________________
આ સાંભળતાં જ મારા હૃદયના ધબકારા એકદમ વધી ગયા. હવે હું શી રીતે બચીશ ? શિવ... શિવ... શિવ... ભોલેનાથ ! મને ઉગારજો. મારા રોમ-રોમ ભગવાનને યાદ કરી રહ્યા.
બંને સૈનિકોનો અવાજ બંધ થયો. તપાસવાનું ચાલુ થયું. સાથે પેલો ખેડૂત પણ હતો. ખેતરમાં બધે જ ફેરવ્યા. સપાટ ખેતરમાં તપાસવા જેવું તો બીજું શું હોય? ઝાડી-ઝાંખરા, ઝાડની બખોલો વગેરે બતાવ્યું. આખરે મારા ખાડા પાસે આવ્યા. ખેડૂતે કહ્યું : આ ખાડાને પણ તપાસી લો.” મને ખેડૂત પર જરા ગુસ્સો આવ્યો : અરે... આ ગમારે તો બધું પાણી-ઢોળ કરી નાખ્યું. હવે ? પણ બીજી જ પળે મેં વિચાર્યું : ના.. ના... ખેડૂત એમ તો ચાલાક છે. મારી ધારણાથી વધુ હોંશિયાર છે. એણે આમ કહેવું જ જોઇએ. તો જ સૈનિકોને વિશ્વાસ બેસે ને ? જો થોડી પણ આનાકાની કરે અથવા થોડા પણ આંખ આડા કાન કરે તો સૈનિકો તરત જ વધુ વહેમાય અને સઘન તપાસ કરે. ચાણક્ય પણ ચંદ્રગુપ્તને બચાવવા નંદના સૈનિકોને આમ જ કહ્યું હતું ને ? જાવ... પેલા તળાવમાં... ખોળી લો ચંદ્રગુપ્તને, અને સાચે જ ચંદ્રગુપ્ત તળાવમાં જ હતો. જ્યાં એ સૈનિકો તળાવમાં ઊતર્યા ત્યાં જ ચાણક્ય પાછળથી એમની જ તલવારથી એમના ડોકાં કાપી નાખ્યા. જો કે આ ખેડૂત ચાણક્ય નથી. છતાં બુદ્ધિનો ભંડાર તો છે જ. એમાં શંકાને સ્થાન નથી જ. મારી ગણતરી સાચી પડી. સૈનિકોએ ખાડામાં બહુ તપાસ ન કરી. ઉપરછલ્લું જોયું. ઉપર ધૂળ પડેલી જોઇને કહ્યું : આ તો કેટલાય દિવસનો પૂરાયેલો ખાડો લાગે છે ! અહીં કુમારપાળ હોઇ શકે નહિ.” ત્યારે ફરી બીજાએ કહ્યું : ન હોઇ શકે એમ તો હું પણ અનુમાન કરી શકું છું. છતાં આપણે ચકાસણી તો કરી જ લેવી જોઇએ. એ ચકાસણી માટે કાંટા કાઢીને આખો ખાડો ખાલી કરવાની જરૂર નથી. માત્ર એક ભાલો ઘોચીએ એટલે પત્યું ! કુમારપાળ હશે તો ભાલો લોહીવાળો તો થશે ને ?”
ભાલો ? નખથી માંડીને શિખા સુધી મારા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. શું થશે ? અરે ભગવાન ! શિવ... શિવ... શિવ...
ખચાક.. મારી બાજુમાં જ ભાલો આવ્યો. હું સહેજમાં જ બચી
ગયો. ભાલાની અણી માટીવાળી જોઇ એક સૈનિક બોલી ઊઠ્યો : ચલો... આ ખાડામાં તો કુમારપાળ નથી જ. અહીં જ બીજે ક્યાંક તપાસ કરીએ ! બાકી કુમારપાળને શોધ્યા વિના જવું નથી. જો એમને એમ જઇશું તો સિદ્ધરાજ ધૂળ કાઢી નાખશે !'
ત્યાં બીજો સૈનિક બોલ્યો : “ધૂળ કાઢે તો ભલે કાઢે ! આપણે શાંતિથી સાંભળી લઇશું ! બે કાન છે ને ! એક કાનથી સાંભળવું ને બીજા કાનથી... !”
‘તારી વાત સાચી છે કુમારપાળને શોધવામાં આપણે જરાય કચાશ રાખી નથી. છતાંય ન મળ્યો તો આપણે શું કરીએ ? ચલો... ચલો... ઘણો વખત થઇ ગયો છે. સવારથી આપણે કાંઇ જ ખાધું નથી. મને તો હવે ચક્કર આવે છે !
“ચલો... હું પણ તારી વાતમાં સંમત છું !' અને સિદ્ધરાજના સૈનિકો નિરાશ થઈ પાછા વળ્યા. તબડાક.. તબડાક... તબડાક... ઘોડાઓના ડાબલાઓનો અવાજ ક્યાંય સુધી સંભળાઇ રહ્યો.
થોડીવાર પછી ખેડૂતે ખાડામાંથી કાંટા કાચા અને મને કહ્યું : હવે તમે બહાર નીકળો. સૈનિકો જતા રહ્યા છે. અત્યાર પૂરતો તમારા પરથી ભય જતો રહ્યો છે. મને તો ખબર નહિ કે તમે કુમારપાળ છો. મેં તો એક બાવાજીને ધાર્યા હતા. સૈનિકોના મુખેથી જાણ્યું કે તમે કુમારપાળ છો. તમારા જેવાની સેવા કરવાની તક મળતાં મને ખૂબ જ આનંદ થયો છે.'
બહાર નીકળ્યો. મારું શરીર બોરડીના કાંટાથી લોહીલુહાણ થઇ ગયું હતું. તેના પર વળી ધૂળ ચોટી ગઇ હતી. કેટલાય કાંટા તો હજુ ખૂંપેલા હતા. દયાળુ ખેડૂતે મારા શરીર પરના કાંટા સાફ કર્યા. શરીર સાફ કર્યું અને મને જમવા માટે કહ્યું. ના પાડવાનો કોઇ સવાલ નહોતો. ભૂખ પણ ખૂબ જ લાગી હતી. હું જમવા બેસી ગયો. સૂક્કો રોટલો ! ગોળ અને છાસ ! વાહ ! શું આનંદ આવ્યો ! દૂધપાક પુરીમાં જે આનંદ ન આવે તે છાસ-રોટલામાં આવ્યો. ભૂખ વિના માલ-મલીદા પણ નકામા ને ભૂખ હોય તો સૂક્કા રોટલા પણ શ્રેષ્ઠ ! ખરો સ્વાદ ભૂખમાં છે,
હું કુમારપાળ • ૩૮૯
આત્મ કથાઓ • ૩૮૮