________________
અંતિમ તીર્થંકર વર્ધમાન સ્વામી થશે. અત્યારે ત્રિદંડી વેષે છો, માટે નહિ. તમે ભવિષ્યમાં વાસુદેવ કે ચક્રવર્તી બનશો માટે પણ નહિ, પરંતુ તમે તીર્થંકર બનશો માટે હું વંદન કરું છું. ખરેખર તમે ભાગ્યશાળી છો. ઉત્તમાત્મા છો. તમારા પરમ તત્ત્વને મારા અનંત-અનંત નમન !'
ચક્રવર્તી ભરત તો આમ કહીને જતા રહ્યા, પણ આટલા જ વાક્યોથી મારામાં અહંકારની વાવણી થઇ ગઇ.
મારા મગજમાં એવી રાઇ ભરાઇ ગઇ કે હું નાચવા જ મંડી પડ્યો. હાથમાં ત્રિદંડ લઇ ગોળ ગોળ ઘૂમવા લાગ્યો. હું એકલો હતો એટલે મારી અહંકાર-વૃત્તિ બેફામ બનીને બહાર આવી, નૃત્યરૂપે વ્યક્ત થવા લાગી. મારા દાદા પહેલા તીર્થંકર ! મારા પિતાજી પહેલા ચક્રવર્તી ! હું પહેલો વાસુદેવ ! અહો કેવું ઉંચું મારું કુળ ! અમે ત્રણેય બધી બાબતમાં પહેલાં !
‘હું વાસુદેવ બનીશ. ચક્રવર્તી બનીશ. અરે, તીર્થંકર પણ બનીશ. જગતની સર્વોત્કૃષ્ટ પદવીઓ મને મળશે. શું મારો વટ ! શું મારું કુળ !’ આમ બોલતો બોલતો હું કેટલાય સમય સુધી નાચતો રહ્યો. મારી વાત સાવ સાચી હતી, પણ તે અંગેનું મારું અભિમાન સાવ ખોટું હતું.
મદથી છકી ગયેલો હું નાચતો રહ્યો, હસતો રહ્યો. પણ મને ખબર હતી કે કર્મસત્તા પણ મારી સામે હસી રહી છે ?
જેનું અભિમાન કરીએ તે વસ્તુ કર્મસત્તા આપણી પાસેથી છીનવી લે છે, એ વાત હું જાણતો નહોતો આથી જ અભિમાનથી મત્ત બની
રહ્યો હતો.
એ વખતે મેં એવું નિકાચિત નીચ ગોત્ર કર્મ બાંધ્યું કે છેલ્લા ભવમાં જ્યારે હું તીર્થંકર મહાવીર સ્વામી બન્યો ત્યારે પણ એ કર્મ મારે ભોગવવું પડયું. કોઇ પણ તીર્થંકર આદિ ઉચ્ચ આત્માઓ ઉચ્ચ કુળમાં જ અવતરે, પણ હું ૮૨ દિવસ સુધી હલકા કુળમાં રહ્યો તે આ કર્મના પ્રભાવે. અચ્છેરા તરીકે આવીને પણ કર્મસત્તાએ પોતાનો હિસાબ વસૂલ કર્યો તો કર્યો જ.
આત્મ કથાઓ • ૫૨૪
(૬) હું નાર
નારદ કેવા હોય ? શેઠને કહે : તમે જાગતા રહેજો. ચોરને કહે : તું ચોરી કરજે. આવું કહીને બેયને લડાવનારને લોકો નારદ કહે છે. કોઇ આવું કરે તેને લોકો ‘નારદવેડા’ કહે છે.
‘નારદ, નારી, નિર્દય, ચિત્ત, કલહ ઉદીરે ત્રણેય નિત્ત.’
નારદ એટલે ? ઝઘડાખોર !
નારદ એટલે ? ફરતારામ !
નારદ એટલે ? કૌતુક પ્રેમી !
આમ નારદ વિષે તમે ઘણું આડું-અવળું સાંભળ્યું હશે ! પણ સિક્કાની બીજી બાજુ તમે જોઇ ? ગુણી પુરુષમાં જેમ થોડા-ઘણાં અવગુણો પણ હોય છે, તેમ ગમે તેવા દુર્ગુણીમાં થોડા-ઘણા ગુણો પણ હોવાના જ.
નારદમાં પણ તેમ કોઇક ગુણ હોવાના જ. તમને કદી દેખાય ?
નહિ ?
આવો, હું જ તમને બતાવું. બીજું શું થાય ? તમે મને સાવ જ ઝઘડાખોર કહીને કાઢી મૂકો તો મારે સ્વ-પ્રશંસારૂપ દૂષણનો આશરો લઇને પણ ગુણો તો બતાવવા જ પડે ને ? મારા ગુણો બીજા ન ગાય ત્યારે મારે તો ગાવા પડે ને ! મારા ગુણ હું જ ન ગાઉં તો બીજું કોણ ગાશે ? બીજાને ક્યાં એટલી નવરાશ છે કે મારા માટે આટલો સમય કાઢે ?
નારદ ભલે ઝઘડાખોર કહેવાતા હોય, પણ યાદ રાખજો કે તેઓ બ્રહ્મચર્યના ખૂબ જ પાકા હોય ! તેઓ ગમે ત્યાં હરી-ફરી શકે છે. રાજાઓના અંતઃપુરમાં પ્રવેશ કરતાં પણ તેમને કોઇ અટકાવી શકતું નથી. આ એક જ ગુણના કારણે તેઓ સદ્ગતિમાં જાય છે. એક અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં નવ નારદો થતા હોય છે. તેઓ બધા જ સદ્ગતિમાં જાય છે.
આત્મ કથાઓ • ૫૨૫