________________
દિવ્યમૂર્તિ
પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
કચ્છ-વાગડના રળીયામણા લાકડીયા ગામમાં શ્રીમાળી જ્ઞાતિના કુટુંબમાં વિ.સં. ૧૯૪૮, ફાગણ વદ-૧૨, રવિવારના શુભ દિવસે પૂજ્ય દેવેન્દ્રસૂરીશ્વરજી મ.નો જન્મ થયો હતો. માતાનું નામ મૂળીબેન અને પિતાજીનું નામ લીલાધરભાઇ હતું. તેમનું ગૃહસ્થપણાનું નામ ગોપાળભાઇ હતું.
ગોપાળભાઇનો જન્મ ઘણા સમય પછી અને ઘણા મનોરથ પછી થયો હતો એટલે કુટુંબમાં અપાર આનંદ હતો. એના પહેલાં માત્ર ગોમતીબેન નામના એક મોટાં બેન હતાં.
(લીલાધરભાઇના નાનાભાઇ નાનચંદને ત્રણ પુત્રો હતાં; પોપટલાલ, ગાંગજી અને ન્યાલચંદ. પોપટલાલને અનુક્રમે ચાર પુત્રો થયેલા : મોતીલાલ, તારાચંદ, ચુનીલાલ અને વનેચંદ. લીલાધરભાઇ નાના ભાઇ નાનચંદભાઇની સાથે જ રહેતા હતા.)
ગોપાળભાઇ બચપણથી જ ગુણીયલ અને હોંશિયાર હતા. તેમણે છ ધોરણ સુધીનો વ્યાવહારિક અભ્યાસ કરેલો. બચપણથી પ્રભુનાં દર્શન, પૂજન, નવકારશી, ચોવિહાર વગેરે પ્રાથમિક નિયમોનું પાલન સહજ રીતે હતું.
જીવન સુખપૂર્વક પસાર થઇ રહ્યું હતું ત્યાં જ અચાનક દુઃખદ ઘટના ઘટી ને કુટુંબ પર મોટી આફત આવી પડી.
ગોપાળ હજુ તો ૧૪ વર્ષનો થયો હતો ને અચાનક જ પિતાજી લીલાધરભાઇની જીવનલીલા સંકેલાઇ ગઇ. બધા શોકમગ્ન બની ગયા. પતિ વિના મૂળીબેનને ને પિતા વિના ગોપાળભાઇને તો જાણે સાત-સાત આસમાન તૂટી પડ્યા.
પણ, મહાપુરુષ એનું નામ જે દુઃખના પત્થરને પગથિયું બનાવી દે,
વિઘ્નને વરદાન બનાવી દે ને અભિશાપને આશીર્વાદમાં બદલાવી દે. પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ♦ ૭૪
મહાપુરુષોના જીવનમાં ભલે દુ:ખોના ડુંગરો તૂટી પડે, પણ તેના ભારથી તેઓ સ્વયં તૂટી પડતા નથી. ઉલ્ટું, વધુ મજબૂત થઇને બહાર આવે છે. આવા નિમિત્તો તેમના જીવનના વળાંકમાં મહત્ત્વના નિર્ણાયક બની રહે છે.
કોઇક પ્રબળ પુણ્યોદયે એ જ વર્ષે (વિ.સં. ૧૯૬૨, ઇ.સ. ૧૯૦૬) કચ્છ વાગડ દેશોદ્ધારક, જન-જનના પરમ શ્રદ્ધેય પૂજ્ય દાદા શ્રી જીતવિજયજી મહારાજ તથા કલિકાલના ચંદનબાળા રૂપે પંકાયેલાં પૂજ્ય સાધ્વીજી આણંદશ્રીજી મ. આદિનું લાકડીયા મુકામે ચાતુર્માસ થયું. પૂજય દાદા શ્રી જીતવિજયજી મ.ની વૈરાગ્યભરી વાણીએ ગોપાલભાઇનાં હૃદય પર કામણ કર્યું. સંસારની અનિત્યતાનો બોધ તો એને થઇ જ ગયો હતો. માત્ર થોડા નિમિત્તની જરૂર હતી. તેનો આત્મા જાગી ઊઠ્યો. દીક્ષા લેવા માટે એણે મનમાં ગાંઠ વાળી દીધી.
જો કે હજુ એ સંકલ્પને સાકાર કરવા ઘણા વિઘ્નો પાર કરવાના હતા, પણ વિઘ્ન-જય વિના સિદ્ધિ ક્યાં મળતી હોય છે ?
હવે, ગોપાળ અવાર-નવાર પૂજ્ય દાદાશ્રી ગુરુદેવના સંપર્કમાં રહેવા લાગ્યો. આમ તેનો વિરાગનો ચિરાગ દિન-પ્રતિદિન વધુ ને વધુ પ્રજવલિત થવા લાગ્યો.
વિ.સં. ૧૯૭૦માં કચ્છ-વાગડના ફતેહગઢમાં પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મહારાજ આદિની નિશ્રામાં ઉપધાન તપના મંડાણ થયા. છેલ્લા ૫૦-૧૦૦ કે ૧૫૦ વર્ષમાં કચ્છ-વાગડમાં ઉપધાન થયા હોય, એવું કોઇએ જાણ્યું નહોતું. પ્રથમ જ વખત ઉપધાન થતા હોવાથી લોકોમાં અપાર ઉત્સાહ હતો.
અનેક ઉપધાનાર્થીઓની સાથે ગોપાળ પણ ફતેહગઢમાં ઉપધાન કરવા ગયો. ૨૨ વર્ષના યુવક ગોપાળમાં આના કારણે વિરતિના, ક્રિયાચુસ્તતાના એવા દેઢ સંસ્કાર પડ્યા કે જે જીવનભર ટકી રહ્યા. વૈરાગ્ય તો એવો દૃઢ બની ચૂક્યો હતો કે તે ક્ષણવાર પણ સંસારમાં રહેવા માંગતો નહોતો. સંસારમાં ફસાઇ જવું પડે, તેવા કોઇ નિમિત્તોને પણ તે ઊભા રાખવા માંગતો નહોતો.
કચ્છ વાગડના કર્ણધારો ૨૭૫