________________
દીક્ષાથી. આવું રુક્ષ અને કષ્ટદાયક સંયમ જીવન મારાથી જીવી શકાય નહિ. હું તો ઘેર ચાલ્યો જવાનો !
સવાર થતાં જ હું ભગવાન પાસે પહોંચી ગયો. પણ હું કાંઇ કહું તે પહેલાં જ પ્રભુ બોલી ઊઠ્યા : “કેમ મહાનુભાવ ! તને સંયમના ત્યાગનો વિચાર આવ્યો ?” મારા મનની વાત સાંભળી હું ચોંકી ઊઠ્યો. પણ તરત જ મને સમજાઈ ગયું : આ ભગવાન તો સર્વજ્ઞ છે. મારા પ્રત્યેક વિચારને અને વર્તનને જાણે છે. એમનાથી શું અજ્ઞાત હોય ?
ભગવાને કહ્યું : હે દેવાનુપ્રિય ! એક રાતના થોડાક કષ્ટથી તું કંટાળી ગયો ? યાદ કર તારા પૂર્વભવને, હાથીના ભવને ! ત્યાં તે કેટલું સહન કરેલું છે ? સ્વેચ્છાથી સહન કરીએ એમાં જ મોટો ફાયદો છે. પરાધીનતાથી તો પશુઓના ભાવોમાં ઘણુંયે સહન કર્યું, પરંતુ તેનાથી લાભ બહુ ઓછો થયો. એક સસલા ખાતર તે સહન કર્યું તેથી તું આજે ઠેઠ સાધુપણાની કક્ષા સુધી પહોચ્યો છે. હવે જો તું સાધુઓ ખાતર / રાતદિવસ શુદ્ધ અધ્યવસાયોમાં રહેતા મુનિઓ ખાતર સહન કરીશ તો તું
ક્યાં પહોંચીશ ? ભગવાને મને મારા હાથીના બંને પૂર્વભવો કહ્યા. મને જાતિસ્મરણ જ્ઞાન થયું. ભૂલાયેલા પૂર્વભવો યાદ આવ્યા. મોહરાજા બહુ જબરો છે. એ પૂર્વભવોની વાતો ભૂલાવી દેતો હોય છે. પૂર્વભવો જો આત્માને યાદ રહેતા હોય તો તો સંસારમાં ક્યાંય આનંદ ન આવે. ખાવામાં - પીવામાં - ભોગવવામાં ક્યાંય મજા ન આવે. શું બળ્યુંતું આમાં ? આવું તો મેં કેટલુંય ખાધું, કેટલુંય પીધું, કેટલુંય ભોગવ્યું. ફરીફરી પાછું એનું એ કરવાનું ? આ તો ભયંકર કંટાળાજનક કહેવાય. સારામાં સારી ફિલમ હોય, પણ વારંવાર જોવી માણસને ગમતી નથી. એને નવું ને નવું જોઇએ. આત્માને નૂતનનું જ આકર્ષણ છે. જો એને ખબર પડી જાય કે ઓહ ! હું તો અનંતીવાર દિલ્હીનો બાદશાહ બનેલો છું, અનંતીવાર સોનાના ઢગલા પર બેઠેલો છું, અનંતીવાર મધની કોઠીઓમાં ડૂબકી લગાવી છે, અનંતીવાર ફૂલની શય્યાઓમાં આળોટ્યો છું, તો એને ક્યાંય આનંદ ન આવે. દિલ્હીના સિંહાસન પર પણ આનંદ ન આવે અને પૈસાના ઢેરમાં પણ આનંદ ન આવે ! પણ જગત તો એનું
આત્મ કથાઓ • ૪૭૬
એ જ છે. એમાં રોજ-રોજ નવું ક્યાંથી લાવવું ? આ જ પુદ્ગલોના કણોમાંથી ખેલ કરવાના છે. પણ મોહરાજા બહુ ચાલાક છે. એ આપણી પૂર્વસ્મૃતિઓને નષ્ટ કરી નાંખે છે, જેથી આપણી નિત્ય નૂતન તત્ત્વને પામવાની ઇચ્છા સંતોષાઇ રહી છે, એવો ભ્રમ જળવાઇ શકે ! નવો જન્મ ! નવું વાતાવરણ ! નવા સંયોગો ! નવા પદાર્થો ! જાણે કદી મળ્યું જ નથી, કદી જોયું જ નથી - એવા ભાવથી દરેક ભવમાં આત્મા પુદ્ગલોમાં રસ લેતો જ રહે - લેતો જ રહે, કદી કંટાળે જ નહિ.
પણ મહાવીરદેવ આ મોહરાજાની ચાલ સમજેલા છે. એથી તેઓ પૂર્વસૂતિઓને જગાડે છે. અવારનવાર અનેક આત્માઓને એમના પૂર્વભવો જણાવે છે, સુષુપ્ત સ્મૃતિઓને ઢંઢોળે છે અને મોહરાજાની ચુંગાલમાંથી છોડાવે છે.
હું ભાગ્યશાળી હતો. મને મોહરાજાની પક્કડમાંથી છોડાવનાર મહાવીરદેવ મળી ગયા. ઉન્માર્ગે ગયેલા મારા જીવન રથને સન્માર્ગે
સ્થાપિત કરનાર ઉત્તમ સારથી મને મળી ગયા. હું સંયમ માર્ગમાં એકદમ સ્થિર બની ગયો. મારો જીવનરથ સડસડાટ સાધનાના માર્ગે ચાલવા લાગ્યો. પછી તો મને સંયમ-ત્યાગના ફરી કદી વિચારો આવ્યા જ નથી. હું સમાધિપૂર્વક મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ થયો. એવું લાગે છે કે બીજાને સુખી બનાવવાના વિચારમાંથી જ ધર્મનો જન્મ થાય છે, ને વિકાસનો પ્રારંભ થાય છે. એક સસલાના સુખનો વિચાર મને આવ્યો તો હું ક્યાંથી ક્યાં પહોંચ્યો ? હાથીમાંથી રાજકુમાર બન્યો. શ્રેણિક રાજા જેવા પિતાજી અને ધારિણી જેવાં માતા મળ્યા ! દીક્ષામાં મહાવીર જેવા ગુરુ મળ્યા. અરે, ગુરુ જ નહિ, સારથી બનીને એમણે મારો જીવનરથ સન્માર્ગે વાળ્યો. તમે મને ઓળખી ગયા ને ? આજે પણ પર્યુષણમાં કલ્પસૂત્રના પ્રથમ વ્યાખ્યાનમાં “ધમ્મસારહીણું’ એ પદની વ્યાખ્યામાં મારું દૃષ્ટાંત અપાય છે, વિનયવિજયજીએ સુબોધિકા ટીકામાં મારું જીવન, દૃષ્ટાંત તરીકે નોંધ્યું છે. હવે તો ઓળખાણ પડીને ? તમે કહી બતાવશો કે હું જ કહી દઊં ? સાંભળો ત્યારે : હું મેઘકુમાર !
આત્મ કથાઓ • ૪૭૭