________________
સર્વ સ્વજનોની સંમતિપૂર્વક આનંદ અને ઉલ્લાસ સાથે માતા મૂળીબેને પુત્ર ગોપાળજી પર પોતાનો હાથ મૂકતાં કહ્યું : “બેટા ! તું મારા હૈયાનો હાર છે, મારી આંખોની કીકી છે, પણ હવે તું જઇ રહ્યો છે તો મારું કહેવું છે કે તું જિનશાસનનો હાર બનજે, સમુદાયનો દીપક બનજે.”
ખરેખર માતાના આશીર્વાદને આ ગોપાળજીએ અક્ષરશ: સત્ય બનાવ્યા હતા - એવું જીવન જીવીને.
એ વર્ષે પૂ. ગુરુદેવશ્રી હીરવિજયજી મ., પૂ. ગુરુવર્ય પં. શ્રી કનકવિજયજી મ. વગેરે રાધનપુર ચાતુર્માસ બિરાજમાન હતા. સ્વજનો સાથે ગોપાળજીભાઇ ત્યાં દીક્ષાનું મૂહૂર્ત કઢાવવા ગયા. પૂ. હીરવિજયજી મ.ને દીક્ષા પર પધારવા વિનંતી પણ કરી. પૂજય હીરવિજયજી મ.એ કહ્યું : “વિ.સં. ૧૯૮૩, પોષ વદ-૫, રવિવારે દીક્ષાનું મુહૂર્ત આપું છું. ખૂબ ઉલ્લાસપૂર્વક દીક્ષા સ્વીકારજો .” “આપે પધારવું પડશે.” એવી વિનંતીના જવાબમાં પૂજ્ય હીરવિજયજીએ કહ્યું : જુઓ ભાઈ, હું તો વૃદ્ધાવસ્થાના કારણે આવી શકું તેમ નથી, પણ મારા ઉત્તરાધિકારી એ. શ્રી કનકવિજયજી તમારે ત્યાં આવશે ને દીક્ષા આપશે.
પૂ.પં. શ્રી કનકવિજયજી મ.નો લાકડીયામાં સસ્વાગત પ્રવેશ થયો. મોટા મહોત્સવપૂર્વક ગોપાળજીની નિયત સમયે દીક્ષા થઇ. નામ પડ્યું : મુનિ શ્રી દીપવિજયજી. ગુરુદેવ બન્યા : પૂ.પં. શ્રી કનકવિજયજી મ. (પૂ. કનકસૂરિજી મ.)
દીક્ષા પછી થોડા દિવસના રોકાણ પછી વિહાર કરી નૂતન દીક્ષિત સાથે સૌ વિહાર કરી રાધનપુર પૂ. હીરવિજયજી મ. ના ચરણોમાં પહોંચ્યા.
ચૈત્ર વદ-૩, સમી ગામમાં વડી દીક્ષા થઇ.
મુનિશ્રી દીપવિજયજી ખરેખર શાસન દીપક જ હતા. તેજના કિરણોથી દીપક શોભે તેમ ગુણ સમૂહથી મુનિશ્રી શોભી રહ્યા હતા. વિનય, ભક્તિ, અષ્ટપ્રવચન માતાનું પાલન, સરળતા, તપ-ત્યાગ, વિધિ તત્પરતા, પરોપકાર, ક્રિયારૂચિ, નિર્મળ બ્રહ્મચર્ય વગેરે અનેક ગુણો તેમનામાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યા હતા.
પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૮૨
ગુરુદેવ પ્રત્યે પૂજયશ્રીને અનન્ય ભક્તિ ભાવ હતો. દરેક સ્થળે ગુરુ આજ્ઞાને જ આગળ ધરતા.
પ્રભુ ભક્તિ પણ તેમની અજબ-ગજબની હતી. રોજ દેવવંદન તો ખરા જ. આઠમ ચૌદસ જેવી તિથિએ ચૈત્ય પરિપાટી અચૂક કરતા. પાંચ સાત સ્તવનો તો ઓછામાં ઓછા બોલતા ને ભક્તિ રસમાં તરબોળ બની જતા. એમનો બુલંદ અવાજ અને મધુર કંઠ અન્ય લોકો માટે પણ આકર્ષણનું કારણ બનતો. પ્રતિક્રમણમાં પણ તેઓશ્રી સ્તવન કે સજઝાય બોલતા ત્યારે લોકો સાંભળવા માટે આવી પહોંચતા. કેટલાક લોકો તો એમના જીવન-સજઝાયો સાંભળવા જ પ્રતિક્રમણ કરવા આવતા. મનફરા, આધોઇ કે સામખીયાળીમાં પ્રતિક્રમણ વખતે ઉપાશ્રય તો આખો ભરાઇ જ જાય, પણ બહાર પણ બહેનો વગેરે સાંભળવા આવતા. ચોમાસામાં ચાર કે છ મહિના રોકાણ થાય ત્યારે તેઓ રોજ નવી સજઝાય બોલતા. એકની એક સજઝાય બીજી વાર સાંભળવા ન મળે. વળી સઝાયો પણ મોટી-મોટી !
તેમને શત્રુંજય પર અપાર શ્રદ્ધા હતી. ૩ થી ૪ વાર તેમણે છરી પાલક સંઘ સાથે શત્રુંજયની યાત્રા કરી હતી. શત્રુંજયની દરેક દેરીઓ, દરેક પગલા, દરેક કુંડ વગેરેની તેમની પાસે ઝીણવટભરી માહિતી હતી. એમની સાથે ભાવુકોને યાત્રા કરવામાં ખૂબ જ આનંદ આવતો. વ્યાખ્યાનમાં પણ શત્રુંજયની ભાવયાત્રા કરાવતા ત્યારે શ્રોતાઓને એવી સંવેદના કરાવતા કે જાણે સાક્ષાત્ શત્રુંજય પર આપણે યાત્રા કરી રહ્યા છીએ. તળેટીથી માંડીને દાદાની ટૂંક સુધીનું ક્રમશઃ માહિતીપૂર્ણ એ પ્રવચન શ્રોતાઓ માટે યાદગાર સંભારણું બની રહેતું. ૯૯ પ્રકારની પૂજા વખતે પણ પૂજ્યશ્રી સોળે કળાએ ખીલી ઊઠતા. ‘અનંત સિદ્ધ નિવાસ શ્રી શત્રુંજય તીર્થરાજાય નમો નમઃ' એ પદની તેઓશ્રી ધૂન બોલાવતા.
અષ્ટપ્રવચન માતાના પાલન પરનો ઉત્કટ પ્રેમ પૂજ્યશ્રીને વારસામાં મળ્યો હતો. પૂ. ગુરુવર્ય શ્રી જીત-હીર-કનકસૂરિજી મ.ના જીવનને પૂજ્યશ્રીએ ખૂબ જ નજીકથી જોયું હતું. ત્રણેય મહાપુરુષ અષ્ટપ્રવચન
કચ્છ વાગડના કર્ણધારો + ૮૩