________________
રોમમાં ભક્તિ જાણે રોમરૂપે અંકુરિત બની હતી. મને વારંવાર આમ થતું : શું હું આ આનંદ એકલો માણીશ ? જગતના જીવોને દુઃખમાં તરફડતા છોડીને હું એકલપટો બનીશ ? ઓહ ! જગત કેવું દુઃખી છે ? દુઃખ દર્દથી એકેક જીવ અહીં બેચેન અને ગમગીન છે. મારુ ચાલે તો જગતના તમામ આત્માને સુખી બનાવી દઉં. મારી અંદર જો શક્તિ આવી જાય તો સર્વ જીવોને મારા આનંદમાં ભાગીદાર બનાવું. મારું હૃદય પોકારી રહ્યું હતું : ઓ જગતના જીવો ! શા માટે દુઃખી બનીને ભટકી રહ્યા છો ? આવો... અહીં આવો. અમૃતના ફુવારામાં સ્નાન કરો. પ્રભુનું શાસન અમૃતનો ફુવારો છે, શાંતિનું મંદિર છે, આનંદનો મહાસાગર છે. જગતમાં આ વિદ્યમાન હોય છતાં તમારે દુઃખી રહેવું પડે ? દવા હોય છતાં દર્દથી પીડાવું પડે ? અન્ન હોય છતાં ભૂખ્યા રહેવું પડે ? પાણી હોય છતાં તરસ્યા રહેવું પડે ? પરમાત્માનું શાસન વિદ્યમાન હોય છતાં દુ:ખી રહેવું પડે ? હદ થઇ ગઇ. મારા રોમ-રોમમાં જગતના સર્વ જીવોને તારવાની અદમ્ય ઝંખના પ્રગટી. મેં તે વખતે એવો આનંદ અનુભવ્યો કે આજે પણ હું ભૂલી શકતો નથી. એ આનંદ શબ્દાતીત હતો. શબ્દોમાં સમાવી શકાય તેવો ન્હોતો. વામણા શબ્દોની શી તાકાત કે એ મારા આનંદને સમાવી શકે ?
મારી ભક્તિ જોઇ ત્યાં દર્શન માટે આવેલો ધરણેન્દ્ર ખુશ થઇ ગયો. હું મંદિરમાંથી બહાર નીકળ્યો ત્યારે મને કહ્યું : બોલ તારે શું જોઇએ છે ? જે જોઇએ તે આપવા હું તૈયાર છું. પણ મને શું જોઇએ ? ભગવાનની ભક્તિથી મને એટલી તૃપ્તિ થઇ હતી કે આખું જગત તુચ્છ લાગતું હતું. મેં ધરણેન્દ્રને ઘસીને ના પાડી દીધી. મારે કાંઇ જ જોઇતું નથી. છતાં તેણે મને અમોઘ દેવદર્શન' કહીને વિશિષ્ટ વિદ્યાઓ આપી.
તમે મારા વ્યક્તિત્વના બે વિરોધી છેડા જોયાને ? અષ્ટાપદને ઉપાડીને ફેંકવા તૈયાર થનાર પણ હું અને ભગવાનની ભક્તિ ખાતર શરીરમાંથી નસ ખેંચી કાઢનાર પણ હું ! મારું વ્યક્તિત્વ કેવું વિરોધાભાસી છે ? હું મર્યો ત્યાં સુધી આવા બે વિરોધી અંતિમો મારા જીવનમાં થતા રહ્યા. ઘણીવાર મને એવું લાગે છે કે માણસ મજબૂર છે. કાંઇ એના
આત્મ કથાઓ • ૪૮૪
હાથમાં નથી ! પોતાની ભવિતવ્યતા અને કર્મ જેમ કરાવે તેમ તેને કરવું પડે છે. કઠપૂતળીની જેમ નાચવું પડે છે. નહિ તો મારા જેવો પ્રભુભક્ત આટલો કલંકિત કેમ બને ? ઘરમાં અનેક રૂપવતી સ્ત્રીઓ હોવા છતાં પરનારીમાં આસક્ત કેમ બને ? પણ ભવિતવ્યતાની આજ્ઞાઓ ભલભલાને પણ સ્વીકારવી પડે છે.
મારા જીવનની સૌથી ધન્ય ક્ષણ અષ્ટાપદ પર જે મેં ભક્તિ કરી હતી તે હતી. પાછળથી મને જાણવા મળ્યું કે તેના કારણે મેં તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું ! આ વાત જાણવા મળતાં જ હું આનંદથી નાચી ઊઠ્યો હતો. હું ભલે ગમે તેવો હોઉં, પણ ભગવાન બનીને મોક્ષમાં જવાનો છું. આ મારું ઓછું સૌભાગ્ય છે ?
મેરુ પર્વતના ચૈત્યો, બીજા શાશ્વતા ચૈત્યો, અષ્ટાપદ તીર્થ વગેરેની મેં ઘણીવાર યાત્રા કરી છે, ઘણીવાર પ્રભુ-ભક્તિ પણ કરી છે, પણ મને તે વખતે અષ્ટાપદ પર જેવો આનંદ આવ્યો તેવો કદીયે આવ્યો નથી.
હવે મારા જીવનના ઉત્તરાર્ધના તબક્કાની કેટલીક વાત કરું. એ કરતાં પહેલાં મારે રામની વાત કરવી પડશે. મારી વાતમાં રામની વાત લાવવી જ પડે અને રામની વાતમાં મને પણ લાવવો જ પડે ! રામને તો તમે જાણતા જ હશો ? અયોધ્યાના રાજા દશરથના એ પુત્ર ! લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત એ ત્રણ એના ભાઇ ! એક વખતે ઘરડા માણસને જોઇને દશરથને સંસાર છોડી સાધુ બનવાના ભાવ જાગ્યા. એ માટે મોટા દીકરા રામને રાજ્ય સોંપવાની તૈયારી કરી. આ વાતની ખબર પડતાં મંથરાથી પ્રેરાયેલી કૈકેયીએ દશરથ પાસે પૂર્વે રાખી મૂકેલા બે વરદાન માંગ્યા. એક વરદાનથી તેણે સીતા-લક્ષ્મણ સહિત રામ ૧૪ વર્ષ સુધી વનમાં જાય અને બીજા વરદાનથી ભરતને રાજ્યગાદી મળે - એવું માંગ્યું. સત્ય પ્રતિજ્ઞાવાળા દશરથે તે કબૂલ રાખ્યા. વિનયી રામે તે પાળ્યા.
રામ, સીતા અને લક્ષ્મણ વનની વાટે સંચર્યા.
એક વખતે દંડકારણ્યમાં તેઓ રહેલા હતા ત્યારે બે ચારણમુનિઓ ત્યાં પધાર્યા. સીતાએ ભાવપૂર્વક ભિક્ષા આપી. આથી દેવોએ સુગંધી જળ વગેરે પંચવૃષ્ટિ કરી. તેની સુગંધથી એક ગીધ ત્યાં આવ્યો. એનું નામ
આત્મ કથાઓ • ૪૮૫