી મ.ની નિશ્રામાં પંચાવન સાધુઓની સાથે સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ થયું. આ ચાતુર્માસમાં પૂ. કાન્તિવિજયજી પાસે વિશેષાવશ્યક ભાષ્ય તથા પૂ. ગુણરત્નવિજયજી (પછીથી આચાર્ય) પાસે મુક્તાવલી આદિનું અધ્યયન કર્યું. આ વખતે યોગગ્રંથોનું વાંચન તથા તત્ત્વગોઠી વગેરે પૂ. તત્ત્વાનંદવિજયજી સાથે થતું. (I/ કલાપૂર્ણમ્ // સ્મૃતિગ્રંથ, ભાગ-૧, સ્મરણયાત્રામાં વિ.સં. ૨૦૧૪નું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં તથા ૨૦૧૫નું ચાતુર્માસ વઢવાણમાં બતાવ્યું છે, તે ભૂલ છે.)
વિ.સં. ૨૦૧૬, ઇ.સ. ૧૯૬૦, વૈશાખ મહિને હલરા (કચ્છવાગડ)માં નૂતન જિનાલયમાં પૂ. કનકસૂરિજી મ.ની નિશ્રામાં આદિનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા થઇ.
કચ્છ વાગડના કણધારો ૨ ૧૨૫