________________
વાગડ સમુદાયના આદ્ય મહાત્મા પૂજ્ય પદ્મવિજયજી મહારાજ
કચ્છ વાગડનું ભરૂડીયા ગામ ! રણના કિનારે આવેલા આ ગામને વાગડ સમુદાયનું વૃંદાવન પેદા કરનાર પૂજ્ય દાદા શ્રી પદ્મવિજયજી મહારાજની જન્મભૂમિ બનવાનું સૌભાગ્ય મળેલું છે. વિ.સં. ૧૮૬૬, ઇ.સ. ૧૮૧૦માં ઓસવાળ વંશના સત્રા ગોત્રના રૂપાબેન દેવસીભાઇને ત્યાં પરબતભાઇનો જન્મ થયેલો. આ પરબતભાઇ તે જ પૂ. પદ્મવિજયજી મહારાજ.
પરબતભાઇને એક બળદ ખૂબ જ પ્રિય હતો. એક વખત વાડ કૂદવા જતાં પડી જતાં બળદ ખૂબ જ ઘવાયો. આ મરણતોલ ફટકાથી આખરે એ મૃત્યુ પામ્યો.
પરબતભાઇના હૃદયમાં આ પ્રસંગે વૈરાગ્યની જ્યોત પ્રગટાવી. મનમાં સંસાર ત્યાગની પ્રબળ ભાવના પેદા થઇ.
તે વખતે કચ્છ-વાગડમાં ઠેર-ઠેર શ્રીપૂજ્યોની ગાદીઓ હતી, એમનો પ્રભાવ હતો.
વિ.સં. ૧૮૮૩, ઇ.સ. ૧૮૨૭ માં સત્તર વર્ષની ઉંમરે પરબતભાઇએ વિવિજયજી નામના શ્રીપૂજ્ય પાસે દીક્ષા લીધી.
આ વિવિજયજી કોણ હતા ? એમની પરંપરા કઇ હતી ? એમના ગુરુ કોણ ? વગેરે ઘણી વાતો અજ્ઞાત હતી. ખૂબ જ શોધખોળના અંતે અમને તેમની ગુરુ પરંપરા આ પ્રમાણે મળી છે : અકબર પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી-૫૮, સેનસૂરિજી-૫૯, ઉપા. કીર્તિવિ.૬૦, ઉપા. માનવિ.-૬૧, રંગવિ.-૬૨, લક્ષ્મીવિ.-૬૩, હંસવિ.-૬૪, ગંગવિજયજી-૬૫ ના શિષ્ય યતિ શ્રી રવિવિજયજી-૬૬ હતા. તેમના શિષ્ય શ્રી પદ્મવિજયજી સુધર્માસ્વામીની ૬૭મી પાટે હતા.
૧૮ વર્ષની ઉંમરે લગભગ પહેલું કે બીજું ચાતુર્માસ તેમણે (પદ્મવિજયજીએ) મુન્દ્રામાં કર્યું હતું. એ ચાતુર્માસમાં તેમણે ક્ષેત્રસમાસના અંતે પુષ્પિકામાં પોતાની ગુરુ પરંપરા ઉપર પ્રમાણે બતાવી છે. પૂ. પદ્મવિજયજી મહારાજ - ૧૨
વિ.સં. ૧૮૯૨, વૈ.સુ.૯ ના દિવસે (ઇ.સ. ૧૮૩૬) કચ્છવાગડના આડીસર ગામમાં તેમણે કર્મગ્રંથનો ટબો પોતાના હાથે લખીને પૂર્ણ કર્યો છે. ૨૬ વર્ષની ઉંમરે સ્વચ્છ અક્ષરોમાં લખાયેલો એ ટબો તેમના વિદ્યા-વ્યાસંગને બતાવે છે.
યંતિ અવસ્થામાં હોવા છતાં પણ તેઓ ખૂબ જ ચારિત્રના પ્રેમી હતા. તે તેમની કારકિર્દી પરથી જણાઇ આવે છે.
પલાંસવા જૈન સંઘે જુનું લાકડાનું દેરાસર તોડીને પત્થરનું સુંદર જિનાલય બનાવેલું . એ જિનાલયમાં મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવાનની પ્રતિષ્ઠા માટે (વિ.સં. ૧૯૧૦, ઇ.સ. ૧૮૫૪) શ્રી સંઘે શ્રી પદ્મવિજયજીને બોલાવ્યા હતા. બીજા અનેક યતિઓ વિદ્યમાન હોવા છતાં પલાંસવાના સંઘે તેમને બોલાવ્યા તે તેમની ચારિત્ર સંપન્નતાથી પ્રાપ્ત થયેલી લોકપ્રિયતા સૂચવે છે.
એમનો અંતરાત્મા વૈરાગ્ય વાસિત હતો. શાસ્ત્ર-વિરુદ્ધ પોતાની આચરણા તેમને અંદરથી ડંખ્યા કરતી હતી. આથી જ તેમણે સાહસ કરીને વિ.સં. ૧૯૧૧, ઇ.સ. ૧૮૫૫ માં સંવેગી દીક્ષા સ્વીકારી. ૧૩ વર્ષ પછી વિ.સં. ૧૯૨૪, ઇ.સ. ૧૮૬૮ માં તેમની વડી દીક્ષા થઇ. તેમના ગુરુ બન્યા : સંવેગીશાખાના સુધર્માસ્વામીની ૭૧મી પાટે આવેલા પૂ.પં.
શ્રી મણિવિજયજી.
આ અરસામાં એક ઘટેલી ઘટના તેમના હૃદયની વિશાળતાને સૂચવે છે. એમના એક શિષ્યનું નામ રત્નવિજયજી હતું. ગુરુની સાથે તેમણે પણ સંવેગી શાખા સ્વીકારી હતી. એ વખતે અમદાવાદના ડેલાના ઉપાશ્રયે મુનિ શ્રી સૌભાગ્યવિજયજીનો પરિચય થયેલો. વાતચીતમાં સૌભાગ્યવિજયજીએ કહ્યું : મારે કોઇ શિષ્ય નથી. હું વૃદ્ધ થયો છું. ડેલાની આ પરંપરા કોણ સ્વીકારશે ?
ત્યારે પદ્મવિજયજીએ કહ્યું : સાહેબજી ! અત્યારે તો મારી પાસે એક જ રત્નવિજયજી શિષ્ય છે, પણ જો બીજો કોઇ શિષ્ય થશે તો હું આને આપના ચરણોમાં અવશ્ય ભેટ ધરીશ.
કચ્છ વાગડના કર્ણધારો - ૧૩