________________
અહીં ૫૦૦ પાડા લાવવા ક્યાંથી ? મેં બુદ્ધિ લગાવી. કૂવામાં પડેલા કીચડમાંથી પાડા બનાવવા માંડ્યા અને એક પછી એક હું મારવા લાગ્યો. શું થાય ? સાચા પાડા ન મળે તો માટીના પાડાથી ચલાવી લેવું પડે. સોનાનાં ઘરેણાં ન મળે તો તાંબા કે ચાંદીનાં ઘરેણાંથી ચલાવવું નથી પડતું ? તમે લોકો, સાક્ષાત્ “ભગવાન” ન મળે ત્યારે પથ્થરની તેમની પ્રતિકૃતિથી ચલાવી નથી લેતા ? પથ્થરની મૂર્તિથી તમે તમારા ભગવાનને પૂજી શકતા હો તો હું માટીના પાડા મારવા દ્વારા મારો નિયમ કેમ ન નિભાવી શકું ?
શ્રેણિકે જ્યારે મારું આ પરાક્રમ જોયું હશે ત્યારે કેવા દુઃખી થયા હશે !
પછીથી મને જાણવા મળ્યું : શ્રેણિકે મહાવીરના કહેવાથી પોતાની નરક બંધ કરવા ત્રણ ટુચકા કરેલાં.
(૧) કાળિયો કસાઇ એક દિવસ ૫૦૦ પાડા ન મારે. (૨) કપિલા દાસી જૈન મુનિને અન્ન-દાન કરે. (૩) પુણિયો શ્રાવક પોતાના એક સામયિકનું ફળ આપે.
પણ ત્રણેય ટુચકા નિષ્ફળ ગયા. મેં માટીના પાડા માર્યા. કપિલાએ કડછાથી એમ કહીને દાન કર્યું : હું નહિ, શ્રેણિકનો આ ચમચો આપે છે. પુણિયો સામયિકનું ફળ ન આપી શક્યો.
મૂર્ખ શ્રેણિક નરકથી ડરવા લાગ્યો : હાય ! હાય ! મારે નરકમાં જવું પડશે.
સાચે જ મૂર્ખાઓ જ નરકથી ડરે. નરકનો ડર અને સ્વર્ગની લાલચ પર તો આ કહેવાતો ધર્મ ટકેલો છે. મહાવીર જેવા જાદુગરો માણસના મનનો આ સ્વભાવ (ભય અને લાલચનો) જાણીને જ તો ધર્મના નામે પોતાનું શાસન ચલાવે છે.
મારા જેવો તો નરકથી જરાય ન ડરે. મને કોઇ કહે તારે મરીને સાતમી નરકે જવું પડશે તો હું કહી દઉં : હું આઠમી નરકે જવા તૈયાર છું. નરકથી કોણ ડરે છે ? પોચટ લોકો. હું એવો પોચટ નથી. તમે માનશો ? મૃત્યુ સમયે મારા પુત્ર સુલસે મારા માટે ફૂલોની
આત્મ કથાઓ • ૫૩૮
પથારી, ચંદનના વિલેપનો વગેરે તૈયાર કરેલું. પણ મને એમાં મજા જ ન આવે. હું તો નરકનો સત્કાર કરનારો જીવ હતો ને !
આથી જ મને કાંટાની પથારી પર સૂવડાવ્યો, વિષ્ઠાનું વિલેપન કર્યું, ફૂટેલાં ઢોલ વગડાવ્યાં. મને આનંદ આવ્યો.
આવો મર્દ તમે જોયો : જે કાંટાની શય્યા પર સૂઇને મરે ? મરતી વખતે પણ મારી મર્દાનગી લાજવાબ હતી.
આવી જાવ સાલાઓ ! તમને બધાને મારી નાખ્યું ! અત્યાર સુધી તો હું પાડાઓને જ મારતો હતો, પણ હવે હું તમને બધાને પણ મારી નાખું. જરા મારી પાસે તો આવો...
આ હતી મૃત્યુ-સમયની પણ મારી ઝિંદાદિલી.
તમે કહેશો : આ તમારું રૌદ્ર સ્થાન હતું. હિંસાનુબંધી રૌદ્ર ધ્યાનના પ્રભાવથી તમે મરીને સાતમી નરકે ગયા.
પણ તમારા કહેવાથી મને કોઇ અસર નહિ થાય. હું તો કાળમીંઢ પથ્થર ! ગમે તેટલો વરસાદ પડે. એ પથ્થરમાં એક ટીપુંય અંદર ન ઊતરે..
તમારા જેવા ગમે તેટલા લવારો કરે, પણ મને એની ન કદી અસર થઇ છે, ન થઇ રહી છે ને ન કદી ભવિષ્યમાં થશે ! એટલું તમે નોંધી લેજો. પછી તમે ભલે મને સાતમી નરકે મોકલો કે ચૌદમી નરકે !
આત્મ કથાઓ • ૫૩૯