________________
ક્યાં નહોતાં? એકવાર લાડવો ચાખવો તો હતો. કેટલો સ્વાદિષ્ટ ! કેટલો સુગંધી ! ને કેટલો મસાલેદાર ! એ તો ખાય તેને જ ખબર પડે. જિંદગીમાં ક્યારેક જ આવો લાડવો મળે. અંદર એલચી વગેરે એવા મસાલા નાંખેલા કે માણસ ખાધા પછી પણ કલાકો સુધી એ સ્વાદને યાદ કરતો જ રહે. તું મૂરખ નહિ, મૂરખનો સરદાર કહેવાય; આવો લાડવો વહોરાવી દીધો ! તને એમ થતું હોય કે હું બધું ખોટું ખોટું બોલીને ઉશ્કેરી રહ્યો છું. તો તું પોતે જ ખાતરી કરી જો. તારા એ ડબ્બામાં હજુ કણિયા પડ્યા હશે. ચાખજે ને પછી મને કહેજે.
આવો કાળમુખો, અવળી સલાહ આપનારો પાડોશી મને ભટકાઇ ગયો હતો. આ સ્થાને જો કોઈ સારો પાડોશી હોત અને મને ધન્યવાદ આપ્યા હોત તો મારો આખો ઇતિહાસ બદલાઇ ગયો હોત. માટે જ શાસ્ત્રકારો સારા પાડોશીઓની પાસે રહેવાની સલાહ આપે છે. મારા ભાગ્યે ઊંધી સલાહ આપી રવાડે ચડાવી દેનાર પાડોશી ભટકાઇ ગયો. પણ, પાડોશી પર શા માટે દોષનો ટોપલો ઢોળવો ? મારા પોતાનાં જ કર્મ એવાં હશે; જેથી મને આવો પાડોશી મળ્યો. આખરે નિમિત્ત પણ ભવિતવ્યતા પ્રમાણે મળતાં હોય છે. ભવિતવ્યતા પ્રમાણે જ એક જ નિમિત્ત પામીને જીવો તેમાંથી જુદા-જુદા અર્થ ગ્રહણ કરે છે. જો મારું ઉપાદાન મજબૂત હોત તો હું પાડોશીને ફટાક કહી દેત : બેસ... બેસ... હવે બહુ ડાહ્યો થા મા. ઉત્તમ ચીજ મળી હોય તે ખવાય કે અપાય ? મુનિ જેવા ઉત્તમ પાત્રમાં ઉત્તમ વસ્તુ ગઇ એનાથી બીજું રૂડું શું હોઇ શકે ? મેં નથી ખાધું એનો મને કોઇ અફસોસ નથી. મેં વહોરાવ્યું તેનો મને ખૂબ જ આનંદ છે. તું તારું કામ કર, લાડવાનું આવું વર્ણન કરીને મને ઉશ્કેરવાની જરાય જરૂર નથી. પણ મારું જ ઉપાદાન ફૂટેલું ! મારી જ ભવિતવ્યતા નબળી !
પેલા મામાની વાત સાંભળીને લાડવા માટે ઉત્તેજિત થયેલો હું સીધો ઘેર આવ્યો. ડબ્બામાં પડેલા કણિયા ખાતાંવેંત મારી આહારસંજ્ઞા ઊછળી પડી. ઓહ ! કેવો સુંદર લાડવો હતો ? અરેરે ? કેવડી મોટી મેં ભૂલ કરી ! હવે આવો લાડવો ક્યારે મળવાનો ? ખરે ટાઇમે મારી
આત્મ કથાઓ • ૫૧૦
ખોપરી ખસી ગઇ ! કોઇ પણ ડાહ્યો માણસ આવું ન કરે. ગાંઠનું ખોઇને ગોપીચંદ કોઇ ન બને. સ્વાર્થ ઘવાય તેને જ અનુભવીઓ મૂર્ખતા કહે છે : સ્વાર્થભંશો હિ મૂર્ખતા !
પણ, હજુએ ક્યાં બગડી ગયું છે ? હજુ મહારાજ કાંઇ ઉપાશ્રયે નહિ પહોંચ્યા હોય, દોડતો જાઉં ને મહારાજને પકડી પાડું. મારો લાડવો પાછો મેળવી લઉં ! મારો પોતાનો લાડવો છે. એ માંગવામાં શરમ કેવી ? ડાહ્યા માણસો કહે છે : આહારમાં ને વ્યવહારમાં શરમ નહિ રાખવી જોઇએ. શરમાઇ જાય તે કરમાઇ જાય. શું કામ શરમાવું ? શું કામ કરમાવું ?
આહાર સંજ્ઞાના આવેશમાં હું તો દોડ્યો; મહારાજ પાછળ.
આવેશના અંધાપામાં મને એ ન દેખાયું : આ રીતે ન દોડાય. આપેલી વસ્તુ પાછી ન લેવાય. સામાન્ય માણસને આપેલી વસ્તુ પણ ન લેવાય તો મહાત્માની પાસેથી તો લેવાય જ શી રીતે ? વળી, આ મારો લાડવો પણ પ્રભાવનામાં જ આવેલો હતો, કોઈકે આપેલો જ હતો. મારો તો હતો નહિ. જો હું આ રીતે મહાત્મા, પાસેથી લાડવો પાછો માંગી શકું તો પ્રભાવના આપનારો માણસ મારી પાસેથી લાડવો પાછો માંગી ન શકે ? આ રીતે કોઇ માંગે, તો મને કેવું લાગે ?
આવી કોઇ વિચારણાને આવેશ વખતે સ્થાન હોતું નથી. જો આવી | વિચારણા થઇ શકતી હોત તો એને આવેશ કહેવાત પણ નહિ. થોડુંક જ ધર્ય, થોડીક જ વિચારણા, થોડોક જ વિલંબ, માણસને આવેશ વખતે આવી જાય તો તે ઘણા અનર્થોમાંથી બચી જાય.
સારાસારના વિવેકને ભૂલીને દોડતો-દોડતો હું મહારાજ પાછળ જોર-જોરથી બોલવા લાગ્યો :
“મહારાજ ! મારો લાડવો પાછો આપો. મારી ભૂલ થઇ ગઇ. નહોતો વહોરાવવો. છતાં વહોરાવી દીધો. મને લાડવો પાછો આપો.'
મુનિ તો મારી વાત સાંભળ્યા વિના જાણે આગળ ને આગળ જ જતા હતા. એ જ વખતે મેં જોયું કે મહારાજે પોતાનો હાથ ઝોળીમાં નાખ્યો.
આત્મ કથાઓ • ૫૧૧