________________
ત્યારે હું વિચારમાં પડી ગયો. અરર... આ શું ? જીવનભર સ્નાન જ નહિ કરવાનું ? તડકામાં ખુલ્લા પગે ખુલ્લા માથે ચાલવાનું ? ટાઢ-તડકા સહન કર્યા જ કરવાના ? એકાદ દિવસ ઠીક છે. જીવનભર તો આવું શી રીતે સહન થાય ? એના કરતાં તો ઘર... પણ ના, હું ઘેર જવા તૈયાર ન્હોતો.
માતા-પિતા વગેરે બધા જ ના પાડતા હતા છતાં હું મોટા ઉપાડે સાધુ બન્યો. હવે કયા મોઢે ઘેર જાઉં ? ઘેર જાઉં તો મારી આબરૂ પણ શું ? આબરૂ વિના જીવવું શી રીતે ?
હું બરાબરનો ફસાયો હતો. પણ, મેં મારો રસ્તો શોધી કાઢ્યો. હોશિયાર હતો ને !
ઘેર ગયા વિના જ આપણે અહીં જ કંઇક નવું કરવું, એવો મેં નિર્ણય કર્યો.
વેષમાં ફેરફાર કરીને અનુકૂળ જીવન પદ્ધતિ અપનાવવી. ભગવા કપડાં, શરીરે ચંદન-વિલેપન, પગે પાવડી ! માથે છત્ર ! હાથમાં ત્રિદંડ ધારીને મેં ‘ઇદં તૃતીયં’ ઉભું કર્યું.
મનોમન મેં માન્યું ઃ ભગવાનના સાધુઓ કષાય રહિત છે. હું તો કષાય-સહિત છું. મારા કાષાયી (ભગવા) કપડા મારા કષાયોના પ્રતીક છે. ભગવાનના સાધુઓ સંયમથી સુવાસિત છે. મારી પાસે એવી સુવાસ નથી, માટે હું ચંદનનું વિલેપન કરીશ. મારી પર મોહનું છત્ર છે, છત્ર એ વાત જણાવશે. હું ત્રણ દંડથી ઘેરાયેલો છું, એમ મારું ત્રિદંડ બતાવતું રહેશે.
આમ મેં મારો અલગ ચોકો ઉભો કર્યો. મારી અલગ રહેણી-કરણી અને વેષ જોઇને બધા માણસો મારી પાસે આવતા અને પૂછતા. સ્વાભાવિક છે. તમે બીજાથી કંઇક નવું કરો તો લોકોનું તમારા તરફ ધ્યાન દોરાવાનું જ. બધા સીધા પગે ચાલે, પણ તમે જો પાછલા પગે ચાલો તો લોકોના તમે આકર્ષણ બિન્દુ બનવાના જ. માથું નીચે ને પગ ઉપર રાખીને ચાલો તો લોકની નજર તમારા પર પડવાની જ.
જેટલા લોકો આદિનાથ ભગવાન પાસે આવતા, તેઓ બધા જ આત્મ કથાઓ • ૫૨૦
પ્રાયઃ મારી પાસે પાછા આવતા. મને પૂછતા : તમારો ધર્મ કયો છે ? શું તમે કોઇ નવા મત-પ્રવર્તક બની રહ્યા છો ?
મારો જવાબ હતો : ના, હું મત-પ્રવર્તક નથી. મને મત-પ્રવર્તક થવાનો, નવો ધર્મ ચલાવવાનો કોઇ અધિકાર નથી. મારા વેષથી સંભ્રમમાં નહિ પડતા. મારું આ તો સુવિધાવાદી જીવન છે. ખરો ધર્મ
તો શ્રીઆદિનાથજી પાસે છે.
મારી દેશના શક્તિ એવી જોરદાર હતી, સમજાવવાની શૈલી એવી સુંદર હતી કે ભલભલા માણસો સંસારથી વિરક્ત થઇ દીક્ષા લેવા તૈયાર થઇ જતા. હા, મારા જ શિષ્યો બનવા માટે.
પણ હું નિખાલસાથી કહી દેતો : ભાઇ ! સાચું સાધુપણું શ્રી આદિનાથજી ભગવાન પાસે છે. સંસાર છોડીને સાધુપણું સ્વીકારવું જ હોય તો સાચું સાધુપણું સ્વીકારો. નકલી સાધુપણું સ્વીકારીને આ અમૂલ્ય જીવનની બરબાદી શા માટે કરવી ? મારું સાધુપણું તો નકલી છે. હું તમને નકલી સાધુ બનાવવા નથી માંગતો.
મારી વાત માનીને તેઓ આદિનાથજી પાસે જઇ દીક્ષા લઇ લેતા અને સુંદર રીતે પાળતા.
એક વખતે મને તાવ આવ્યો. એવો તાવ કે મારું આખું શરીર થર... થર... ધ્રુજે ! બોલી ન શકું ! ચાલી ન શકું ! કોઇ કામ ન કરી શકું ! પાણી પીવું હોય કે ભોજન લેવું હોય ! સૂવું હોય કે ચાલવું હોય, બધી ક્રિયામાં જબરદસ્ત તકલીફ પડવા માંડી.
આવી પરિસ્થિતિમાં પણ મારું કામ જાતે જ કરવું પડ્યું. મને મદદ કરવા, મારી સેવા કરવા આદિનાથજીના આટલા સાધુઓમાંથી કોઇ પણ ન આવ્યું. જે મારાથી પ્રતિબોધ પામીને દીક્ષિત બન્યા હતા, તેઓ પણ ન આવ્યા.
મને બહુ માઠું લાગ્યું. આ બધાને દીક્ષાના ભાવ જગાડનારો તો હું જ હતો ને ? છતાંય એકેય બિરાદર મારી સંભાળ લેવા આવતો નથી ? માણસાઇની ખાતર આટલું તો કરવું જોઇએ ને !
પણ, મેં મૂર્ખાએ એમ ન વિચાર્યું : ભગવાનના સાધુઓ તો સાચા આત્મ કથાઓ • ૫૨૧