________________
જેવો ટેણીયો મને શું કરવાનો છે ?' એમ ધારીને ઊભો રહ્યો, તે જ વખતે મારા પુત્રે એના પર તરાપ મારી. ધરતી પર પટકીને એને બાંધી દીધો. મેં તેને જેલમાં પૂર્યો. તેને બચાવવા આવેલા પેલા સોમ, યમ, વરુણ અને કુબેરને પણ જેલમાં પૂર્યા.
મારા પુત્ર મેઘનાદે ઇન્દ્રને જીત્યો હોવાથી તે “ઇન્દ્રજિતું' તરીકે પણ ઓળખાયો.
હવે હું પાતાલ લંકા જીતવા ચાલ્યો. ત્યાંના રાજા ચંદ્રોદરને હણીને તેનું રાજ્ય મેં ખરને સોંપ્યું. મારી બેન ચંદ્રણખા પણ તેની સાથે પરણાવી. આમ ખરને મારો બનેવી બનાવ્યો. ચંદ્રોદરની ગર્ભવતી પત્ની ક્યાંક નાસી ગઇ. ક્યાંય પત્તો લાગ્યો નહિ.
એક વખતે હું મારા પુષ્પક વિમાનમાં બેસીને ગગન-વિહારની મોજ માણી રહ્યો હતો ત્યાં મારી નજર નીચે પડી. મરુત્ત રાજા જબરદસ્ત યજ્ઞનું આયોજન કરી રહ્યો હતો. યજ્ઞમાં હોમવા માટે કેટલાય પશુઓ વાડામાં પૂર્યા હતા. હું ધ્રૂજી ઊઠ્યો : ઓહ ! ધર્મના નામે કેવો અધર્મ ? સર્વજ્ઞ ભગવંતોએ કરુણામય ધર્મ બતાવ્યો છે, જ્યારે આ મૂઢ લોકો પશુઓની હત્યામાં ધર્મ સમજી રહ્યા છે. મારે તેને અટકાવવો જ જોઇએ. મેં વિમાનને તરત જ નીચે ઉતાર્યું. મરુત્ત રાજાને કહ્યું : અલ્યા, આ શું માંડ્યું છે ? ધર્મ તો દયામાં છે, નિર્દયતામાં નહિ, હિંસામાં નહિ. સૂર્ય કદાચ પૂર્વમાંથી પશ્ચિમમાં ઊગે, કદાચ આગમાંથી શીતળતા અને ચંદ્રમાંથી ઉષ્ણતા પ્રગટે તો પણ કદી પશુઓની હિંસાથી ધર્મ થઇ શકે નહિ. બંધ કર તારા આ યજ્ઞના ભવાડા. જો બંધ નહિ કરે તો આ લોકમાં તારે જેલ ભેગા થવું પડશે ને પરલોકમાં નરક ભેગા થવું પડશે. સમજ્યો ? મારી આજ્ઞા નહિ માનનારની શી વલે થાય છે, તેની તો તને ખબર જ હશે ?
મરુત્તે તરત જ યજ્ઞનું વિસર્જન કર્યું. હું ખુશ થયો. તમે એમ નહિ માનતા કે મેં માત્ર યુદ્ધો જ કર્યા છે ને ઘોર પાપો જ કર્યા છે. મેં ધર્મની આરાધના પણ કરેલી છે. ભગવાનની ભક્તિ તો મારા રોમ-રોમમાં રમતી હતી. ભગવાન શ્રીમુનિસુવ્રત સ્વામીનો હું પરમ ભક્ત હતો. એમની
આત્મ કથાઓ • ૪૮૦
નીલમણિની પ્રતિમા સદા હું સાથે જ રાખતો. પ્રભુ-પ્રતિમાના દર્શન વિના કદી અન્ન-પાણી લેતો નહિ. છતાં એટલું ખરું કે મારું જીવન વિરોધાભાસી છે. મેં ક્યારેક આવેશમાં આવી જઇ ઘોર પાપ કર્મો પણ કરેલા છે તો ક્યારેક સામે છેડે ખૂબ જ ભાવપૂર્વક ભગવાનની ભક્તિ પણ કરી છે. એક જ દાખલો હું બતાવું, જેમાં મારા દુષ્ટ કાર્ય અને સારા કાર્ય બંનેના અંતિમ છેડા આવી જાય છે.
એક વખતે હું પુષ્પક વિમાનમાં બેસી રત્નાવલી નામની કન્યાને પરણવા જઇ રહ્યો હતો. પણ અચાનક જ રસ્તામાં મારું વિમાન અટકી ગયું. હું એકદમ ક્રોધે ભરાયો. મારા વિમાનને અટકાવનાર છે કોણ? મેં નીચે નજર કરી. અષ્ટાપદ પર્વત પર રહેલા વાલિ મુનિ દેખાયા. ઓહ ! આ એજ વાલિ મુનિ, જેમણે મને બગલમાં ઘાલી આખા જંબુદ્વીપને પ્રદક્ષિણા આપી હતી. હા... પહેલાં આ ગૃહસ્થપણામાં હતા ત્યારે મારે આમની સાથે યુદ્ધ થયેલું. પણ હું એમને પહોંચી શક્યો નહોતો. તેઓ અતુલ બલી હતા. મને તો મચ્છરની જેમ બગલમાં દબાવી દીધો હતો. પછી વૈરાગ્યવાસિત બની સાધુ બની ગયા હતા. ત્યારે મેં તેમને ખમાવી દીધા હતા. પણ અત્યારે મને ફરીથી ગુસ્સો આવ્યો. આ વાલિ સાધુ થયો, પણ હજુ મારા પરનો ડંખ છોડતો નથી. સાધુના વેષમાં શેતાનનું કામ કરે છે. હું વિમાનમાં મારે રસ્તે ચાલતો જતો હતો એમાં એને અટકાવવાની જરૂર શી ? પણ હુંયે કાંઇ ઓછો નથી. તે વખતે તો ગફલતથી મને બગલમાં દબાવી દીધેલો... પણ અત્યારે તો હું પૂરો સતર્ક છું. મને અટકાવનારને શી સજા મળે તે હું પણ બતાવી દઇશ. હું નીચે ઊતર્યો. મારા રોમ-રોમમાં ભયંકર ક્રોધ વ્યાપ્ત થઇ ગયો હતો. અરે... હું પોતે જ ક્રોધ બની ગયો હતો. મારી તાકાત આ મુનિને બતાવી દઉં. આખા પર્વત સહિત મુનિને દરિયામાં ન ડૂબાવી દઉં તો મારું નામ દેશમુખ નહિ. હું ગુસ્સામાં ભાન ભૂલ્યો હતો. કૃષ્ણ લેશ્યાએ મારા ચિત્ત તંત્ર પર કબજો લીધો હતો. તમે જાણતા હશો કે કૃષ્ણલેશ્યાવાળો ઝાડ પરના ફળો ખાવા ઇચ્છે તો માત્ર ફળને જ નહિ, આખા ઝાડને જ તોડી પાડે. જાંબૂ ખાવા નીકળેલા છ પુરૂષોનું પ્રસિદ્ધ દૃષ્ટાંત તમને ખ્યાલમાં જ હશે ?
આત્મ કથાઓ • ૪૮૧